તા. 27-11ના રોજ હેમુ ગઢવી હોલમાં મેડી ફરી યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી હેમુ ગઢવી હોલ ખાતે યોજાઈ ગયું મયુર સોનેરી, કુંતલ શુક્લ દિગ્દર્શિત ભજનીકલ નાટક ‘માધાની મેડી.’ રાજકોટ જિલ્લા યુથ ડેવલોપમેન્ટ ઓફીસર હિતેશ દિહોરાએ સમગ્ર ટીમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું તથા રાજકોટના કલાકારો માટે વિશિષ્ટ તક પૂરી પાડવાના પોતાના વિઝનને આ પ્રયોગ થકી ચરિતાર્થ કર્યું. તા. 27-10-2024ના રોજ રાજકોટ શહેરના આંગણે મેડી ખુલી હતી ‘માધાની મેડી.’ આ મેડી એ જોવા મળ્યા આશ્રમ જીવનના આદર્શો.
- Advertisement -
પદ્યશ્રી એવોર્ડથી સન્માનિત હેમંતભાઈ ચૌહાણ અને તેમના પરિવારની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટના 100 કલાકારોએ 1000 દર્શકોને એકતાંતણે બાંધ્યા. ગાયક કલાકારોએ વિવિધ ભજનો પીરસ્યા અને સાથે પ્રથમ વાર મંચ પર નાટ્ય અભિનય કર્યો. સાથે જ નોંધનીય છે કે આટલા મોટા કલાકારોના કાફલામાં મોટાભાગના કલાકારો માટે આ નાટક મંચ પ્રવેશની ઘટના બની. 4 વર્ષના બાળ કલાકારથી લઈને 70 વર્ષ સુધીના કલાકારોએ વિવિધ પાત્રો ભજવી આ નાટ્ય-પ્રયોગને ન્યાય આપ્યો.નાટકની અંદર ભજન, સંગીત, નૃત્યને એક સાથે રજૂ કરતી ઘટનાઓ જૂજ થતી હશે. દર્શકો માટે નાટકની 2 કલાકની એક અવિસ્મરણીય અનુભવ બની ગઈ. તાળીઓના ગડગડાટની સાથે ખૂબ ભાવપૂર્ણ પ્રશંસા દર્શકોએ પાઠવી. વૃંદાવનમાં રાસ રચાય અને જેમ સૌ કોઈ એક લયમાં ગતિમાન થઈ જાય એવું વાતાવરણ ‘માધાની મેડી’એ સર્જયું હતું. હંમેશા હાજર રહેવાની વાત કરતાં એકટર- ડિરેકટર મયુર સોનેજીએ સૌને હાજર કર્યા સો એ સો. Here & Now Film Schoolનો આ પ્રયોગ શહેરના વિવિધ કલાજગતના કલાકારો માટે શિક્ષણની એક નોંધપાત્ર ઘટના બની. કોઈ પણ ક્રિએટિવ પ્રોડકટ તૈયાર કરવામાં અનેક ડિપાર્ટમેન્ટનો સહયોગ જરૂરી બનતો હોય છે. ‘માધાની મેડી’ દ્વારા એક્ટિંગ, રાઈટિંગ, સિગિંગ, સેશન પ્લેયિંગ, સાઉન્ડ, લાઈટ્સ, કોસચ્યુમ, ક્લાસિકલ ડાન્સ, સેટ ડિઝાઈન, આર્ટ પ્રોડકટશન જેવા અનેક વિભાગના લોકોએ સાથે મળીને એકબીજાને પોતપોતાની કલા વિશે માહિતગાર કર્યા અને પોતાની સમજ અને સૂઝ વહેંચી. આવી જ રીતે રાજકોટના તમામ કલાકારો માટે એકબીજા સાથે જોડાવાની અને નવા કાર્યોના નિર્માણની ઘટના થાય એ જ Here & Now Film Schoolનો ઉદ્દેશ્ય છે. ‘માધાની મેડી’ ટીમ પાસે રવિવારના શો માટે મોટી સંખ્યામાં કાર્યક્રમના પાસ માટે પૂછપરછ થઈ હતી. બેઠક મર્યાદા ઉપરાંત મેડીએ આવવા માગતા લોકો માટે તા. 27-11-2024 બુધવારના રોજ હેમુ ગઢવી હોલમાં મેડી ફરી ખુલશે. આપ સૌ બુક માય શો પરથી ટિકિટ બુક કરાવી શકો છો.