શ્રવણ-વાણીની ક્ષતિ ધરાવતા દિવ્યાંગ મતદારો માટે સાઈન લેંગ્વેજના જાણકાર દ્વારા વિડીયો કોલના માધ્યમથી થશે નિવારણ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અન્વયે તા.01 ડિસેમ્બર, 2022ના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજનાર છે. જેમાં દિવ્યાંગ મતદારો માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શ્રવણ – વાણીની ક્ષતિ ધરાવતા મતદારોને મતદાનના દિવસે યોગ્ય સૂચના આપી શકાય અને તેમને મતદાન કરવામાં કોઈ મુશ્કેલી ન થાય તે માટે સાઈન લેંગ્વેજના જાણકાર નિયુક્ત કરવામાં આવ્યા છે. જેઓ વિડીયો કોલનાં માધ્યમથી દિવ્યાંગ મતદારોને માર્ગદર્શન આપશે.
- Advertisement -
વિરાણી બહેરા મુંગા શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા જયેશભાઈ પી. રાઠોડ ફરિયાદ નિવારણ, પીડબ્લ્યુના નોડલ ઓફિસરશ્રી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન અનુસાર રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા મતવિસ્તારના દિવ્યાંગો માટે મતદાનના દિવસે સવારના 07:30 કલાકથી સાંજના 06:00 કલાક સુધી જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમમાં ફરજ બજાવશે અને શ્રવણ-વાણીની ક્ષતિ ધરાવતા દિવ્યાંગજનોને ચૂંટણી અવસરમાં મતદાન કરવા માટે સહાયરૂપ બનશે.