કોઈક તો કરો એવું મજબૂત ચણતર, જેથી ટકી શકે આજનું ભણતર
શિક્ષણ સમિતિની સ્કૂલોની ગ્રાન્ટનું ઓડિટ રોજમેળ, વાઉચર અને ફક્ત કોમ્પ્યુટરની એન્ટ્રી પર થાય છે
- Advertisement -
ગ્રાન્ટનો વપરાશ ક્યાં થયો, કેટલી વસ્તુ ખરીદાઈ? તેની હકીકત જાણવી હોય તો સ્કૂલ પર જઈને ઓડિટ કરવું જરૂરી
આજે તલાટી એન્ડ તલાટી ઈઅ ફર્મે સ્કૂલોનું ઓડિટ કર્યું પરંતુ ક્યાંય કોઈ ખામી બહાર જ ન આવી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિવાદનું બીજું ઘર બની ગઈ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ફરી એકવાર ઓડિટ તપાસને લઈને વિવાદમાં ફસાઈ છે. રાજકોટ મહાનગરપાલિકાની પ્રાથમિક સ્કૂલો જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત આવે છે. તેનું આજે વર્ષ 2021-22નું ઓડિટ ઈન્સ્પેક્શન હતું. પરંતુ આ ઓડિટ એક પ્રકારનું ડિંડક હોય તેવું લાગી રહ્યું છે તેનું કારણ એ છે કે, એક દિવસમાં જ 30થી 40 સ્કૂલોની ગ્રાન્ટનો હિસાબ મેળવવાનો હોય છે અને તે પણ ફક્ત ટેબલ પર. વાઉચર અને કોમ્પ્યુટરની એન્ટ્રી પર જ આ હિસાબ ચાલતો હોય છે. જો ગ્રાન્ટ કેટલી આવી અને ક્યાં વપરાઈ? તેનો સાચો હિસાબ મેળવવો હોય તો તેના માટે સ્કૂલ પર જઈ હકીકત તપાસ કરવી જરૂરી બને છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત નાગરિકોને શિક્ષણ મેળવાવાનો અધિકાર મળ્યો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટ મળે છે. આ ગ્રાન્ટનો ઉપયોગ વિદ્યાર્થીઓના બૌદ્ધિક તથા શારીરિક વિકાસ માટે કર્યો છે કે, નહીં તે માટે ઓડિટની કમિટી તપાસ કરે છે. ત્યારે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલોનું ઓડિટ કરવામાં આવ્યું હતું. તેના માટે અમદાવાદની એક તલાટી એન્ડ તલાટી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પેઢીને ઓડિટનું કામ સોંપવામાં આવ્યું છે. આજે સવારથી જ તલાટી એન્ડ તલાટી કંપનીના ઓડિટ કમિટીના 3 અધિકારી પ્રફુલભાઈ મિશાલે, ગુણવંત ચૌહાણ અને હિતેષ સોલંકીએ ઓડિટ માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.
- Advertisement -
સ્કૂલોમાં આપવામાં આવતી સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટ
મધ્યાહન ભોજન, શાળા સલામતી ગ્રાન્ટ, ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ, યુથ એન્ડ ઈકો ક્લબ, ટોઈલેટ બ્લોક ગ્રાન્ટ, સ્પોર્ટ્સ સાધન સામગ્રી, ટ્રાન્સપોર્ટેશન ગ્રાન્ટ, એક ભારત શ્રેષ્ઠ ભારત, રિસોર્સ રૂમ ગ્રાન્ટ, બેન્ક વ્યાજ ખાતું સહિતના હિસાબની ચકાસણી કરવાનું હોય છે. ઉદાહરણ તરીકે સ્પોર્ટ્સ સાધન સામગ્રીની જ્યાંથી ખરીદી કરી છે ત્યાં અને જે તે સ્કૂલમાં જઈ તપાસ કરે તો જ સાચુ ઓડિટ થયું ગણાય.
જો અમને વધુ સમય મળે તો યોગ્ય તપાસ થઈ શકે: પ્રફુલભાઈ મિશાલે
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફર્મ તલાટી એન્ડ તલાટી કંપનીના અધિકારી પ્રફુલભાઈ મિશાલેએ જણાવ્યું હતું કે, ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં થયો છે તેની હકીકત તપાસવા માટે સ્થળ પર જવાનો સમય નથી રહેતો કારણ કે, એક દિવસમાં 30થી 40 સ્કૂલોનું ઓડિટ કરવાનું રહેતુ હોય છે જો સમય મળે તો સમિતિના અધિકારીઓ દ્વારા ગેરરીતિ આચરાઈ છે કે, નહીં તેની વાસ્તવિકતા બહાર આવી શકે.
સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટનું ઑડિટ કરનાર અધિકારી સાથે વાતચિતનો વીડિયો જોવા અહીં ક્લિક કરો…