મારી જમીન હું વાપરું કે સમાજ વાપરે શું ફેર પડે: બાવકુભાઈ ઉંધાડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમરેલીના પાટીદાર સમાજના અગ્રણી, ગુજરાત સરકારના પૂર્વકેબિનેટ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડે અમરેલી જિલ્લામાં આવેલી પોતાની માલીકીની 61 વીઘા જમીન શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડને અર્પણ કરી છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ચાલતી સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય અને ધાર્મિક પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને બાવકુભાઈ ઉંધાડે સમાજ વિકાસની પ્રવૃત્તિઓ વધુ વિસ્તરે તે હેતુ સાથે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નાનીકુંડળ ગામે આવેલી પોતાના હિસ્સાની 61 વીઘા જમીન શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને દાનમાં આપી છે.
ગત તા. 2 ઓગસ્ટ ને શનિવારના રોજ રાજકોટ શહેરમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નવરાત્રિના આયોજનને લઈને એક અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે બાવકુભાઈ ઉંધાડના આ નિર્ણયની જાહેરાત કરી હતી. આ સમયે બાવકુભાઈ ઉંધાડે જણાવ્યું હતું કે સમાજ પ્રત્યે મારી નિષ્ઠા અને ફરજ સમજીને આ જમીનનું દાન શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને અર્પણ કરી રહ્યો છું. મારી જમીન હું વાપરું કે સમાજ વાપરે શું ફેર પડે? આજે હું જે કંઈ છું તેમાં સમાજનો મોટો ફાળો છે એટલે સમાજને કંઈક આપવું એ મારી ફરજ છે.
- Advertisement -
આમ બાવકુભાઈ ઉંધાડે સમાજ અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રત્યે પોતાની ઉદાર ભાવના વ્યક્ત કરી. બાવકુભાઈ ઉંધાડના આ સમાજહિતના નિર્ણય બદલ નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓએ તેઓને ખોડલધામનો ખેસ પહેરાવીને સન્માનિત કર્યા હતા અને સમાજ પ્રત્યેની આ ઉદાર ભાવના બદલ તેઓને બિરદાવ્યા હતા.