ગૌચર જમીન બચાવાની લડત તેજ: 40થી વધુ ગામોના સરપંચો અને તલાટીમંત્રીઓને નોટિસ, સમયસર કાર્યવાહી નહીં થાય તો ખુરશી ખસકી શકે
ખાસ ખબર – પોરબંદર,
પોરબંદર જિલ્લામાં ગૌચરની જમીન પર મોટા પાયે દબાણો થયા હોવાના મામલે સ્થાનિક તંત્ર લાલઘુમ બન્યું છે. મિશન માતૃભૂમિ નામની સંસ્થાએ વારંવાર રજૂઆતો કર્યાના પગલે આખરે તંત્રએ પગલા ભરવા મજબૂર બન્યું છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સ્તરે તંત્રએ અનેક ગામોના સરપંચો અને તલાટીમંત્રીઓને નોટીસ પાઠવી છે. આ કાર્યવાહીથી 40થી વધુ ગામોના સરપંચો અને તલાટીમંત્રીઓમાં ખળભળાટ મચી ગયો છે. જો તેઓ દબાણ દૂર કરાવશે નહીં, તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તાલુકા વિકાસ અધિકારીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે જો સરપંચો અને તલાટીઓએ તાકીદે કાર્યવાહી નહીં કરે તો તેમની નિમણૂક અને જવાબદારી બાબતે કાયદેસર પગલા ભરવામાં આવશે.
- Advertisement -
મિશન માતૃભૂમિ દ્વારા બે મહિના પહેલા પોરબંદર જિલ્લાના ગૌચર જમીન પર દબાણો દૂર કરવા માટે સરકારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે અનેક ગામોમાં ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણો અને પથ્થરની ખાણો ચાલી રહી છે. આ રજુઆતના પગલે, જિલ્લા તંત્રએ ગાંધીનગરથી અધિકૃત આદેશો મેળવ્યા હતા અને દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે, કેટલાક સરપંચો અને તલાટીમંત્રીઓએ આદેશોની અવગણના કરતા હવે તંત્રએ કડક પગલાં ભરવાનું નક્કી કર્યું છે.
કયા ગામોના સરપંચ અને તલાટીમંત્રીઓને નોટિસ અપાઇ?
તાલુકા પંચાયત કાર્યાલય દ્વારા પોરબંદર તાલુકાના નીચે જણાવેલા 40થી વધુ ગામોના સરપંચો અને તલાટીમંત્રીઓને નોટિસ પાઠવી છે: ઓડદર, કુછડી, કડછ, શીશલી, આંબારામા, કાટવાણા, સીમાણી, પાંડાવદર, રાતડી, બરડીયા, શ્રીનગર, ભડ, શીંગડા, વિંઝરાણા, બાવળવાવ, ગોઢાણા, ઇશ્વરીયા, વડાળા, રોજીવાડા, ગોરસર-મોચા, મીયાણી, ભાવપરા, ભોમીયાવદર, ભેટકડી, અડવાણા, મંડેર, પાતા, કોલીખડા, બળેજ, પારાવાડા, સીમર, ગોસા, રાતીયા, ઉંટડા, ચિકાસા, કુણવદર, મોરાણા, ટુકડા ગોસા, ફટાણા અને સોઢાણા ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. આ તમામ ગામોમાં ગૌચરની જમીન પર દબાણો થયા છે, જેમાં કેટલાક ગામોમાં બાંધકામ કરાયા છે તો કેટલાક ગામોમાં ગેરકાયદેસર ખાણ ઉદ્યોગો ધમધમી રહ્યા છે. જેથી સરકારી દિજોરીમાં પણ અબજો રૂપિયાનુ રોયલ્ટી ચોરીનું નુકશાન થઈ રહ્યું છે.
ગૌચર જમીન બચાવવા મિશન માતૃભૂમિની લડત
મિશન માતૃભૂમિ છેલ્લા દોઢ વર્ષથી ગૌચરની જમીન માટે લડત આપી રહી છે. આ સંસ્થાએ વારંવાર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો કરી હતી. જોકે, તંત્ર સમયસર પગલાં લેતું ન હોવાથી ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણો વધતા ગયા. સંસ્થાએ વિલંબથી થતા નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરવાનો નિર્ણય લીધો હતો. મિશન માતૃભૂમિના આગેવાનોએ જણાવ્યું કે “અમારું લક્ષ્ય માત્ર દબાણ દૂર કરાવવાનું છે, કોઈપણ વ્યક્તિની નોકરી અથવા હોદ્દા પર અસર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. જો તંત્ર પોતે જ કડક કાર્યવાહી કરશે તો અમારી લડત સફળ ગણાશે.”
- Advertisement -
તંત્ર હવે વધુ કડક બનશે?
દબાણ મુદ્દે તંત્રની આ કાર્યવાહી જિલ્લાભરના અન્ય ગામો માટે પણ ચેતવણીરૂપ બની છે. આગામી દિવસોમાં આ બાબતે વધુ નિર્ણય લેવાશે, અને જો સરપંચ-તલાટીમંત્રીઓ દબાણ દૂર નહીં કરે તો પ્રમુખ અને સચિવને પણ જવાબદાર ઠરાવી શકાય છે. હવે જોવાનું એ છે કે તાલુકા પંચાયતના આદેશ મુજબ દબાણો દૂર થાય છે કે નહીં, અને જો કાર્યવાહી કરવામાં મોડું થશે તો સરકારનું આગામી પગલું શું રહેશે?
દબાણ દૂર નહીં કરાયું તો કડક કાર્યવાહી થશે
તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે જો સમયમર્યાદામાં ગૌચરની જમીન પર થયેલા દબાણો દૂર નહીં થાય તો ગુજરાત પંચાયત અધિનિયમ-1993 અનુસાર સંકળાયેલા સરપંચો અને તલાટીમંત્રીઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. તંત્ર દ્વારા રજૂ કરાયેલા નિયમ મુજબ, તલાટીમંત્રીઓ વિરુદ્ધ ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલ નિયમો-1997 હેઠળ કાર્યવાહી થશે. જો દબાણ હટાવવામાં વિલંબ થશે તો, સરપંચ અને તલાટીઓને નોકરીમાંથી દૂર કરી શકે છે.