પોલિસ કમિશનર રાજુ ભાર્ગવનું પ્રતિબંધ અંગે જાહેરનામું
માધાપર ચોકડી ઓવરબ્રિજ વચ્ચેના સ્લેબની કામગીરી માટે સમગ્ર ચોકમાં ટ્રાફિક મુવમેન્ટ બંધ કરાઇ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની માધાપર ચોકડી પર ઓવરબ્રિજનું નિર્માણ થઇ રહ્યું છે. ત્યારે માધાપર ચોકડી ઓવરબ્રિજ વચ્ચેના સ્લેબની કામગીરી ચાલુ કરવાની હોય, આ સ્લેબના સેન્ટ્રીંગ માટે સમગ્ર ચોકમાં ટ્રાફિક મુવમેન્ટ બંધ કરવામાં આવી છે. આ બ્રિજની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે હેતુથી માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ બન્ને બાજુના તમામ વાહનો માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પાડી નીચે જણાવ્યા મુજબ ડાયવર્ઝન કરવામાં આવ્યા છે.
અયોધ્યા ચોક 150 ફૂટ રિંગ રોડથી બેડી ચોકડી જવા માગતા તમામ વાહનો માધાપર ચોકડીથી ડાબી બાજુ થઇ જામનગર રોડ દ્વારીકાધીશ પેટ્રોલ પંપથી યુ-ટર્ન લઈ બેડી ચોકડી તરફ જઈ શકશે. બેડી ચોકડીથી અયોધ્યા ચોક 150 ફૂટ રિંગરોડ (ફક્ત શહેર) તરફ જવા માગતા તમામ વાહનો માધાપર ચોકડીથી ડાબી બાજુ થઈ જામનગર રોડ બજરંગવાડી પોલીસ ચોકી સામેના ડિવાઈડરથી યુ-ટર્ન લઇ અયોધ્યા ચોક 150 ફૂટ રિંગ રોડ તરફ જઈ શકશે.
બેડી ચોકડી તરફથી જામનગર, પડધરી, ધ્રોલ તરફ જવા માગતા તમામ હેવી વાહનો બેડી ચોકડી મોરબી રોડ મીતાણા ટંકારા થઇ જામનગર, ધ્રોલ તરફ જઇ શકશે અને મોરબી રોડ બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ હેવી વાહનો આવી શકશે નહીં. બેડી ચોકડી તરફથી જામનગર, પડધરી, ધ્રોલ તરફ જવા માગતા તમામ ટૂ-ફોરવ્હિલ નાના વાહનો મૌસુર ભગત ચોકથી ઇશ્વરિયા રોડ માધાપર ગામથી જામનગર રોડ તરફ જઇ શકશે. તેમજ રાજકોટ શહેર તરફ જવા માગતા તમામ ટૂ-ફોરવ્હિલ નાના વાહનો મૌસુર ભગત ચોકથી સંતોષીનગર, રેલનગર અંડરબ્રિજથી શહેર તરફ જઈ શકશે.
- Advertisement -
આ વાહનો માટે જાહેરનામું લાગુ પડશે નહીં
આ જાહેરનામું પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રિગેડના વાહનો તથા અન્ય સરકારી વાહનોને આકસ્મિક સંજોગોમાં લાગુ પડશે નહીં. ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વાહનચાલક શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાની અમલવારી આજે 19 ડિસેમ્બરથી માધાપર ચોકડી ઓવરબ્રિજના કંસ્ટ્રક્શનનું કામકાજ ચાલુ રહે ત્યાં સુધી અમલી રહેશે.