બારમી સદીની વાત છે. એ વખતના રાજા વિરા બલ્લાલા એક વખત જંગલમાં માર્ગ ભટકી ગયા. ઘણા કલાકોની મથામણ પછી પણ તેમને સાચો રસ્તો ન મળ્યો. રાજા થાકી ગયા હતા, ભૂખ-તરસથી આકુળવ્યાકુળ હતા. એક ડોશીમાએ તેમને બાફેલા કઠોળ ખવડાવ્યા. એ ઘટના પરથી સ્થળનું નામ પડ્યુ: બેન્દા-કલ-ઓરૂ (બાફેલા કઠોળની ભૂમિ) અને બેન્દા-કલ-ઓરૂંનું અપભ્રંશ પછી થયુ: બેન્ગલુરૂ. અંગ્રેજોને નામ બોલવામાં જીભના લોચા થતા હતા તેથી તેમણે બેંગ્લોર બોલવાનું શરૂ કર્યું અને ફરી હમણા તેનું નામ બદલીને બેન્ગલુરૂ કરવામાં આવ્યું
બેન્ગલુરૂ એક મહાકાય મહાનગર છે. છતા એ સુંદર છે. અહીં પ્રાકૃતિક સુંદરતા અને આધુનિકરણનો સમન્વય રચાયો છે. આપણે સૌ જાણીએ છીએ કે, બેંગ્લોરને પબનું પાટનગર કહેવાય છે. પણ શું એ ખ્યાલ છે કે, એશિયાનો સૌથી મોટો શરાબનો મોલ છે? 30 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો આ ટોનિક નામનો મોલ એક નશીલી અજાયબીથી કમ નથી. અહીં દેશ-વિદેશની લગભગ 1500 કરતા પણ વધુ બ્રાન્ડ્સ ઉપલબ્ધ છે. પાંચસો-હજાર રૂપિયાની લઈ પાંચ લાખ રૂપિયા સુધીની બોટલ ટોનિકમાં મળી રહે છે. આ ઉપરાંત શરાબને લગતી અનેક એક્સેસરિઝ, પાંચસો-હજાર પ્રકારના એનર્જી ડ્રિન્ક્સ અને બીજી અગણિત વસ્તુઓ.
- Advertisement -
બેંગ્લોર એક અજબ એક્સપિરિયન્સ છે. અહીં દુન્યવી-ભૌતિક અજાયબીઓનો દુષ્કાળ નથી અને કુદરતની મહેર પણ અપરંપાર છે. રાજકોટના 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે અમે ફ્લાઈટમાં બેઠા, બેંગ્લોર ઉતર્યા ત્યારે લગભગ 24 ડિગ્રી તાપમાન હતું. ટેક્સીવાળાએ અમને કહ્યું કે, અહીં સામાન્યત: 34 ડિગ્રી ઉપર ક્યારેક જ તાપમાન જાય છે. કારણ શું ? સમુદ્રસપાટીથી એ ખાસ્સુ ઊંચાઈ પર છે. ઉત્તરાંચલના પાટનગર દહેરાદુન કરતાં પણ વધુ ઊંચાઈ પર બેંગ્લોર સ્થિત છે. તેથી જ અહીંનું હવામાન ખુશનુમા રહે છે. આ શહેરમાં એક તરફ જ્યાં વિપ્રો, ઈસરો, ઈન્ફોસિસ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જેવી જાયન્ટ કંપનીના હેડક્વાર્ટર્સ છે તો બીજી તરફ શહેરમાં પચ્ચીસ કરતાં વધુ તળાવો છે અને એટલે જ તેને ઉદયપુરની જેમ સિટી ઓફ લેક્સ (સરોવરનું શહેર)ની ઉપમા મળી છે.
બેંગ્લોર એક અજબ એક્સપિરિયન્સ છે, અહીં દુન્યવી-ભૌતિક અજાયબીઓનો દુષ્કાળ નથી અને કુદરતની મહેર પણ અપરંપાર છે
- Advertisement -
બેંગ્લોરમાં લગભગ સેંકડો મ્યુઝીક બેન્ડ છે, એટલે જ આ શહેરને રોક/મેટલ કેપિટલ ઓફ ઈન્ડિયા કહેવામાં આવે છે.
એક જમાનામાં આ શહેર તે સમયના મૈસુર સ્ટેટનું પાટનગર હતું આજે એ કર્ણાટકનું પાટનગર છે અને વિકાસની દ્રષ્ટિએ મૈસુરને બેંગ્લોરે ક્યાંય પાછળ છોડી દેવું છે. આ શહેર કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનું કેપિટલ છે. અને સાઉથમાં સામાન્ય રીતે જોવા મળે છે. તેવો ફિલ્મસ્ટાર્સનો ક્રેઝ અહીં પણ ડગલેને પગલે તમને દેખાય. આજકાલ ઊંૠઋ ફેમ સુપરસ્ટાર યશ જાણે કર્ણાટકનો ભગવાન છે. તેનાં ચાલીસ પચાસ કે સાંઈઠ ફૂટ ઊંચા કટઆઉટ તમને ઠેર-ઠેર જોવા મળે. તાજેતરમાં અવસાન પામેલા અન્ય એક સુપર સ્ટાર પુનિત રાજકુમારની વિદાયનો શોક હજુ અહીંના લોકો ભૂલ્યા નથી. મૈસુરમાં તો અમે એક અદભુત દ્રશ્ય જોયુ: મૈસુરના એક દુકાનદારે પોતાનો ધંધો બંધ કરીને આખી દુકાનમાં પુનિત રાજકુમારના ફોટોગ્રાફ્સ મઢી દીધા છે. અહીં રેડિયો પર પણ તેમને કન્નડ સોંગ જ સાંભળવા મળે, હિન્દી સોન્ગ્સનું નામ નિશાન નહીં.
પાડોશી રાજ્ય કેરળ આખું ક્રિશ્ચન ધર્મના રંગે રંગાઈ ગયું છે. પરંતુ બેંગ્લોરમાં સાવ એવું નથી. આ શહેરમાં લગભગ એક હજાર મંદિરની સામે માત્ર એકસો ચર્ચ છે. જો કે, મસ્જિદોની સંખ્યા 400 છે. પણ, ભારતની સિલિકોન વેલી તરીકે જાણીતા આ શહેરમાં વિકાસ જ લોકોના મતે પ્રાથમિકતા છે. ભારતના મહાનગરોમાં સૌથી વધુ ઝડપથી વિકસતા મેગાસિટીમાં બેંગ્લોરનું સ્થાન દ્વિતિય છે. બેંગ્લોર એજ્યુકેશનનું પણ પાટનગર છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સહિત બેંગ્લોરમાં અગણિત કહી શકાય તેટલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ છે. આખા ભારતમાં અહીં સૌથી વધુ એન્જિનિયરીંગ કોલેજ છે. અહીં નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ પણ છે અને હિન્દુસ્તાન એરોનોટિક્સ જેવી મહાકાય કંપની પણ ખરી.
બેંગ્લોર પાસે અત્યંત સમૃદ્ધ મ્યુઝીક કલ્ચર છે. અહીં કર્ણાટકી સંગીતના ખાં સાહેબો પણ છે અને સ્ટ્રીટ મ્યુઝીક પણ ખરૂ. બેંગ્લોરમાં લગભગ સેંકડો મ્યુઝીક બેન્ડ છે. એટલે જ આ શહેરને રોક/મેટલ કેપિટલ ઓફ ઈન્ડિયા કહેવામાં આવે છે. વર્ષ 2012થી અહીં “બેંગ્લોર લિટરેચર ફેસ્ટિવલ” યોજાતો રહે છે. મસમોટી ઈન્ટરનેટ કંપનીઓનું હેડક્વાર્ટર હોવાને કારણે બેંગ્લોર આખુ વાઈ-ફાઈગ્રસ્ત છે, બ્રોડબેન્ડ મામલે પણ આ શહેર નંબર વન છે. એશિયામાં વીજળીથી ચાલતી સ્ટ્રીટ લાઈટ પણ સૌ પ્રથમ બેંગ્લોરમાં જ આવી હતી. આમ, બેંગ્લોરને પ્રથમ રહેવાની પ્રથમથી જ આદત છે.
બેંગ્લોર રંગબેરંગી છે. અહીંના લાલબાગ ખાતે તમને જગતના સૌથી જૂનામાંથી એક એવું રોક ફોર્મેશન જોવા મળે છે. 3000 મિલિયન વર્ષ જૂના આ શિલાઓના સમૂહને પેનિન્સ્યુલર જીનેસિસ કહે છે. બેંગ્લોરમાંથી ભારતને સૌથી વધુ નોબલ પ્રાઈઝ નોમિની મળ્યા છે. આટલું વાચ્યા પછી બેંગ્લોર ફરવા જાઓ તો આનંદ બેવડાઈ જાય. કોઈ સેલિબ્રિટીને મળ્યા જઈએ ત્યારે તેના વિશે આપણને તમામ માહિતી હોવી જોઈએ. એવી જ રીતે ક્યાંય ફરવા જઈએ અને તે સ્થળ વિશેની તમામ પ્રાથમિક માહિતીનો આપણને ખ્યાલ હોય તો શહેરને માણી શકીએ.
ખૂબ બધી માહિતી એકઠી થઈ ગઈ છે. આવતીકાલ સવારથી અમારે સાઈટ સિટીંગ માટે જવાનું છે. સૌથી પહેલા ક્યાં જઈશું ? બેંગ્લોર પેલેસ કે ઈસ્કોન ટેમ્પલ ? સવારે જ નક્કી કરીએ. પડશે એવા દેવાશે.