ખાસ-ખબર ન્યૂઝ ઢાકા, તા.8
બાંગ્લાદેશમાં 2 ઑક્ટોબરે શુભો મહાલયાની સાથે બંગાળી હિન્દુઓનો સૌથી મોટો ધાર્મિક તહેવાર દુર્ગાપૂજા શરૂ થઇ ચૂક્યો છે. પરંતુ મહાલયાની રાતમાં અનેક સ્થળો પર માતા દુર્ગાની મૂર્તિઓની સાથે તોડફોડે આ વર્ષે દુર્ગાપૂજા મહોત્સવને ચિંતાજનક બનાવ્યો છે. સુરક્ષા ચિંતાઓને કારણે આ વર્ષે તહેવારમાં માહોલ ફિક્કો છે. બાંગ્લાદેશ પૂજા સમારોહ સમિતિ અનુસાર ગત વર્ષે 32,408 મંડપોમાં દુર્ગાપૂજાનું આયોજન કરાયું હતું પરંતુ આ વખતનો કોઇ આંકડો રજૂ કરાયો નથી.
આ વખતે કેટલી મંડપ પૂજા આયોજિત થશે? તે સવાલના જવાબમાં બાંગ્લાદેશ હિન્દુ-બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદના કાર્યવાહક મહાસચિવ મનિન્દ્ર કુમાર નાથે કહ્યું કે ચટગાંવ, ખુલના અને ઢાકામાં અનેક સ્થળો પર દુર્ગાપૂજા મંડપનું આયોજન કરવામાં આવ્યું નથી.
તેમણે કહ્યું કે હું પુષ્ટિ કરું છું કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે 1,000થી પણ ઓછા પૂજા મંડપ છે. કારણ પૂછવા પર તેમણે કહ્યું કે 10-12 સ્થળો પર પ્રતિમા સાથે તોડફોડની ઘટનાઓ સામે આવી છે પરંતુ આરોપીઓને સજા અપાવવામાં સરકાર નિરુત્સાહી છે.
- Advertisement -
સુરક્ષા ચિંતા છતાં ઢાકામાં દુર્ગાના નવા સ્વરૂપનું સ્વાગત કરવા માટે તૈયાર રમનાસ્થિત કાલી મંદિરથી લઇને ઢાકેશ્ર્વરી રાષ્ટ્રીય મંદિર, રાજરબાગ કાલીમંદિર, રામકૃષ્ણ મિશન અને સિદ્ધેશ્ર્વરી કાલીમંદિરમાં સજાવટનું કામ ચાલી રહ્યું છે. બાંગ્લાદેશ પૂજા ઉત્સવ પરિષદે આ વર્ષે પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળીને સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહી છે. પૂજા ઉત્સવ પરિષદના અધ્યક્ષ વાસુદેવ ઘરે જણાવ્યું કે પૂજાની તૈયારી શરૂ થઇ ચૂકી છે. મૂર્તિઓની બનાવટ અને સજાવટની સાથે જ પૂજા સ્થળની સુરક્ષાને લઇને પણ કામ ચાલી રહ્યું છે. વિશેષ પરિસ્થિતિમાં દેશભરમાં પૂજા આયોજકોને મંદિર અને મંડપથી લઇને પોતાની સુરક્ષાની તૈયારી કરવાનો પણ નિર્દેશ અપાયો છે. બાંગ્લાદેશમાં 32 હજાર મંડપો અંગે પૂછતા ચટગાંવ યુનિવર્સિટીના સંસ્કૃતના આસિસ્ટન્ટ પ્રોફેસર કુશલ બરન ચક્રવર્તીએ કહ્યું કે વ્યક્તિગત રીતે મને જાણવા મળ્યું છે કે ચટગાંવ શહેર જેવા સ્થળે ઓછામાં ઓછા 100 પૂજા મંડપનું આયોજન થઇ રહ્યું નથી. દક્ષિણ-પશ્ર્ચિમ અને ઉત્તર બાંગ્લાદેશમાં અનેક સ્થળો પર સ્થિતિ આવી છે. તે ઉપરાંત મૂર્તિઓ પર હુમલા અને તેને નષ્ટ કરવાને કારણે કેટલાંક સ્થળો પર પૂજાના આયોજનને લઇને ડર ઊભો થયો છે.
દુર્ગાપૂજા દરમિયાન અત્યાર સુધી દેશભરમાં 10 સ્થળો પર દુર્ગા માતાની પ્રતિમાને તોડવામાં આવી છે. એક મહિનામાં મૂર્તિઓની તોડફોડ અને ડરામણો માહોલ ઊભો થતા લોકો ડરી ગયા છે. ફરીદપુર, બરગુના, ગૌરીપુર, કિશોરગંજ, નારેલ, પબના સહિત દેશનાં અન્ય સ્થળો પર મૂર્તિઓને તોડવામાં આવી છે. નોંધનીય છે કે બાંગ્લાદેશ હિન્દુ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદ અનુસાર 5 ઓગસ્ટના રોજ શેખ હસીના સરકારના સત્તાપલટા બાદ 2010 જગ્યાઓ પર હિન્દુ સમુદાયો પર હુમલા કરાયા છે.