અમરનાથ યાત્રા એ ભારતની એક એવી પવિત્ર યાત્રા છે, જે માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતીક નથી, પરંતુ એક આધ્યાત્મિક અનુભવ, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને માનવીય સહનશક્તિનો અદ્ભુત સમન્વય છે જે ભારતની આધ્યાત્મિક ધરોહરને વિશ્વ સમક્ષ રજૂ કરે છે. હિમાલયની બરફાચ્છાદિત ઊંચાઈઓમાં, જમ્મુ-કાશ્મીરના પહેલગામ તહસીલમાં, 3,888 મીટર (12,756 ફૂટ)ની ઊંચાઈએ આવેલી અમરનાથ ગુફા એક એવું તીર્થસ્થળ છે, જ્યાં ભગવાન શિવનું બરફનું શિવલિંગ કુદરતી રીતે રચાય છે. આ યાત્રા ભક્તોને આધ્યાત્મિક શાંતિ, આંતરિક જાગૃતિ અને ભગવાન શિવની નિકટતાનો અનુભવ કરાવે છે. શ્રાવણ માસમાં બરફનું શિવલિંગ રચાતાં હર હર મહાદેવનો નાદ ગુંજે છે, અને લાખો યાત્રીઓ આ દૈવી ચમત્કારના સાક્ષી બનવા વિકટ પર્વતીય રસ્તાઓ પર નીકળી પડે છે. ભારતના હિન્દી પટ્ટામાં શ્રાવણ માસની શરૂઆત અષાઢ પૂર્ણિમાથી થાય છે, જે શિવની આરાધનાનો પવિત્ર સમય ગણાય છે. આ યાત્રા અષાઢી પૂર્ણિમાથી શ્રાવણ પૂર્ણિમા-રક્ષાબંધન-સુધી, એટલે કે આશરે એક મહિના માટે ખુલ્લી રહે છે. આ સમયે ગુફામાં બરફનું શિવલિંગ ચંદ્રના કળાચક્ર સાથે વધે-ઘટે છે, જે શ્રાવણ પૂર્ણિમાએ પોતાના પૂર્ણ આકારમાં ઝળકે છે અને અમાસ સુધી ધીમે-ધીમે ઓગળે છે. આ કુદરતી ચમત્કાર લાખો ભક્તોની શ્રદ્ધાને હિમાલયના દુર્ગમ રસ્તાઓ સુધી ખેંચી લાવે છે, જ્યાં તેઓ સોમવારના વ્રત, જલાભિષેક અને કાંવડ યાત્રા જેવા અનુષ્ઠાનો સાથે શિવની આરાધનામાં લિન થઈ જાય છે. અમરનાથ યાત્રા શિવ-પાર્વતીના દૈવી સંવાદની કથા સાથે જોડાયેલી છે. પૌરાણિક માન્યતા અનુસાર, આ ગુફામાં શિવે પાર્વતીને ‘અમરકથા’-જીવન, મૃત્યુ અને મોક્ષના રહસ્યો-સંભળાવી.
આ વાત એક કબૂતરે સાંભળી, જે શુકદેવ ઋષિ તરીકે અમર થઈ. આજે પણ ગુફામાં કબૂતરોની હાજરી ભક્તોના હૃદયમાં શિવની નિકટતા જગાવે છે. આ પ્રાકૃતિક ગુફા શિવના હિમલિંગનું ઘર છે, જે ગુફાની છત પરથી ટપકતી બરફની બૂંદોમાંથી રચાય છે. આ ચમત્કાર ભક્તોની શ્રદ્ધાને નવી ઊંચાઈઓ આપે છે. વૈજ્ઞાનિકો અમરનાથ ગુફાને આશરે 5,000 વર્ષ જૂની માને છે, પરંતુ હિમાલયના પર્વતોના પથ્થરો લાખો વર્ષ જૂના હોવાથી, આ ગુફા વધુ પ્રાચીન હોઈ શકે છે. અમરનાથનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વનો ઉલ્લેખ અનેક ગ્રંથોમાં જોવા મળે છે. નીલમત પુરાણ, છઠ્ઠી સદીનું ધર્મનું વર્ણન કરતું પુસ્તક, ‘અમરેશ્વર’ તરીકે ગુફાનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે, જે દર્શાવે છે કે તે સમયે યાત્રા લોકપ્રિય હતી. ભૃગુ સંહિતામાં અમરનાથની પૂજા અને યાત્રાના પડાવો-અનંતનાગ, ચંદનવાડી, શેષનાગ, પંચતરણી- વગેરે સ્થળ તેમજ ત્યાંની ચોક્કસ વિધિઓનું વર્ણન છે.કાશ્મીરના પ્રાચીન ઇતિહાસ અંગેનું કલ્હણનો ગ્રંથ ‘રાજતરંગિણી’ (12મી સદી)માં કાશ્મીરના રાજા સંધિમત (34 ઈ.પૂ.થી 17 ઈસવી)નો ઉલ્લેખ છે, જેઓ શિવભક્ત હતા અને પહેલગામના જંગલોમાં બરફના શિવલિંગની આરાધના કરતા હતા. એક કથા અનુસાર, મહર્ષિ ભૃગુએ હિમાલયની યાત્રામાં કાશ્મીર ઘાટીના પાણીનું સ્તર ઘટ્યા બાદ અમરનાથ ગુફા અને તેનું હિમશિવલિંગ જોયું, જેની તેમણે પૂજા કરી, આ સ્થળને શિવના પ્રમુખ ધામ તરીકે સ્થાપિત કર્યું. અમરનાથ સાથે જોડાયેલા શ્લોકો શિવના હિમલિંગની સ્તુતિ કરે છે. શિવ પુરાણ અને નીલમત પુરાણમાંથી એક શ્લોક છે:
- Advertisement -
(ઓમ નમ: શિવાય શંભવે હિમલિંગાય નમો નમ:)
અર્થ: શિવને નમન, જે હિમલિંગના સ્વરૂપમાં શાંતિ અને આનંદ આપે છે
ભૃગુ સંહિતામાં યાત્રાના પડાવોની સ્તુતિમાં શ્લોક છે:
(અમરેશ્વરાય નમ: શિવાય, હિમગિરૌ
સંનાદતિ યત્ર નાદ:મ પંચતરંગિન્યાં
શેષનાગે, ગણેશપર્વતે ચંદ્રવારી ચમ)
અર્થ: અમરેશ્ર્વર શિવને નમન, જે હિમાલયમાં નાદ ગુંજાવે છે, પંચતરણી, શેષનાગ, ગણેશ પર્વત અને ચંદનવાડીમાં વિરાજે છે
કાલાંતરે અમરનાથની ગુફાઓ કોઈક કારણોસર સદીઓ સુધી અદ્રશ્ય રહી અને ત્યારબાદ, 17મી સદીમાં મુસ્લિમ ભરવાડ બુટા મલિકે ભટકેલી બકરીને શોધતાં આ ગુફા શોધી. બરફનું શિવલિંગ જોઈને તે આશ્ચર્યચકિત થયો અને સ્થાનિક રાજાને જાણ કરી, જેણે યાત્રાનો પાયો નાખ્યો. આજે બુટાના વંશજોને ચડાવાનો ચોથો ભાગ મળે છે.
આ વર્ષે ભાવિકોની સુરક્ષા હેતુ, ‘ઓપરેશન શિવા’ હેઠળ 8500 સૈનિકો, AI-આધારિત CCTV, ડ્રોન અને 50 એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત
- Advertisement -
સ્વામી વિવેકાનંદે 1898માં ગુફામાં ધ્યાન કર્યું અને એ અનુભવ વિશે લખ્યું કે બરફનું શિવલિંગ જોતાં એવું લાગે છે કે સમગ્ર વિશ્વ શિવની ચેતનામાં ડૂબી ગયું. સિસ્ટર નિવેદિતાએ ‘ધ માસ્ટર એઝ આઈ સો હિમ’માં અમરનાથને ભારતની આધ્યાત્મિક શોધનું પરાકાષ્ઠા ગણાવ્યું. સ્વામી લક્ષ્મણજૂએ‘કાશ્મીર શૈવિઝમ: ધ સિક્રેટ સુપ્રીમ’માં આ ગુફાને શિવની ચૈતન્ય શક્તિનું કેન્દ્ર ગણાવી છે. અમરનાથયાત્રાનો એક મુખ્ય પડાવ છે,3,454 મીટરની ઊંચાઈએ આવેલ શેષનાગ ઝીલ! પૌરાણિક કથા અનુસાર, શિવે આ સ્થળે પોતાના ગળાના શેષનાગને મુક્ત કર્યા, જેનાથી આ ઝીલનું નામ પડ્યું. ચારે બાજુ બરફીલા પર્વતોથી ઘેરાયેલું આ નીલમણિ જેવી શાંત ઝીલ યાત્રીઓને મંત્રમુગ્ધ કરે છે. શેષનાગથી પંચતરણી સુધીનો રસ્તો બેવવેલ ટોપ (13,500 ફૂટ) અને મહાગુણાસ દર્રો (14,500 ફૂટ) જેવા વિકટ પથરાળ રસ્તાઓમાંથી પસાર થાય છે, જ્યાં ઓક્સિજનની ઉણપ અને ઠંડી શારીરિક સહનશક્તિની કસોટી કરે છે. અમરનાથની આસપાસની નાની ગુફાઓને પણ શિવના ધ્યાન અને તપસ્યાનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે. આ ગુફાઓ, બરફથી ઢંકાયેલી, યાત્રીઓ માટે આધ્યાત્મિક રહસ્યનું કેન્દ્ર બની રહે છે. માનવીય પ્રવૃતિઓનો સંચાર અને ગ્લોબલ વોર્મિંગને કારણે શિવલિંગનું કદ ગયા દાયકાની સરખામણીએ 30% ઘટ્યું છે, જે ચિંતાનો વિષય છે. 2024માં યાત્રા દરમિયાન 50 ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકઠો થયો, જે લિદાર નદી અને આસપાસના જંગલોને પ્રદૂષિત કરે છે. ‘સ્વચ્છ યાત્રા’ અભિયાન હેઠળ ઝીરો-વેસ્ટ પહેલ, બાયોડિગ્રેડેબલ પેકેજિંગ અને સ્વચ્છતા ટીમો તૈનાત છે, પરંતુ પ્લાસ્ટિક બેન અને ગ્લેશિયર સંરક્ષણ માટે કડક નીતિઓ જરૂરી છે. 2025ની યાત્રા 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી 38 દિવસ માટે યોજાઈ રહી છે, જેમાં પહેલગામ (48 કિ.મી.) અને બાલતાલ (14 કિ.મી.) માર્ગો મુખ્ય છે. 2024માં આ યાત્રા સંદર્ભે 5.14 લાખ યાત્રીઓએ રેકોર્ડ બનાવ્યો હતો. 2023માં 4.5 લાખ અને 2022માં 3.04 લાખ ભાવિકોએ દર્શન કર્યા હતાં. અલબત્ત, 2025માં 14 જુલાઈ સુધી 2 લાખ યાત્રીઓ આવ્યા, પરંતુ 22 એપ્રિલના પહેલગામ હુમલા (26 મૃત્યુ)થી યાત્રિકોની સંખ્યામાં 10.19% ઘટાડો થયો છે. ભૂતકાળમાં, આ યાત્રાપથમાં ભાવિકો પર આતંકવાદી હુમલામાં 2000માં 32, 2001માં 13 અને 2017માં 7 યાત્રીઓના મૃત્યુ થયા હતા.આ વર્ષે ભાવિકોની સુરક્ષા હેતુ, ‘ઓપરેશન શિવા’ હેઠળ 8,500 સૈનિકો, અઈં-આધારિત ઈઈઝટ, ડ્રોન અને 50 એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત છે. આ ઉપરાંત અનેક પ્રાકૃતિક જોખમોનો ખતરો, જેવા કે,16 જુલાઈ 2025ના બાલતાલ ભૂસ્ખલનમાં એક મહિલાનું મૃત્યુ અને 2022ના વાદળફાટવાથી 16 મૃત્યુ પ્રકૃતિના જોખમો દર્શાવે છે.વળી, 13,000 ફૂટની ઊંચાઈએ ઓક્સિજનની ઉણપથી ઊંચાઈની બીમારી, હાઈપોથર્મિયા અને શારીરિક થાકનું જોખમ રહે છે. ગંભીર કિસ્સાઓમાં હાઈ એલ્ટિટ્યૂડ પલ્મોનરી એડીમા (ઇંઅઙઊ) કે સેરેબ્રલ એડીમા (ઇંઅઈઊ) થઈ શકે છે.
લાખો યાત્રીઓની આવનજાવનથી હિમાલયનું નાજુક ઇકોસિસ્ટમ ખતરામાં છે. બરફના શિવલિંગનું ઘટતું કદ અને ગ્લેશિયરોનું ઓગળવું ગ્લોબલ વોર્મિંગ અને માનવીય પ્રવૃત્તિઓનું પરિણામ છે. 2024ના અહેવાલો અનુસાર, શિવલિંગનું કદ ગયા દાયકાની સરખામણીએ 30% ઘટ્યું છે, જે ચિંતાજનક છે. પ્લાસ્ટિક કચરો, ખાસ કરીને બોટલો અને રેપર્સ, લિદાર નદી અને આસપાસના જંગલોને પ્રદૂષિત કરે છે. એક અંદાજ મુજબ, 2024માં યાત્રા દરમિયાન 50 ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકઠો થયો. ’સ્વચ્છ યાત્રા’ અભિયાન હેઠળ ઝીરો-વેસ્ટ પહેલ, બાયોડિગ્રેડેબલ પેકેજિંગ અને સ્વચ્છતા ટીમો તૈનાત કરાઈ, પરંતુ સ્થાનિક પર્યાવરણવિદોનું માનવું છે કે પ્લાસ્ટિક બેન અને ગ્લેશિયર સંરક્ષણ માટે કડક નીતિઓ જરૂરી છે. અમરનાથ યાત્રા શ્રદ્ધા, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ છે. આ યાત્રા એક કેનવાસ છે, જ્યાં શિવની ચેતના, ભક્તોની શ્રદ્ધા અને હિમાલયની સુંદરતા સાથે જ્યાં શ્રદ્ધા, સંઘર્ષ અને સૌહાર્દના રંગો ભળે છે. બરફના શિવલિંગની નશ્વર સુંદરતા અને ભક્તોનો અડગ વિશ્વાસ એક એવી ઊર્જા પેદા કરે છે જે હિમાલયની ઠંડીને પણ હૂંફાળી બનાવી દે છે. ઉપર કહ્યું તેમ, માનવિય સુરક્ષાની ચિંતા, પ્રાકૃતિક આપદાની સંભાવના, આરોગ્ય વિષયક જોખમો આ યાત્રાના મુખ્ય પડકારો છે જેમાં, શ્રદ્ધાળુઓ અસીમ વિશ્વાસ અને ધીરજથી પાર ઉતરે છે. અલબત્ત, શિવલિંગનું ઘટતું કદ અને ઓગળતા ગ્લેશિયરો આપણને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની યાદ અપાવે છે.