વિશ્ર્વ સિંહ દિવસ: બરડા વન્યજીવ અભયારણ્ય એશિયાટિક સિંહ માટેનું સંરક્ષણ રહેઠાણ
બરડાને પ્રોજેક્ટ લાયન હેઠળ સેટેલાઈટ પોપ્યુલેશન -8 તરીકે જાહેર કરાયુ: બરડો અભયારણ્ય 260થી વધુ પ્રાણીઓ-જળચર પક્ષીઓનું નિવાસ્થાન
- Advertisement -
ભૂતકાળમાં પોરબંદર અને જામનગર રાજવંશોનું શિકાર ક્ષેત્ર હતું
વર્ષ 1879 બાદ બરડામાંથી એશિયાટિક સિંહ લુપ્ત થઇ ગયા હતા
ખાસ-ખબર ન્યૂઝ બરડા
દર વર્ષે તા. 10 ઓગસ્ટે ગુજરાત સહિત વિશ્વભરમાં ‘વિશ્વ સિંહ દિવસ’ ઉજવવામાં આવે છે. એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે વ્યાપક અને પરિણામલક્ષી પગલા સતત લેવાઈ રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વર્ષ 2001માં સિંહની સંખ્યા 327, વર્ષ 2005માં 359, વર્ષ 2010માં 411, વર્ષ 2015માં 523 અને વર્ષ 2020માં 674 હતી તે હવે વર્ષ 2025માં વધીને 891 થઈ છે. બરડો અભયારણ્ય લગભગ 192.31 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. તેમાં પથરાયેલા ડુંગરો, ઋતુગત નદીઓ, ઉચ્ચપ્રદેશ, પાનખર જંગલો, વાંસના ઝાડ તથા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો સામેલ છે. કિલગંગા અને ઘોડાદરા જેવી નદીઓ તેમજ આભાપરા અને વેણુ ટેકરીઓ બરડાની ભૌગોલિક ઓળખ બનાવે છે. ‘બરડા વન્યજીવ અભયારણ્ય’, જેને સ્થાનિકોમાં ‘બરડો’ તરીકે ઓળખવામાં આવે છે, આ સ્થળ ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આવેલા અતિમહત્વપૂર્ણ જૈવવિવિધતાવાળા પ્રદેશોમાંથી એક છે. વર્ષ 1979માં અભયારણ્ય તરીકે જાહેર થયેલું બરડા, ભૂતકાળમાં પોરબંદર અને જામનગર રાજવંશોનું શિકાર ક્ષેત્ર હતું. આજે તે એશિયાટિક સિંહના સંરક્ષણ માટે વિકસાવવામાં આવેલા વ્યાપક દ્રષ્ટિકોણ હેઠળનું મહત્વપૂર્ણ રહેઠાણ બની ગયું છે. ‘એશિયાટિક સિંહ’ એ ગુજરાત અને ભારતની શાન છે, ગુજરાતના એશિયાઈ સિંહ રાજ્યનું ઘરેણું છે. ભૌગોલિક પરિસ્થિતિ-આબોહવાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમથી જ સિંહનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધ્યું છે. બરડા એશિયાટિક સિંહ માટેનું એક વિકસતું અને સશક્ત વૈકલ્પિક રહેઠાણ છે. અહી 650થી વધુ વનસ્પતિઓની જાતિઓ નોંધાયેલી છે, જેમાં ઔષધીય છોડ, શાકાહારી ઘાસ અને ઇમારતી વૃક્ષોનો સમાવેશ થાય છે . આ ઉપરાંત, અહીંની જીવસૃષ્ટિમાં ચિતલ, સાંભર, નિલગાય, જંગલી ભૂંડ, શાહુડી, ઝરખ અને દિપડા નિયમિત પણે જોવા મળે છે. સાથે ગીઘ, ગરુડ અને સ્થળાંતર કરનાર જળચર પક્ષીઓ સહિત 260 થી વધુ પ્રજાતિઓ પણ અહી જોવા મળેલ છે જે શાકાહારી તથા માંસાહારી પ્રાણીઓ એમ બંને માટે ઉપયોગી નિવાસ સ્થાન બનાવે છે.
વર્ષ 1879 બાદ બરડામાંથી એશિયાટિક સિંહ લુપ્ત થઇ ગયા હતા. શિકાર પ્રાણીઓની હાજરી સુધારવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં જટિલ વિજ્ઞાન આધારિત વ્યવસ્થાઓ અમલમાં મૂકાઈ છે. તેના પરિણામે વર્ષ 2023માં એક પુખ્ત નર સિંહ કુદરતી રીતે બરડામાં પ્રવેશી સ્થાયી થયો.
- Advertisement -
સ્વનિર્ભર સિંહ સમૂહ વિકસે તે માટે વૈજ્ઞાનિક માર્ગદર્શન હેઠળના કાર્યક્રમમાં ગુજરાત વન વિભાગ દ્વારા વિસ્તૃત આરોગ્ય તપાસણીઓ અને વર્તણૂક મૂલ્યાંકન બાદ પાંચ પુખ્ત માદા સિંહને બરડા વિસ્તારમાં સ્થળાંતરીત કરવામાં આવી. આ સુઆયોજિત પ્રજાતિ મજબૂતીકરણના પગલે કુદરતી રીતે બચ્ચા જન્મ્યા અને એક નાનું પ્રાઇડ વિકસ્યું. છેલ્લી વર્ષ 2025ની ગણતરી મુજબ બરડામાં કુલ 17 સિંહોની હાજરી નોંધાઈ હતી. આ પ્રમાણને આધારે બરડાને પ્રોજેક્ટ લાયન હેઠળ સેટેલાઈટ પોપ્યુલેશન – 8 તરીકે જાહેર કરવામાં આવ્યું, જે સંપૂર્ણ રીતે રક્ષિત વિસ્તારમાં વસેલી પહેલી સેટેલાઈટ વસાહત બની.