બામણબોરની કંપનીને મુંબઇ અને સુરતની બૅન્કે જાણ કરતા ભાંડો ફૂટ્યો
એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો: આરોપીની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
- Advertisement -
રાજકોટના કુવાડવા નજીક બામણબોરમાં આવેલી ગ્રીનપ્લાઇ કંપનીની ઓફિસમાંથી ચેક ચોરી કરી શખ્સે મુંબઇ અને સુરતની બેંકમાંથી રૂ.1.98 કરોડ ઉપાડવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ કરતાં એરપોર્ટ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દિલ્હી રહેતા અને કલકતાની ગ્રીનપ્લાઇ કંપનીમાં નોકરી કરતા કૃષ્ણકુમારસિંગ ઉદિતસિંગ રાજપૂતએ અજાણ્યા શખ્સ સામે એરપોર્ટ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે દિલ્હીમાં ગ્રીનપ્લાઇ કંપનીમાં આઠ વર્ષથી લીગલ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હોય તા.5ના રોજ તેની હેડ ઓફિસેથી ફોન આવ્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે, રાજકોટની ઓફિસમાંથી કોઇ પૈસા ઉપાડવા બાબતે કોઇ પ્રશ્ર્ન હોવાનું જણાવતા તેને રાજકોટ આવી તપાસ કરી હતી.
બામણબોરની કંપનીમાં મેનેજર શાલુ ભોલાની ઓફિસમાંથી ત્રણ ચેકની ચોરી કરી જેમાંથી બે ચેક પ્લાન્ટ હેડ શિવકુમારની ખોટી સહીઓ કરી મુંબઇ બે બેંકોમાંથી ચેક નાખ્યા હતા અને બેંકમાંથી રૂપિયા ઉપડી ગયા હતા જેનો મેસેજ આવતા તેને ફોન કરી બેંકને આ પૈસા ઉપાડવાના ન હોવાનું જણાવ્યું હતું અને રકમ તેના ખાતામાં પરત આવી ગયા હતા ત્યાર બાદ સુરત બેંકમાં ચેક નાખતા તેને ફોન કરી જાણ કરતાં તેના ખાતામાંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હોય બેંકે જાણ કરી હોવાનું અને કોઇ અજાણ્યા શખ્સે કંપનીના કર્મચારીની ખોટી સહીઓ કરી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવતા પીઆઇ ગામીત સહિતે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આરોપીની શોધખોળ કરી હતી.