મારો આર્થિક અને માનસિક ફાયદો ઊઠાવી ગઇ
– મેધા પંડ્યા ભટ્ટ
મનમાંથી એણે રમેલી રમત ભૂંસાતી જ નથી
જ્યારે પણ હું કોઇ વ્યક્તિ સાથે સોશિયલ મીડિયામાં થયેલી લાગણી સાથેની રમતને, તેની સાથે થયેલા વિશ્વાસઘાતની વાતને સાંભળું તો મને થાય કે અજાણ્યા લોકો સાથે વધારે સંપર્ક કેળવવો ભયજનક છે અને તેનાથી લોકોએ સતત સાવચેત રહેવું જોઇએ. પણ જ્યારે વોટ્સઅપમાં બનતા ગ્રુપોમાં પણ આ પ્રકારની ઘટનાઓ બને છે, તેવી વાતો સાંભળવા મળી ત્યારે થોડો મને આંચકો લાગ્યો. મારા આર્ટીકલ હું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર મૂકું છું. અનેક જગ્યાએ લીંક પણ ફોરવર્ડ થાય છે અને આ જ રીતે મારી લીંકમાં આવતા મારા નામથી, મને સોશિયલ મીડિયામાં શોધીને જયદીપે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો. તેણે મને તેની સાથે બનેલી ઘટના હું સાંભળુ અને તેની વિશે લખુ તે જણાવ્યું. મને કોઇ વાંધો નહોતો. મેં વાત સાંભળી અને ખરેખર થયું કે આ મોબાઇલની દુનિયા કેટકેટલાય લોકોની લાગણીઓ સાથે રમત રમશે. કારણકે આ તમામ એપ્સ તો મોબાઇલ આવ્યા પછી જ આવી છે. હું વધારે મોબાઇલનો વાંક કાઢવા નથી માગતી કારણકે તેનો ઉપયોગ વ્યક્તિએ કેટલો કરવો અને કઇ રીતે કરવો તે વ્યક્તિના પોતાના વ્યક્તિત્વ પર આધારીત છે. આપણે જયદીપની વાત સાંભળીએ.
હું છેલ્લા પાંચ વર્ષથી એક ગ્રુપમાં જોડાયેલો છું. હું પોતે વાપી રહું છું પણ અમદાવાદ શહેરના આ ગ્રુપમાં જોડાયો છું કારણકે હું સાત વર્ષ પહેલા નોકરીના કારણે અમદાવાદ રહેતો હતો. હવે મારી બદલી વાપી થઇ હોવાથી અહીં એકલો રહું છું. હું સિંગલ છું અને લગ્ન માટે યુવતી શોધુ છું. અમારા ગ્રુપમાં અલગ અલગ ફિલ્ડના અનેક યુવકો, યુવતીઓ, પુરુષો અને મહિલાઓ છે. હું મોટાભાગે બધી મહિલાઓને બહેનના જ નામથી સંબોધન કરતો હોઉં છું. આ ગ્રુપમાં ચાર વર્ષ પહેલા જ્હાનવી કરીને એક યુવતી આવી. તે અમદાવાદમાં પીજીમાં રહે છે. રાજકોટના નજીકના કોઇ ગામડેથી અહીં શિફ્ટ થઇ છે અને એક હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. મને કવિતા અને ગઝલ લખવાનો શોખ છે તેથી હું મારા નામ સાથેની ગઝલો અને કવિતાની પંક્તિઓ સમય મળે ગ્રુપમાં પોસ્ટ કરતો હતો. ગ્રુપમાં બધા જ એકબીજાને ગમતી પોસ્ટના વખાણ કરતા રહે છે. જે સામાન્ય બાબત છે. મારી પોસ્ટને લોકો વધારે પસંદ કરતા હતા. તેમાં જ્હાનવીનો પણ ઉમેરો થયો. જોકે ગ્રુપમાં તે સમયે મેં તેને નોટીસ નહોતી કરી.
- Advertisement -
એક દિવસ હું મારી કંપનીમા હતો અને જ્હાનવીનો બપોરે મેસેજ આવ્યો કેમ છો. મારી પાસે નંબર નહોતો, તેથી મેં સામે કોણ એવો સવાલ કર્યો. તેણે મને તેનું નામ અને એકસાથે ગ્રુપમાં હોવાનું જણાવ્યું. મેં તેને ફ્રી થઇને વાત કરીએ એમ કહ્યું. હું તેની સાથે થયેલી ચેટ ભૂલી ગયો, પણ રાત્રે દસ વાગે અચાનક એનો ફોન આવ્યો. મેં નંબર સેવ નહોતો કર્યો, તેથી ફરી મારે પૂછવું પડ્યું કોણ બોલો. તેણે રીસામણા અવાજમાં કહ્યું કે બસને સાવ આવું, હજી નંબર સેવ નથી કર્યો. આટલું કહીને તેણે ફોન મૂકી દીધો. મને કંઇક નવાઇ લાગી મેં ફરી સામે ફોન કર્યો. તેણે ઉપાડીને કહ્યું કે હું જ્હાનવી બોલું છું. બપોરે આપણે વાત થઇ હતી. મને યાદ આવ્યું અને સ્વાભાવિકપણે મેં તેની માફી માંગી. અમારી વાતચિત આગળ વધી. તેને મારી કવિતા અને ગઝલો ગમે છે, તેમ તેણે મને કહ્યું. મને ગમ્યુ. તેણે પોતે શું કરે છે અને પીજીમાં રહે છે, તે વાતો કરી. આ રીતે અમારે વાતચિતની શરૂઆત થઇ. લગભગ દિવસમાં બેથી ત્રણ વાર અમે ફોન પર વાતચિત અને સમય મળે ત્યારે વોટ્સઅપમાં ચેટ કરી લેતા હતા. અમે એકબીજાના કુટુંબ અને પરિવારની વાતો પણ કરતા. પસંદ-નાપસંદ વિશે, સ્વભાવ વિશે બધી રીતે અમે એકબીજાથી પરીચિત થવા લાગ્યા હતા. અમે બંને કુંવારા છીએ તેથી ભવિષ્યમાં સાથે રહી શકીએ તેવો વિચાર મારા મનમાં આવ્યો હતો. તેની તરફની મને ખબર નહોતી. હું ફક્ત તેની સાથે થયેલી વાતચિતથી જ તેને ઓળખતો હતો બાકી વ્યક્તિગત રીતે મુલાકાત થઇ નહોતી.
અમારા ગ્રુપમાં મારી પોસ્ટ પર તેની અચૂક કોમેન્ટ આવતી અને ક્યારેક તે મારી લખેલી પંક્તિઓ પર કોઇની ફોરવર્ડ પંક્તિઓ એ રીતે મૂકતી કે જાણે સંબંધોનું જોડાણ કરી રહી હોય. અમારા ગ્રુપનો એક પ્રોગ્રામ નક્કી થઇ રહ્યો હતો. તેણે મને અમદાવાદ આવવા માટે કહ્યું. મને પણ તેને મળવાની ઇચ્છા હતી. તેથી મેં પણ ગ્રુપમાં હાજરી નોંધાવી. હું સ્પેશિયલ તેના આગ્રહથી કાર લઇને ગયો. હું ગ્રુપના બીજા મિત્રને ત્યાં રોકાયો અને સાંજે અમે બધા પ્રોગ્રામમાં ભેગા થયા.
હું મિત્રની સાથે જ ગયો હતો. મેં જોયું તો તે પણ અમારા ગ્રુપના એક વડીલ મિત્રની સાથે કારમાં આવી. ગ્રુપમાં બધા ભેગા થયા. વાતચિત થઇ, અમે બંનેએ પણ ગ્રુપના મિત્રોની જેમ મળીને વાતચિત કરી. મારા મનમાં તેના માટે લાગણી હતી પણ તેને જોઇને મને લાગ્યું નહીં કે તેને મારા માટે કોઇ એવો વિચાર હોય. તે દરેક મેમ્બર સાથે ખૂબ જ હળીમળીને વાતો કરતી હતી. સરળતાથી કોઇપણ પુરુષ કે સ્ત્રીને ભેટી પડતી હતી. જોકે આજકાલ આ સામાન્ય થઇ ગયું છે. મને તેનું વર્તન ફોન અને મેસેજ કરતા થોડું નહીં ઘણું અલગ લાગ્યું. મેં એને પૂછ્યુ કે તને રીટર્નમાં ડ્રોપ કરી દઉં તો તેણે મને જેની સાથે આવી છે, તેની સાથે જ જશે તેવું જણાવ્યું. મેં વધારે આગ્રહ ન રાખ્યો.
- Advertisement -
રાત્રે મેં તેને બીજે દિવસે મળવા માટે પૂછ્યું તો તેણે નોકરી ચાલું છે એમ જણાવ્યું. તેના કહેવાથી હું બે દિવસ રજા લઇને, મારી કાર લઇને આવ્યો હતો, જેથી તેની સાથે સમય વિતાવી શકું પણ તેનું વર્તન મને ન સમજાય એવું રહ્યું. હું બપોરે વાપી જવા નીકળી ગયો. રાત્રે તેનો મને ફોન આવ્યો તો મને વાપી પહોંચી ગયેલો જાણીને ગુસ્સો કરવા લાગી, કે તેને કહ્યા વિના અને મળ્યા વિના હું કેમ નીકળી ગયો. મેં તેને કહ્યું કે તને સમય નહોતો. અમારે ઝગડો થયો. મેં તેને સ્પષ્ટ પૂછી લીધુ કે તું જે રીતે ફોન અને મેસેજમાં મારી સાથે વાતચિત કરે છે અને અત્યારે ઝગડો કરે છે, તે ક્યા હકથી કરે છે. તેનો જવાબ હતો કે હું તને મારો સારો મિત્ર માનું છું. હું સમજી ગયો કે જે લાગણી મારા મનમાં હતી તે એનામાં નહોતી. મેં ધીમે ધીમે તેની સાથે ઓછી વાતચિત કરવાનું નક્કી કર્યું. લગભગ દસ દિવસમાં મારા વર્તનમાં આવેલા સુધારાને જોઇને તેણે મને દમણ ફરવા જવા માટે કહ્યું. મને પણ થયું કે અચાનક કેમ આ નક્કી કર્યું હશે. જોકે તેણે મને કહ્યું કે અમદાવાદમાં તે ગ્રુપમાં બધાની વચ્ચે અમારી ઓળખાણને જણાવવા નહોતી માગતી. મને થયું કે દસ દિવસ દરમિયાન તેને મારા માટે લાગણી થઇ હશે. આમ વિચારીને મેં હોટલ બુક કરાવી દીધી અને તે વાપી સુધી ટ્રેનમાં આવી. હું તેને લેવા ગયો અને અમે બંને સીધા દમણ નીકળી ગયા. દમણનો ત્રણ દિવસનો અનુભવ ખૂબ ખરાબ રહ્યો. કોઇપણ યુવતી કે મહિલા કોઇપણ પુરુષ સાથે હોટલમાં બે-ત્રણ દિવસ સાથે રહેવાની સહમતી દર્શાવે તો તે પુરુષને એવો વિચાર તો આવે જ કે તે તેની સાથે દરેક સીમા ઓળંગવા તૈયાર છે. મને પણ આ વિચાર આવ્યો હતો.
આ વિચાર જ્હાનવીને નહોતો આવ્યો. તે ત્રણ દિવસ દરમિયાન તેણે મને ફક્ત મિત્ર છીએ અને મેં તેને અહીં મળવા માટે અને ફરવા માટે બોલાવી છે, તેવું જ વર્તન મારી સાથે કર્યું. તેના મોજશોખ જોઇને મને થયું કે આ મારો ઉપયોગ કરી રહી છે. મે તે સમયે બધુ નોટીસ કર્યું. રાત્રે સૂતી વખતે અમે એક જ બેડ પર સૂતા પણ તે મને તેનાથી દૂર રાખતી. તે દેખાવમાં વધારે સુંદર ન કહી શકાય પણ તેને જોઇને આકર્ષણ થાય ખરું. તેનું ડ્રેસીંગ મને વધારે ઉત્તેજીત કરતું પણ હું મિત્રતાની હદમાં બંધાયેલો હતો. દમણની મજા જાણે તે એકલી જ માણી રહી હોય તેવું મને લાગ્યું. બધી વ્યવસ્થા, ખર્ચો મારો પણ હું તેની સાથે ક્યાંય હતો નહીં. જે દિવસે તે જઇ રહી હતી તેણે મને કહ્યું કે તેની માટે કાર બૂક કરાવી દઉં. અમદાવાદ સુધી કાર શું જરૂર છે. ટ્રેનમાં જતી રહે તેમ મેં તેને કહ્યું તો તે રડવા લાગી. મારા મિત્રની જ કંપનીમાંથી મેં તેને કાર બુક કરી આપી અને તેનું પેમેન્ટ પણ મારે જ કરવાનું આવ્યું. અમે બંને છૂટા પડ્યા. મને પછીથી ખબર પડી કે વાપીથી જે કાર માં તે ગઇ હતી, તેમાં સુરતથી તેણે તેના કોઇ પુરુષ મિત્રને સાથે લીધો હતો.
મને તેની હરકતો સમજાવા લાગી હતી. પહેલા પ્રેમનું નાટક, પછી ફક્ત મિત્રો છીએ નું વર્તન, મારા ખર્ચે મોજશોખ અને મારા પૈસાથી જ અન્ય સામે સારા બનવાનું નાટક કરનારી આ યુવતી વિશે હવે મને જાણવાની ઇચ્છા થઇ. અમારા ગ્રુપની જ એક મહિલા મિત્ર જેને હું બહેન કહું છું, તેને મેં મારી આ બધી વાત કરી. તેણે મને કહ્યું કે તારે એનાથી ચેતવાની જરૂર હતી. તે તો ગ્રુપના પુરુષોનો ઉપયોગ જ કરે છે. ક્યારેય પૈસાથી તો ક્યારેય શોપિંગ કરાવીને કે પછી આ રીતે ફરીને, મોજશોખ કરીને તે પુરુષોને ગલગલીયા કરાવે છે. અહીં પણ ગ્રુપના ચાર-પાંચ પુરુષોને તેના ઇશારે નચાવે છે. ગ્રુપની દરેક મુલાકાતમાં તેને કોઇક ને કોઇક લેવા અને મૂકવા જાય જ છે. તે ક્યારેય ખર્ચો કરીને રીક્ષા કે કેબ ન કરે. ક્યારેય કોઇ મહિલા મિત્ર સાથે પણ ન જોવા મળે. અઠવાડિયામાં ત્રણવાર ડિનર પર પણ તેની મનગમતી હોટલોમાં તે પુરુષ મિત્રો સાથે જાય છે. મને જાણવા મળ્યા મુજબ ઘણા લોકો સાથે તેને શારીરિક સંબંધ છે. તે પોતે નર્સ છે એટલે તેને બધી સાવધાની રાખવાની ખબર પડે છે. તેને કદાચ દમણ ફરવા આવવું હશે એટલે તારો ઉપયોગ કરી લીધો. હવે તને એ સંપર્ક નહીં કરે. જ્હાનવી વિશે આ વાતો સાંભળી મને ખૂબ જ નવાઇ લાગી. મેં મારી તે મહિલા મિત્રને આ વિશે કોઇને ન જણાવવા કહ્યું. હવે હું મનોમન ખૂબ પસ્તાવા લાગ્યો. મેં તેને એક-બે વાર 10-10 હજાર પણ ટ્રાન્સફર કર્યા હતા. જોકે તેમાં મારી લાગણી જોડાઇ ગઇ હતી. મને ભાન થયું કે હું એકતરફી પ્રેમમાં હતો અને તેણે મને પ્રેમનો વહેમ કરાવીને લૂંટી લીધો. હું લાગણીશીલ વધારે છું તેથી આ ઘટના પછી હું ડ્રિંક અને સિગરેટ વધારે પીવા લાગ્યો. મારી હાલત અને શરીર પર તેની અસર થવા લાગી. ગ્રુપમાં પણ તેની પોસ્ટ જોઇને ગુસ્સો આવતો પણ હું તે પછી ગ્રુપમાં કંઇ જ મૂકી જ ન શક્યો. હાલમાં માનસિક રીતે સ્વસ્થ છું.
સમજવા જેવું –
વોટ્સઅપ ગ્રુપ અનેક બનતા હોય છે અને આપણા નજીકના મિત્રો દ્વારા આપણે જાણતા કે અજાણતા એવા ગ્રુપમાં આવી જઇએ કે ત્યાં દરેકનો પરિચય હોતો નથી. તમારી સાથે કોઇ રમત રમતું હોય કે રમવાનો પ્રયત્ન કરતું હોય તો પણ તમને તેનો અંદાજો આવતો નથી. દરેક ગ્રુપ ખરાબ હોતા નથી પણ જ્યારે પણ નવા અજાણ્યા લોકોના ગ્રુપમાં જોડાવ તો સાવચેતી રાખવી. ગ્રુપમાં જ્યાં સુધી કોઇને વ્યક્તિગત રીતે જાણી ન લો કે તેના વિશે મોટાભાગની માહિતીથી માહિતગાર ન હો ત્યાં સુધી કોઇપણ પ્રકારના વ્યવહારમાં પડવું નહીં. તે વ્યવહાર પછી લાગણીઓ સાથે નો જ કેમ ન હોય. અત્યારે સમાજ જે રીતે બોલ્ડ અને બિન્દાસ વિચારસરણી ધરાવતો થઇ રહ્યો છે, ત્યારે તમે ક્યારે કોઇપણ રમતના રમકડાં બની જશો તે તમે પોતે પણ નહીં સમજી શકો. તેથી સાવચેત રહો અને નવા મિત્રોથી ચેતતા રહો. જરૂર પૂરતા સંબંધ રાખો અને એક હદથી વધારે વ્યક્તિગત ન થાઓ.