લોકશાહીનો ચોથો સ્થંભ પત્રકારત્વ
ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયાનાં પત્રકારત્વ માટે એમ લાગી રહ્યું છે કે આ વટવૃક્ષને હવે ઉધઈ લાગી ગઈ છે. ઉપર ઉપરથી અડીખમ દેખાતા આ બંધારણમાં હવે પત્રકારત્વ માટેની મૂળભૂત શરત એવા સાહસ, પારદર્શિતા, પથદર્શીતા, અને બહુ અગત્યનું લક્ષણ કે જનતા માટે અને જનતા સાથે ઉભા રહીને સમસ્યાઓના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા, આ બધું સત્તાની ઉધઈ દ્વારા ખવાઈ રહ્યું છે, ખોવાઈ રહ્યું છે.
- Advertisement -
આજની પરિસ્થિતિની વાત કરીએ એ પહેલાં આજકાલ ખૂબ સામાન્ય થઈ ગયેલ શબ્દ, લુંટીયન્સ મીડિયા’ એટલે શું એ સમજીએ. લુટીયન્સ આમ તો બ્રિટીશ આર્કિટેકટ એડવીન લૂંટીયન્સ દ્વારા બનાવાયેલા દિલ્હીના એક વિસ્તારનું નામ છે જ્યાં બ્રિટિશ સરકારના વહીવટીય કાર્યાલયો આવેલા હતા અને અહીં બેઠેલા બ્રિટિશ બ્યુરોક્રેટસ ભારતીયોને નીચા, અભણ, કોમવાદી, હિંદુ એટલે પછાત-ગમાર… આવું આવું સાબિત કરવા માટે સાવ જુઠા નરેશન સેટ કરીને પત્રકારો, લેખકો દ્વારા તેને ફેલાવતા. બ્રિટિશર્સની ચાપલુસી કરનાર આવા પત્રકારો-લેખકોના સમૂહ માટે લૂંટીયન્સ મીડિયા શબ્દ પ્રચલિત થયો અને બ્રિટિશરોના ગયા પછી કોંગ્રેસે બ્રિટિશરોનો આ વારસો જાળવ્યો હોય એમ પોતાના અંગત સ્વાર્થ માટે તેમણે પણ લુંટીયન્સ જર્નાલીઝમના દુષણને ખૂબ પાળ્યુંપોષ્યુ.
દાયકાઓ સુધી કોંગ્રેસ પ્રેરિત લુંટીયન્સ મીડિયા કલ્ચરથી મીડિયા પ્રભાવિત હતું. એમના પ્રભાવને કારણે અને બીજું સિદ્ધિઓને આજની જેમ હાઇલાઇટ કરવામાં આવતી ન હોવાથી લોકોમાં, એક સમર્થ રાષ્ટ્રના નાગરિક હોવાનું ગૌરવ કે ગૌરવના જુવાળની ભાવના પ્રબળ નહોતી કે ન તો ’સંસ્કૃતિ બચાવો’ કે દેશપ્રેમની ભાવનાને રાષ્ટ્રીય મુદ્દો બનાવીને તેનો રાજનૈતિક પ્રચાર થતો. વળી, કોંગ્રેસીઓના કૌભાંડો, ભ્રષ્ટાચારોથી અર્થતંત્ર હાલકડોલક હતું. દેશનો સરેરાશ નાગરિક હતોત્સાહ હતો. આ બધા વચ્ચે સ્વાભાવિક ઉપર કહ્યું તેમ રાષ્ટ્રભાવના કે સાંસ્કૃતિક મૂલ્યોનું રાજનીતિકરણ કરીને લોકોને મનમાં એ અમૃતનો અતિરેક ઝેર બની જાય એ હદ સુધી ઠસાવવામાં નહોતું આવતું. આ દરમિયાન ભાજપની અભૂતપૂર્વ સફળતા અને મોદી સરકાર આવતા જ લોકોની માનસિકતા તેમજ પત્રકારત્વનું ચિત્ર બદલાવા લાગ્યું.
હવે, મોદી સરકારે રાષ્ટ્રવાદની ભાવના પ્રબળ બને એવા નરેશન સેટ કર્યા. ચારો તરફ ઉત્સાહ અને ઉલ્હાસ, સકારાત્મકતા ફેલાવા લાગી. દેશનો એક વર્ગ જે રાજનીતિને ફક્ત નેતાઓનો વિષય સમજતો એ હવે રાજનીતિમાં રસ લેતો થયો. મોદીજીએ હારેલા થાકેલાઓને ગુલાબી સપનાઓ વ્હેચ્યા અને એ સુખદ ભવિષ્યની કલ્પનાના નશામાં આખોય દેશ જાણે મદહોશ હતો. કોંગ્રેસે જે શબ્દ ને જ સુગાળવો કરી મુક્યો હતો એ પ્રતિબંધિત શબ્દ, હિંદુ અને હિન્દુત્વ હવે રાષ્ટ્રીય ચેનલ્સ પર આદરથી બોલાવા લાગ્યા. મંદિરો અને ધર્મની ચર્ચાઓને હવે ચેનલોના પ્રાઈમટાઈમના સ્લોટમાં જગા મળવા લાગી.અગાઉ ક્યારેય ન થતું એવું, સાધુપુરુષો, પ્રખર વિદ્વાનો ધર્મગુરૂઓના મત હવે ટીવી ડિબેટ્સનું આકર્ષણ બની ગયા. કાશ્મીર અને રામ મંદિર, આ બન્ને સળગતા મુદ્દાઓ પર પહેલા ક્યારેય નહોતી મળી એવીને એટલી, ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મ્સ ગજાવવાની મોકળાશ મળી. આમ, વર્ષોથી રાજનૈતિક ઈરાદાથી કચડી નાખવામાં આવેલ ધર્મ, સંસ્કૃતિ, હિંદુ અને હિન્દુત્વ…આ બધામાં નવા પ્રાણ ફૂંકાવા લાગ્યા. ચારોતરફ જાણે બધું ફુલગુલાબી ગુલાબી થઈ રહ્યું છે, મેરા દેશ બદલ રહા હૈ, બધાને એવું લાગવા મંડયું. લુટીયન્સ મીડિયાનું એકચક્રી સાશન અસ્ત થવા લાગ્યું, સમાંતરે જ રાષ્ટ્વાદની, હિન્દુત્વની વાત કરે એવા જમણેરી પત્રકારોનો અવાજ બુલંદ થવા લાગ્યો અને, કોંગ્રેસ પ્રેરિત લુટીયન્સ મીડિયાનું બકરું કાઢવામાં છ દાયકા પછી સફળતા મળી…! આ બધું તો ખૂબ સરસ કહેવાય પણ…
પણ હવે ચિંતા એ છે કે બકરું કાઢતાં ઊંટ પેસી રહ્યું છે…
આપણા દેશમાં સૌથી વધુ હિન્દી ન્યુઝ ચેનલ જોવાય છે. અહીં, કોંગ્રેસ સરકારો વખતે કોંગ્રેસના જ ગુણગાન ગવાતાં જે ખૂબ જ કઠતું તેમ છતાં હવે એવું લાગે છે કે એ તો તો પણ સહ્ય હતું કે ત્યાંરે કમસેકમ ખોટું થયું હોય એ છુપાવવામાં આવતું, પણ ખોટાને સાચું કરી દેખાડવાની ધુષ્ટતા આજે જેટલા વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે એ નહોતી જ થતી. એ સમયે આઠ દસ મોટા લેખકો-પત્રકારો કોંગ્રેસની ગંદી બાજુ પર બસ, જાજમ પાથરવાની કુચેષ્ટા કરતા રહેતા. પણ આજે પત્રકારોનો એક મોટો સમૂહ સરકારની નબળી કે ગંદી બાજુની મેલી ચાદરને , તે મેલી ચાદર નહિ પણ મખમલી જાજમ જ છે એવું સતત સતત સતત જનમાનસમાં ઠસાવવા પ્રયત્નશીલ રહે છે. એ લોકો એના આકર્ષક ચશ્મા વડે આપણું વિઝન, આપણી માનસિકતા, આપણી વિચારશીલતાને કેદ કરવાનું સ્લો પોઇઝન આપી રહ્યા છે. તેઓ સમજી ગયા છે કે દેશના ગંભીર પ્રશ્નો કે મુદ્દાઓ પર ફોક્સ કે ચર્ચાઓ જાણીબૂઝીને ટાળવી અને ગોસીપિંગ ક્ધટેન્ટવાળા મુદ્દાઓ ચગાવી, એ જ અસલી સમાચાર છે, એ પ્રસ્થાપિત કરીને સરકારને પણ ખુશ રાખી શકાય અને આવા મુદ્દા જોવા તત્પર આપણા સૌ થકી ટીઆરપીનું મોટું બજાર પણ સર કરી શકાય છે! આજના પ્રોફેશનલ યુગમાં મીડિયા હાઉસો નખશીખ પત્રકારત્વને વરેલા, ખભે થેલો, ખાદીનો ઝભ્ભો પહેરેલા અસલ પત્રકારોથી નથી બનતા, હવે તો પત્રકારત્વ કોર્પોરેટ વર્લ્ડનો હિસ્સો છે જ્યાં ખરીદ-વેચાણની, કોને ચમકાવવા અને કોને કાળા ચિતરવા એ માટેની મોટી મોટી સોફેસ્ટિકેટેડ ડીલ થાય છે.
- Advertisement -
ટૂંકમાં, તમે જે જુઓ છો એટલું જ સત્ય નથી અથવા તમે જે જુઓ છો એ સત્ય જ નથી એ બન્ને બાબતો આજના પત્રકારત્વને સમજવા માટે પૂરતી છે. એ તમને ગરીબી, સરહદ પ્રશ્નો, બેકારી, અત્યાચાર, સતત ગોથું ખાઈ રહેલી અર્થવ્યવસ્થા… કશું જ નહીં બતાવે, અથવા પંગતમાં બેઠેલાને એક વખત પીરસીને નીકળી જતા હોય એમ આવા વિષયને જરાતરા સ્પર્શી બહાર નીકળી જશે. એ તમને બતાવશે મંદિર, મસ્જિદ, હિંદુ, મુસ્લિમ, થાળી ને દિવા… એ તમને વૈચારિક દારિદ્રય ભણી ખેંચી જશે. બહુ હોશિયાર પત્નીને શાણો પતિ પુસ્તકો કે કલાઓ પ્રતિ ન ઝુકવા દેતા, લાલી-લિપસ્ટિક-કંગના-પાયલ–ઘરવખરી આ બધાનો આકર્ષક થાળ સજાવીને એની બુદ્ધિને આટલા પૂરતી સીમિત કરીને રાખે એમ જ! એ તમને સતત ઠસાવશે કે વર્તમાન શાસકપક્ષ જેવો ઉત્તમ અને કોંગ્રેસ જેવો દુષ્ટ કોઈ પક્ષ નથી! ટૂંકમાં, કોંગ્રેસને આપણે ધરમૂળથી કાઢી બહાર ફેંકી દીધા પછી હવે દેશ સામે કોઈ સમસ્યા છે જ નહીં, તમે એવું માનવા લાગો એ એમનો હેતુ છે. કોમવાદ, સાંપ્રદાયિક ભાવનાનો નશો …આ બધું આ સમાચારોની દુકાનોમાં જથ્થાબંધ વેચાય છે, જેની અસરમાં લોકોને સંકુચિતતા, વૈમનસ્યનો કેફ ચડી રહ્યો છે, જે સમાજની સમરસતા માટે ખૂબ ખતરનાક છે. એ તમને સવાલો કરવાનું નહિ શીખવે, એ તમને દરેક વાતમાં પોતાના મનગમતા જવાબો પીવડાવી દેશે. એ મોદીજીના એક દિવસના જનતા કરફ્યુના નિર્ણયને અભૂતપૂર્વ ઐતિહાસિક ગણાવવા ગણતરીની કલાકોમાં એ પાછળના વૈજ્ઞાનિક(!) તથ્યો થિયરી સહિત સમજાવી દેશે! એ તમને થાળી વગાડવાથી થતા નાદના ફાયદાઓ, સૂક્ષ્મ જંતુ મરવાનું, ઘ્વનિ વિજ્ઞાન સમજાવી દેશે, કે જે તેઓ ખુદ પણ નહી સમજતા હોય. એ દિવા જલાવવાથી થતા ફાયદાઓ સમજાવીને એને સરકારની જાદુગરીમાં ખપાવશે . કોરોના લોકડાઉન પછી મજદૂરોને પોતપોતાના ગામે પહોંચાડતી ટ્રેનમાં ખુલ્લેઆમ ટિકિટના પૈસા મુજદૂર પાસેથી વસુલવામાં આવતા હતા તો પણ મોટાભાગની ચેનલોએ ડિઝાઇન્ડ રિપોર્ટિંગ કરીને એ જ બતાવ્યું કે ટીકીટના પૈસા નહિ, સરકાર તરફથી મફતમાં લઈ જવાય છે! પૂછતાં હે ભારત…’ અને હમ તો પૂછેંગે…હમ તો પૂછેંગે… નાં ઘાંટા પાડ્યા કરતી આ ચેનલો વળી જ્યાંરે સવાલો પૂછવાના હોય ત્યાં કયારેય કશું નહિ પૂછે ! ન્યૂઝ એન્કરો ટીવી ડિબેટ્સમાં સરકાર વિરોધી સુરને ટાઈમ નહિ આપે, કોઈ સરકાર વિરોધી વાત કરે તો એન્કર જોરજોરથી ઘાંટા પાડીને બીજી વાત પર ફંટાઈ જઈને પેલાનો અવાજ દાબી દેશે, એન્કર પોતે એન્કર મટી આ પક્ષ વિશેષનો પ્રતિનિધિ હોય એમ વર્તવા માંડશે. એ નમાલા વિપક્ષનો અવાજ દબાવશે અને… આ બધું જોઈને આપણે ખુશ ખુશ થઈ જશું કે વાહ, વિરોધીઓની, વિપક્ષોની બોલતી કેવી બંધ કરી! પણ આપણને એ સત્ય ક્યારેય નથી સમજાતું કે આજે વિરોધીઓની બોલતી બંધ કરી છે, બની શકે કે આવતીકાલે તમને સરકારની કોઈ નીતિ સામે વાંધો પડશે તો તમને પણ આમ જ…
યાદ કરો, ટેલિવિઝનના શરૂઆતના વર્ષોમાં આપણે ત્યાં સાહિત્યિક સ્પર્શવાળી અર્થપૂર્ણ વાર્તાવાળી સિરિયલ્સ બનતી પણ એકતા કપૂરનો યુગ શરૂ થયો અને છીછરી તથ્યહીન, અર્થહીન, ઘરને પોલિટિક્સનો અખાડો બતાવે એવી સીરિયલ્સનો દૌર શરૂ થયો જેણે આપણા જનમાનસનું વૈચારિક પતન, જનમાનસના પસંદગી અને રુચિનું એવું તો અધ:પતન આણ્યું કે આજ સુધી એમાંથી ઉગરી નથી શકાયું અને હવેની પેઢીને અર્થપૂર્ણ સિરિયલ્સ જોવી જ નથી ગમતી અને ત્યારથી મનોરંજનને નામે એંઠવાડ પીરસવાની પરંપરા હવે થોભવાનું નામ નથી લેતી.
બસ, એ જ રીતે એવા જ એક વૈચારિક અધ:પતનનો આ બીજો દૌર ન્યુઝચેનલોએ શરૂ કર્યો છે. આ લોકો અર્થહીન અને તથ્યહીન વાતોમાં એન્ટરટેઇનમેન્ટ વેલ્યુઝ અને થ્રિલ ઉમેરી એને એટલી ઇન્ટરેસ્ટિંગ બનાવીને પીરસે છે કે હવે તો આપણે ખરા સમાચાર કોને કહેવાય એ જ ભૂલી ગયા છીએ! ચેનલ હવે બે સમૂહમાં વહેંચાઈ ગઈ છે જેમાં મોટાભાગની સરકારી ખોળે અને ગણીગાંઠી કોંગ્રેસના ખોળે બેઠેલી છે. આ લોકો કોઈપણ ન્યૂઝને કોંગ્રેસ/ભાજપ, હિંદુ/મુસ્લિમ, સવર્ણ /દલિત એવી ફ્રેમમાં ફિટ કરીને દેખાડશે. આધુનિકતા ખાલી ટેકનોલોજી અને ગેઝેટઝમાં આવી છે પણ તેના થકી આ બન્ને સમૂહની ચેનલો સંકુચિતતાના સરવાળાઓ અને ગુણકારો કરીને આપણને દિન,-પ્રતિદિન વધુને વધુ પછાત કરતી જાય છે. આ બાબતો કોઈપણ જાગૃત નાગરિકને એટલા માટે ચિંતા કરાવે એવી છે કે, કોઈપણ સમાજનું વૈચારિક સ્તર નીચું જાય કે અધ:પતન થાય એ પછી એને ફરી તંદુરસ્ત કરવામાં વર્ષો, દસકાઓ કે ક્યારેક દાયકાઓ નીકળી જાય છે.
ટૂંકમાં, આ લેખનાં અંતે બે મહત્વના મુદ્દા એ જ છે કે, કોંગ્રેસના ગયા પછી આપણને એવું લાગતું હતું કે હાશ, હવે લુટીયન્સ મીડિયા કલ્ચર ખતમ થઈ ગયું. ના, એ ખતમ નથી થયું બસ એના માલિકીહક્કો બદલાયાં છે. લુટીયન્સ મીડિયા કલ્ચર પર પહેલા બ્રિટિશરોનો, પછી કોંગ્રેસનો અને હવે ભાજપનો દબદબો છે. અલબત્ત, કોંગ્રેસ વખતે ગણીગાંઠી ચેનલ કે પત્રકારો એમના હતા અને હવે આજે ગણ્યાગાંઠ્યા જ સાચું બોલનારાં બચ્યા છે એ મોટો ફરક છે!