ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જેલવાસ ભોગવી રહેલા ઓરેવા ગ્રુપના મેનેજર દિનેશ દવે અને દિપક પારેખ, ટિકિટ બુકીંગ કલાર્ક અને સિક્યુરિટી ગાર્ડ મનસુખ ટોપીયા, મહાદેવ સોલંકી, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મનસુખ ચૌહાણ સહિત સાત આરોપીઓએ હાઇકોર્ટમાં જામીન મેળવવા અરજી કરી છે. આરોપીઓના વકીલની રજૂઆત હતી કે, મોરબી સેશન્સ કોર્ટે તેમના જામીન ફગાવવાનો જે હુકમ કરેલો છે, તે અયોગ્ય છે.
આ દુર્ઘટનામાં તેમની કોઇ વ્યકિતગત જવાબદારી બનતી નથી, આ એક અકસ્માત હતો. અરજદારોએ જાણી જોઈને આ કૃત્ય આચર્યુ નથી.
વધુમાં નવેમ્બર માસના અંતિમ સપ્તાહમાં મોરબી સેશન્સ કોર્ટે ઝૂલતા પુલ દુર્ઘટના કેસના તમામ નવ આરોપીઓના જામીન ફગાવી દીધા હતા.
આ સમયે, સરકારી વકીલની રજૂઆત હતી કે ફોરેન્સિક રિપોર્ટથી સ્પષ્ટ થાય છે કે પુલના કેબલ કટાઈ ગયા હતા, લંગર તૂટેલા હતા અને લંગર તથા કેબલને જોડતા બોલ્ટ બહુ ઢીલા હતા.
આ સ્થિતિ હોવા છતા 30 ઓક્ટોબરે સમગ્ર દિવસ દરમિયાન 3165 લોકોને ટિકિટ આપી ઝૂલતા પુલ ઉપર જવા માટેની આરોપીઓએ મંજૂરી આપેલી હતી. આ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડ પાસે ટોળાનુ યોગ્ય રીતે સંચાલન કરવાનો કોઈ અનુભવ જ ન હતો અને પુલ ઉપર જવા માટે ટિકિટ આપનાર અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે કોઈ કો-ઓર્ડિનેશન જ ન હતુ. આ ચકચારી કેસમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે અને કેસની વધુ સુનાવણી બીજી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.