રિકવરી પંચનામું પૂર્ણ કર્યા બાદ હેડ કોન્સ્ટેબલ ઉપર હુમલો કરતા પોલીસે પગમાં બે ગોળી ધરબી પકડી લીધો
બંનેને આટકોટ બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા : આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના આટકોટમાં ’નિર્ભયા કાંડ’ જેવા જધન્ય અપરાધને અંજામ આપનાર આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી નાસી જવાના ઇરાદે પોલીસ ટીમ પર જીવલેણ હુમલો કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવાની ઘટના બની છે. આ જીવલેણ હુમલામાં એક હેડ કોન્સ્ટેબલને ગંભીર ઇજા પહોંચી છે. પોલીસે ફાયરિંગ કરતાં આરોપીના પગમાં ગોળી વાગતાં તે પકડાયો હતો, જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગે રાજકોટ ગ્રામ્ય એલસીબીના એચ.સી. ગોહિલએ આટકોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુરનો અને હાલ જસદણના પીપળીયા ગામની સીમમાં રહેતો આરોપી રેમસીંગ ઉર્ફે રામસીંગ તેરસિંગ ડુડવા આટકોટ પોલીસ મથકના દુષ્કર્મ અને પોક્સો એક્ટના ગુન્હામાં પોલીસ કસ્ટડી હેઠળ હતો. કોર્ટમાંથી આરોપીના 15 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ગુનાની તપાસના કામે પુરાવા એકત્રિત કરવા અને ગુન્હામાં ઉપયોગ થયેલ મુદામાલ – લોખંડનો સળીયો – કબજે લેવા માટે એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરાની સૂચનાથી પોલીસ સ્ટાફ ગઈકાલે રાત્રે જુના પીપળીયા ગામની સીમમાં પહોંચ્યો હતો.
રાત્રે 8:40 વાગ્યે પોલીસ ટીમ બે પંચને સાથે રાખી ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીએ બતાવેલ જગ્યાએથી રાત્રે 9:00 વાગ્યે લોખંડનો સળીયો કબજે કરવાની પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. પંચનામું પૂર્ણ થયા બાદ પોલીસ સ્ટાફ આરોપીને સરકારી ગાડીમાં બેસાડવા માટે લાવતો હતો, તે જ સમયે અચાનક આરોપી રેમસિંગે ત્યાં નજીકમાં જ પડેલું લોખંડના હાથાવાળું ધારીયું ઉઠાવી લીધું અને પોલીસ કસ્ટડીમાંથી નાસી જવાના ઇરાદે પોલીસ સ્ટાફ પર જીવલેણ હુમલો કર્યો.
આરોપીએ સાથેના પોલીસ કર્મચારી ધર્મેશ બાવળીયા (હેડ કોન્સ્ટેબલ)ને જાનથી મારી નાખવાના ઇરાદે માથાના ભાગે ધારીયાનો ઘા મારવા પ્રયાસ કર્યો હતો. ધર્મેશભાઈએ સમયસૂચકતા વાપરી માથું નમાવી લેતા તેમને ડાબા હાથના બાવડા ઉપર ગંભીર ઇજા થઇ હતી. ત્યારબાદ આરોપીએ તુરંત જ બીજો ઘા છાતીના ભાગે માર્યો હતો અને “ચલા જાવ માર દુંગા, ચલા જાવ માર દુંગા” તેવી જોર જોરથી રાડો પાડી જનુનથી સ્ટાફ ઉપર હુમલો કરી મારી નાખવા માટે ધારીયું મારવાની કોશીષ કરી હતી.
પોલીસ પર થયેલા આ જીવલેણ હુમલા અને આરોપીના ભાગવાના ઇરાદાને જોતાં, એલસીબીના એચ.સી. ગોહિલ અને એસઓજી પીએસઆઇ કે.એમ. ચાવડાએ અન્ય અધિકારી તથા કર્મચારીઓના બચાવ માટે અને સ્વબચાવ માટે પોતાના સર્વિસ વેપનમાંથી એક-એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. બંને રાઉન્ડ આરોપીના બંને પગમાં ગોઠણથી નીચેના ભાગે વાગતા આરોપી ત્યાં જ પડી ગયો હતો. બાદમાં એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજાએ સાવચેતીથી આરોપીના હાથમાંથી ધારીયું લઈ લીધું હતું.
તાત્કાલિક રાજકોટ કંટ્રોલ રૂમ અને ઉપરી અધિકારીઓને જાણ કરી, ઇજાગ્રસ્ત પોલીસકર્મી ધર્મેશભાઈ બાવળીયા અને આરોપી રેમસિંગ બંનેને સારવાર માટે પહેલા આટકોટની કે.ડી.પી. હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આરોપીએ ભાગવાના ઇરાદે પોલીસ પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતાં તેના વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ (307) હેઠળ ગુનો નોંધી આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસનો પરચો જોઈ આરોપીએ કહ્યું ‘ગુજરાત તરફ દેખેંગે નહીં ’
- Advertisement -
દુષ્કર્મના ગુનામાં પકડાયેલા આરોપીએ ભાગવા માટે પોલીસ ઉપર ધારિયાથી હુમલો કરતા જિલ્લા પોલીસ સ્ટાફે બે રાઉન્ડ ફાયરિંગ કરી આરોપીને ઝડપી લીધો હતો તેને હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો પોલીસનું રૌદ્ર સ્વરૂપ જોઈ આરોપી પોપટ બની ગયો હતો અને બે હાથ જોડી માફી માંગતા કહ્યું હતું કે દુબારા કભી ભૂલ નહિ કરૂંગા, ગુજરાતમેં કભી આયેંગે નહિ કભી ગુજરાત તરફ દેખેંગે નહિ, મુજે માફ કર દો હાથ જોડું તુમ્હારા



