હિંદુ પંચાંગના વિક્રમ સંવત મુજબ નવવર્ષનો બીજો દિવસ ભાઈ-બીજ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે. આ ઉપરાંત ભાઈ આજના દિવસે બહેનને ભેટ પણ આપે છે. ગુજરાતમાં આ દિવસે બહેન પોતાન ભાઈને તેના ઘરે ભોજન માટે આમંત્રિત કરે છે.
આ તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોવા, પશ્ર્ચિમ બંગાળ અને કર્ણાટકમાં વધારે લોકપ્રિય છે. આ દિવસને યમ દ્વિતીયા તરીકે ઓળખવામાં આવે છે. તેની પાછળની પૌરાણિક માન્યતા એવી છે કે આ દિવસે ભગવાન યમરાજ તેમના બહેન યમુનાના ઘરે જમવા ગયા હતા. આતિથ્ય સત્કારથી આનંદિત થઈને યમરાજે બહેન યમુનાને બે વરદાન માંગવા માટે કહ્યું હતું, ત્યારે યમુનાજીએ પહેલું વરદાન એ માંગ્યું હતું કે, દરવર્ષે આજના દિવસે દરેક ભાઈ તેની બહેનને ત્યાં જમવા જશે તથા આ દિવસ ભાઈના પ્રેમના પ્રતિક સ્વરૂપે મનાવવામાં આવશે.
- Advertisement -
બીજું વરદાન એ માંગ્યું હતું કે આજના દિવસે કોઈપણ ભાઈનું અકાળે મૃત્યુ નહીં થાય. જે ભાઈઓ ભાઈબીજના દિવસે તેમની બહેનને ત્યાં ભોજન ગ્રહણ કરશે તે ક્યારેય નર્કનો દરવાજો નહીં જુએ. જે બાદ યમરાજે તેમના બહેન યમુનાને આ વરદાન આપ્યા હતા.