વિશેષ મુલાકાત: મીરા ભટ્ટ, હેમલ વિઠ્ઠલાણી
રાજકોટ શહેરનાં DCP (ઝોન-2) જગદીશ બાંગરવા આજનાં યુવાનો માટે ઉદાહારણરૂપ વ્યક્તિત્વ છે. આજે જ્યારે દર ત્રીજા યુવક-યુવતી સિવિલ સર્વિસીસમાં જવા માંગે છે, IPS કે IAS બનવા માંગતા હોય છે ત્યારે ડીસીપી બાંગરવાની આઈ.પી.એસ. બનવાની સફર અનેક શીખ આપે છે. નાની-નાની નિષ્ફળતાઓથી નિરાશ થઈ જતાં લોકોએ તેમની વાતો જાણવી જોઈએ… ‘ખાસ-ખબર’એ તેમની સાથે કરેલી વાતચિતનાં અહીં આપેલાં અંશો જ એ વાતનો પુરાવો છે…
- Advertisement -
હંમેશા જીવનમાં આગળ વધવું હોય તો તમને જે ફિલ્ડમાં રુચિ હોય જેમાં રસ હોય અને પારંગત હોવ એ જ ફિલ્ડમાં આગળ વધવું, નહીં કે કોઈની નકલ કરીને કે દેખાદેખી કરી ને, આ શબ્દો છે રાજકોટ ડી સી પી ઝોન 2 જગદીશ બાંગરવાના કે જેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓએ આઈ.પી.એસ.ની ડિગ્રી પ્રાપ્ત કરીને માત્ર પરિવાર જ નહીં પરંતુ ગામનું નામ પણ રોશન કર્યું છે. સાવ નાની જ ઉંમરમાં મોટી સિદ્ધિ હાંસલ કરી જગદીશ બાંગરવા આજના યુવાનો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર વ્યક્તિત્વ છે તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. સ્વભાવથી સરળ, શાંત અને સારુ વ્યક્તિત્વ ધરાવતા રાજકોટ ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા છેલ્લાં પાંચ મહિનાથી રાજકોટમાં ફરજ બજાવી રહ્યા છે. ઉપરાંત તેમના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે ઘણાં કેસ સોલ્વ કર્યા છે.
‘ખાસ-ખબર’ સાથેની વાતચીત દરમિયાન ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાએ તેમના જીવનની અનેક નાની-મોટી યાદગાર પળોને વાગોળી હતી. તેઓ રાજસ્થાનના બાડમેરમાં આવેલા બલોતરા ગામના રહેવાસી છે. જગદીશ બાંગરવાના પિતા આઇદાનસિંહ બાંગરવા કે જેઓ પ્રાથમિક શાળામાં શિક્ષક છે. એટલે પિતા આઈદાનસિંહએ જ ગુરુ બની તેમને શિક્ષણ આપ્યું છે. પિતા હિન્દી વિષયના શિક્ષક હતા એટલે તેમના કારણે તેમની હિન્દી ભાષામાં પકડ સારી થઇ છે. હિન્દી તેમનો મનગમતો વિષય છે તેવું તેમણે જણાવ્યું હતું. જગદીશ બાંગરવાને નાનપણથી પિતાની જેમ સરકારી નોકરી કરવામાં રસ હતો અને તેમની ધગશ અને આગવી સૂઝ-બૂઝથી જગદીશ બાંગરવાએ પોતાનું સપનું સાકાર કર્યું છે. કહેવાય છેને કે સિદ્ધિ તેને વરે જે પરસેવે ન્હાય.
DCP જગદીશ બાંગરવાના પિતા આઈદાનસિંહ બાંગરવા હિન્દી વિષયનાં શિક્ષક છે, પિતાએ આપેલાં સંસ્કારને લીધે જ તેમની રુચિ પણ હિન્દી સાહિત્ય પ્રત્યે છે
જગદીશ બાંગરવાએ ધોરણ-12માં ગણિત વિષયમાં ફક્ત 38 માર્ક્સ જ મેળવ્યા હતાં, છતાં તેમણે વટ્ટભેર UPSC ક્લિયર કર્યું!
- Advertisement -
DCP જગદીશ બાંગરવાના પિતા આઈદાનસિંહ બાંગરવા હિન્દી વિષયનાં શિક્ષક છે, પિતાએ આપેલાં સંસ્કારને લીધે જ તેમની રુચિ પણ હિન્દી સાહિત્ય પ્રત્યે છે
IPS બનવાની સફર
જગદીશ બાંગરવાએ વધુમાં જણાવ્યું હતું કે, આ સમય દરમિયાન મેં ઘણા પડકારનો સામનો કર્યો હતો કારણ કે હું ખૂબ જ નાના ગામમાંથી આવું છું. મને સિવિલ સર્વિસ વિશે ક્યારેય વધારે કોઈ માહિતી નહોતી. હું જ્યારે ધોરણ 10માં હતો ત્યારે મારે માત્ર 69% જ આવ્યા હતા અને જ્યારે ધોરણ 12માં હતો ત્યારે 62% આવ્યા હતા. તો ગણિતમાં માત્ર પાસિંગ માર્ક 38 જ આવ્યા હતા. મારું ગણિત ખૂબ જ નબળું હતું મને ગણિત વિષય ગમતો ન હતો. છતાં પણ હું મારી મહેનત અને ધગશથી આજે આ સ્ટેજ સુધી પહોંચી શક્યો છું. જીવનમાં કંઈક મોટું કરવાની ઈચ્છા ધરાવતા જગદીશ બાંગરવાએ 2018માં ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા આપી અને 486મો રેન્ક મેળવ્યો. ખાસ તો ગણિત નબળું હોવાના કારણે તેમને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેમણે હિંમત હારી નહીં. આમ જગદીશ બાંગરવાની વાર્તા તમામ વિદ્યાર્થીઓ અને બાળકો માટે એક ઉદાહરણ પૂરું પાડે છે. તેમણે મે-2013થી આઈ.પી.એસ.ની તૈયારી શરૂ કરી દીધી હતી. 2014માં કોચિંગ ક્લાસ શરૂ કર્યા. દરરોજનું પાંચથી છ કલાકનું વાંચન તેઓ કરતા હતાં. તેઓએ વધુમાં જણાવ્યું કે, તેમને આઈ.પી.એસ. વિશે વધુ જ્ઞાન ન હતું પરંતુ તેમની નજીકના લોકોએ તેમને આઈ.પી.એસ. બનવાની સલાહ આપી અને તેઓએ આઈ.પી.એસ. બનવા માટે મહેનત શરૂ કરી દીધી.
નવરાશની પળોમાં શું કરો છો?
હું નવરાશની પળોમાં વાંચન કરું છું. મને હિન્દી લિટરેચર વાંચવું ખૂબ જ ગમે છે. હિન્દી સાહિત્ય મારો મનગમતો વિષય છે. મને મૂવી જોવાનો શોખ છે અને વેબ સિરીઝ. આર્ટ મૂવી જોવા ગમે અને ક્રાઇમને લગતી વેબ સિરીઝ જોવી ગમે. આ સાથે ફ્રી હોય ત્યારે મને ફિઝિકલ એક્ટિવિટીઝ જેવી કે, સ્લો રનિંગ કરૂ છું. સપ્તાહમાં એક વાર 5થી 6 કિલોમીટર રનિંગ પણ કરું છું… મને સોશિયલ એક્ટિવિટી નથી ગમતી. મને એકલા રહેવું વધુ પસંદ છે. આ સિવાય મને સ્પોર્ટ્સમાં રસ છે. મને ચેસ રમવી ખૂબ ગમે છે. હું જ્યારે સ્કૂલ-કોલેજમાં હતો ત્યારે ચેસની સ્પર્ધામાં ચોક્કસ ભાગ લેતો અને વિજેતા પણ બનતો હતો.
ફરવા માટે ગમતું સ્થળ ક્યું? અને ભાવતું ભોજન?
મને શાંત અને કુદરતી જગ્યાઓ પર ફરવા જવું ગમે છે જેમાં ખાસ કારીને મારું મનપસંદ સ્થળ નોર્થ ઇસ્ટ છે. ત્યાં ફરવા જવુ મને વધુ ગમે… મારા મનગમતાં ફૂડ અંગે વાત કરું તો, રાજસ્થાની ક્યૂઝીન (ઘેવર) મને ખુબજ પસંદ છે.
સાઈબર ક્રાઈમ વિશે જાગૃતિ અંગે…
જો કોઈ અજાણ્યા ફોન પરથી કૉલ આવે અને કોઈ બેંકની માહિતી અથવા તમારી પર્સનલ વિગતો માંગે તો આપશો નહીં… તમારો ઘઝઙ કોઈને ન આપો, તમારી કોઈ પણ ડિટેઈલ અજાણ્યા કોલ પર કે અજાણ્યા વ્યક્તિને ન આપો તેમજ ખોટી લોભામણી જાહેરાતોમાં ફસાવું નહીં. સાથે જ જો ધમકી ભર્યો કૉલ આવે તો તુરંત 1930 પર કૉલ કરી જાણ કરો.
તમને રાજકોટના લોકોની ગમતી બાબત કઈ? અને ના ગમતી બાબત કઈ?
હું છેલ્લાં પાંચ મહિનાથી રાજકોટમાં છું, અહીંના લોકોની ગમતી બાબત એ છે કે, અહીંના લોકો મોજીલા છે, પોતાની લાઈફને એન્જોય કરે છે. પૈસા પાછળ દોડનારા નથી, શાંતિની લાઈફ જીવે છે જે રાજકોટના લોકોની પોઝિટિવ સેન્સ બતાવે છે અને મને ગમતી બાબત છે. જ્યારે ન ગમતી બાબતમાં અહીંના લોકોના નાની-નાની વાતોમાં ઈગો હર્ટ થઈ જાય છે એવું ન હોવું જોઈએ પરંતુ મોટા મનના થઈને રહેવું જોઈએ. નાની-નાની બાબતોમાં ઉગ્ર થઈને આપણે પોતાના મનની શાંતિને જ ખરાબ કરતાં હોઈએ છીએ.
DCP બનવા માંગતા યુવાઓને તમારી શું ટિપ્સ છે?
આઈ.પી.એસ. બનવા માંગતી યુવા પેઢીને મારી એટલી જ સલાહ છે કે એક તો તેમને જે ફિલ્ડ ગમે તે ફિલ્ડમાં જ વર્ક કરવું જોઈએ. જેમાં રુચિ હોય આવડત હોય એ જ કામ કરવું. જીવનમાં શું કરવું છે એ નક્કી કરો. બીજા કોઈનું અનુસરણ ન કરો. માતા-પિતાના દબાણમાં આવી તમારા ગોલને બદલાવશો નહીં. ખાસ સોશિયલ મીડિયામાં જોઈએને ગેરમાર્ગે ન દોરાઈ જવું. તમારું લક્ષ્ય નક્કી કરો અને એના માટે 100% આપો. પછી પરિણામ જે આવે એ…