ખાસ-ખબર સંવાદદાતા
ગણપતિ ઉત્સવના પાંચમા દિવસે સ્થાપન કર્યું હોય તેવા લોકોએ શહેરના આજી ડેમ, ન્યારી ડેમ, પરશુરામ તળાવ અને હનુમાનધારાએ ગણેશ વિસર્જન કર્યું હતું. જેમાં અમુક પરિવારે ઘરે જ ગરબા રમી ગણપતિ બાપાની મૂર્તિનું પાણીના ટબ કે કુંડામાં વિસર્જન કર્યું હતું. બીજી તરફ અમુક પરિવારે વાજતે ગાજતે ઢોલ નગારાના તાલે બાપાને વિદાય આપી હતી. તેમજ વિસર્જન સ્થળે ઢોલના તાલે લોકો ગરબે ઘૂમ્યા હતા. લોકોએ ઢોલી પર રૂપિયા ઉડાડ્યા હતા. ઠેર ઠેર અબીલ ગુલાલની છોળો અને ડીજેના તાલે લોકોએ બાપાને વિદાય આપી હતી. તેમજ ‘અગલે બરસ તું જલ્દી આના’ના ગીતો સાથે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેરના લોકોએ ગણપતિ બાપ્પાની શ્રઘ્ધાપૂર્વક સ્થાપના કરી બાપ્પાને અવનવા લાડ લડાવ્યા, પરંતુ બાપ્પાની વિદાય ટાણે આ જ શ્રધ્ધાળુઓ બાપ્પાની આમાન્યા જાળવવાનું ચૂકી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરમાં જયાં બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું તે મોટાભાગની જગ્યાઓ પર વિસર્જનના બીજા દિવસે બાપ્પાની મૂર્તિઓ રઝળતી હાલતમાં જોવા મળી હતી. તો મનપા નિર્મિત કૃત્રિમ તળાવમાં ગંદકીના ગંજ ખડકાયા હતા. વિસર્જનના બીજા દિવસે આજે કૃત્રિમ તળાવ ખાતે ખુબ જ મોટી માત્રામાં ગંદકીના ગંજ જોવા મળ્યા હતા અને ત્યાં બહાર ચૂંદડી, ફુલહાર, શ્રીફળ સહીત પૂજાની સામગ્રી કાદવમાં પડેલા છે અને ક્યાંક તો ગણેશજીની મૂર્તિ ખંડિત થયેલી નજરે પડી હતી.



