મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરી સોનાનો ઢાળીયો સહિત 1.90 લાખનો મુદ્દામાલ કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરમાં મિલ્કત સંબંધી ગુના અટકાવવા તથા પોલીસ મથક વિસ્તારમાં ચોરી, ચીલઝડપના અનડીટેક ગુનાઓને શોધી કાઢવાની સુચના અન્વયે બી ડીવીઝન પોલીસે દસ દિવસ પૂર્વે વોકીંગમાં નિકળેલા વૃધ્ધાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરનાર મહિલા સહિત ચારને દબોચી લઈ બાઈક, સોનાનો ઢાળીયો સહિત રૂ.1.90 લાખનો મુદામાલ કબજે કર્યો છે. દસ દિવસ પૂર્વે ગત.તા.17ના રાત્રીના સાડા નવેક વાગ્યા આસપાસ ફરિયાદી વિજયાબેન ચંદુભાઈ દેસાઈ પોતાના પુત્રવધુ સાથે વોકીંગ કરવા નીકળ્યા હતા ત્યારે બે અજાણ્યા શખસો એક બાઈકમાં આવી વૃધ્ધાના ગળામાં સોનાના ચેઈન કિં.રૂ.1.60 લાખ ની ચીલઝડપ કરી બે શખસો ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી ત્રણ ટીમો બનાવી ઈ-ગુજકોપ પોકેટકોપ તથા હ્યુમન સોર્સીનના આધારે તપાસ હાથ ધરી હતી દરમ્યાન હેડ કોન્સટેબલ ક્રિપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે બાતમી આધારે લાભુબેન મુન્નાભાઈ સોલંકી, વિશાલ કિશનભાઈ સોલંકી, ઉકા ઉર્ફે સંજય ભુપતભાઈ પરમાર, ચેતન અરવિંદભાઈ જીંજુવાડીયા સહિતના ચારેયને દબોચી ઉપરોકત ગુનાનો ભેદ ઉકેલી બાઈક, સોનાનો ઢાળીયો સહિત રૂ.1.90 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.