23 દિવસ લાંબા બજેટ સત્રમાં રાજ્યપાલના સંબોધન બાદ ઉપાધ્યક્ષની ચૂંટણીનું મતદાન
રાજ્યમાં દુકાનો 365 દિવસ ખુલ્લી રાખી શકવાની જોગવાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે મહત્વનું રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થતાં જ રાજકીય ઉત્તેજના પણ વધી ગઇ છે. બીજી તરફ રાજ્યનું આગામી વર્ષનું બજેટ પણ નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ બુધવારે રજૂ કરશે. 23 દિવસના આ સત્રમાં વિધાનસભા 26 સીટીંગ કરશે અને 25 માર્ચના સત્રનો અંત આવશે.
ગૃહમાં આજે નવા ઉપાધ્યક્ષ તરીકે ભાજપના પીઢ ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીની વરણી નિશ્ર્ચિત છે. ગત સપ્તાહએ વિધાનસભાના નવા ઉપાધ્યક્ષની ચૂંટણી માટેનું જાહેરનામુ બહાર પાડ્યું હતું અને ભાજપ તરફથી શ્રી પૂર્ણેશ મોદીને આ પદ માટે પસંદ કરાયા હતા.
જ્યારે કોંગ્રેસે ટોકન ફાઇટ આપવા પક્ષના ધારાસભ્ય શૈલેષ પરમારને ઉમેદવાર બનાવ્યા છે અને રાજ્યપાલના સંબોધન બાદ ઉપાધ્યક્ષની ચૂંટણી માટે મતદાન થશે. ભાજપ 162 બેઠકો પર વર્ચસ્વ ધરાવતો હોવાથી શ્રી મોદીનો આસાન વિજય નિશ્ર્ચિત છે.
વિધાનસભાના આ સત્રમાં મહત્વના કેટલાક ખરડાઓ પણ રજૂ થશે. જેમાં સૌ પ્રથમ રાજ્યના ત્રાસવાદ વિરોધી કાનૂન જેને ગુજરાત ક્ધટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ તરીકે ઓળખાય છે. તેમાં સુધારા ખરડો પણ ગૃહ વિભાગ સંભાળતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રજૂ કરશે.
રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત રાજ્ય સરકારે અગાઉ જે રીતે ગુમાસ્તા ધારામાં ફેરફાર માટે જે વટ હુકમ બહાર પાડ્યો હતો તેનું સ્થાન લેવા હવે વિધાનસભામાં ખરડો રજૂ કરાશે અને તેમાં અઠવાડિક રજા ફરજીયાત નહીં. દુકાનો 365 દિવસ ખુલ્લી રાખી શકાશે અને મહિલાઓ માટે નાઇટ શિફ્ટની શરતી મંજુરીની જોગવાઇ છે. આ ઉપરાંત કામના કલાકો વધારીને 8માંથી 10 કરાશે. આમ આજથી શરુ થયેલું વિધાનસભાનું સત્ર એ મહત્વપૂર્ણ બની જશે.
વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્યોએ ‘ખેડૂતોનું દેવું માફ કરો’ના નારા લગાવ્યા
- Advertisement -
ગુજરાત વિધાનસભામાં આજથી (16 ફેબ્રુઆરી) બજેટ સત્રનો પ્રારંભ થયો છે. પહેલાં દિવસે જ સત્રની શરૂઆત પહેલાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવા ‘ટ્રેડ ડિલ હટાવો, કિસાન બચાવો’ના પોસ્ટર સાથે વિધાનસભા પહોંચ્યાં હતાં. રાજ્યપાલના સંબોધન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ ‘ખેડૂતોનું દેવું માફ કરો’ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના મુદ્દે સરકાર પર દબાણ બનાવવા માટે કોંગ્રેસે ગૃહમાં અવાજ ઉઠાવ્યો હતો. જ્યારે ભાજપના ધારાસભ્યોએ પાટલીઓ ખખડાવી વિરોધનો જવાબ આપ્યો હતો. ગૃહમાં થોડો સમય તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. રાજ્યપાલનું સંબોધન પૂર્ણ થતાં તેમણે ગૃહના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિરોધ વચ્ચે પણ કોંગ્રેસના સભ્યોનો બે વખત આભાર માની સંસદીય પરંપરા જાળવવાનો સંદેશ આપ્યો હતો. વિધાનસભાનું સત્ર હવે આગામી કાર્યસૂચિ મુજબ આગળ વધશે.



