પ્રેમી સાથે મળીને પોતાના પરિવારના જ 7 લોકોની હત્યા કરનારી શબનમે રાજ્યપાલ આનંદીબેન પટેલને દયા અરજી મોકલી છે. શબનમને કદાચ આ વખતે પોતાને માફી મળી જાય તેવી આશા છે. શબનમે અગાઉ સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી જેને ફગાવી દેવામાં આવી હતી. જો કે, આ જઘન્ય હત્યાકાંડના દોષિત શબનમ અને સલીમ પાસે હજુ પણ કેટલાક વિકલ્પ ઉપલબ્ધ છે.
અમરોહાની જિલ્લા કોર્ટે આ કેસમાં 2010ના વર્ષમાં બંનેને ફાંસીની સજા સંભળાવી હતી. ત્યાર બાદ હાઈકોર્ટે પણ ફાંસીની સજા આપી હતી. 2015માં જ્યારે આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, તો ત્યાં પણ લોઅર કોર્ટના નિર્ણયને બરકરાર રાખવામાં આવેલો. 11 ઓગષ્ટ, 2016ના રોજ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ પણ શબનમની દયા અરજીને ઠુકરાવી દીધી હતી.


