મુખ્ય સૂત્રધારના પુત્રનો બર્થડે હોય ઘરે આવતા જ આજી ડેમ પોલીસે ઝડપી લીધા
ઘર પાસે લઘુશંકા કરવા મુદે ઝઘડો કરી લાકડીથી ઢોર માર માર્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટમાં મજૂરી કરતા જુનાગઢ પંથકના પ્રૌઢને ગત 12 તારીખે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડાયા બાદ મોત નીપજતા પૂત્રએ હત્યા અંગે 16 તારીખે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો બનાવ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર બે આરોપીને દબોચી લીધા છે. જેમાં મુખ્ય આરોપીના પુત્રનો બર્થડે હોય તેમાં આવતા જ પોલીસે વોચ ગોઠવી દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે. મૂળ જુનાગઢના ઢોરવા ગામના અને હાલ રાજકોટના લાપાસરી રોડ પર મફતિયાપરામાં રહી કડીયા કામ કરતા વિજયભાઈ ઉર્ફે વિભો સમજુભાઈ સોલંકી ઉ.45 ગત 12 તારીખે રણુજા મંદિર પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા રવી કાલીયા અને અજાણ્યા શખ્સે આ ભાઈને અકસ્માત થયો છે હોસ્પિટલે મૂકી આવો કહી રીક્ષામાં મોકલી દીધા હતા. બાદ સારવારમાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ શંકાસ્પદ હોય જેથી પોલીસે તપાસ કરતા પ્રૌઢ જ્યાં રહેતા હતા ત્યાં ઘર પાસે લઘુશંકા કરવા મુદે રવિ સહીત બે શખ્સોએ લાકડીથી મારકૂટ કરી હોવાનું જાણવા મળતા પૂત્ર પીયૂષે બંને સામે હત્યા અંગે 16 તારીખે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ જાડેજા સહિત ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
- Advertisement -
દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ હારૂનભાઈ ચાનીયા અને રવિભાઈ વાંકને બાતમી મળી હતી કે મુખ્ય આરોપી રવિના પૂત્રનો બર્થડે હોય તેમાં તે આવવાનો હોય જેથી ઘર બહાર વોચ ગોઠવી હતી. ત્યારે મોડીરાત્રે વેલનાથપરામાં રહેતો રવિ વિક્રમભાઈ ઉર્ફે ગડો કાલીયા (ઉ.વ.26) અને સહઆરોપી સોમનાથ સોસાયટીનો વિજય ભુપતભાઈ ચાવડા (ઉ.વ.25) આવતા જ દબોચી લીધા હતા. પ્રાથમિક પૂછતાછમાં પ્રૌઢને લાકડીથી મરણતોલ માર માર્યો હોય તેનું મોત થયું હોય તેનો અંદાજો બંને આરોપીને આવી જતા બંને મોબાઈલ બંધ કરી રાજકોટ મૂકી ભાગી ગયા હતા. પરંતુ પુત્રના બર્થડેમાં આવશે જ તેવી દ્રઢ બાતમીએ દબોચી લીધા હતા. આ કેસમાં પોલીસે 194 મુજબ સાક્ષીના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.