રાષ્ટ્રધ્વજનું અપમાન કરતા ધોળકિયા સ્કૂલના સંચાલકો, ચંદ્રયાનના ટેબ્લો સાથે રેલી યોજાઈ હતી
રેલીમાં સ્કૂલના શિક્ષકો પણ જોડાયા હતા તો શું તેનું પણ ધ્યાન ન ગયુ?
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના મવડી પ્લોટમાં આવેલી એલ.જી.ધોળકિયા સ્કૂલ દ્વારા ગઈકાલે ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગને લઈને એક રેલી યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજ લહેરાવતા જોવા મળે છે પરંતુ રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર ગાયબ હતું. જે કાયદાકીય રીતે અપમાન છે. રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર ધર્મનું પ્રતીક ગણાય છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી વિદ્યાર્થીઓ ધોળકિયા સ્કૂલમાં શિક્ષણ મેળવવા માટે આવે છે. ત્યારે ત્યાંના સંચાલકોની જવાબદારી પણ વધી જાય છે. રેલીમાં એક મિની ટ્રકમાં ચંદ્રયાનની પ્રતિકૃતિ ગોઠવવામાં આવી હતી. સાથે ટ્રકની બન્ને બાજુ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને એક બાળકના હાથમાં છે. આ ત્રણેય ધ્વજમાં અશોક ચક્ર જ નથી. રાષ્ટ્રધ્વજમાં વચ્ચે અશોક ચક્ર હોય છે તે સાવ સામાન્ય વાત છે. ત્યારે એ સવાલ થાય કે, આટલા વર્ષોથી શિક્ષણ જગત સાથે સંકળાયેલી સંસ્થાને શું ખ્યાલ જ ન આવ્યો? આ એક ગંભીર બેદરકારી કહી શકાય.
- Advertisement -
આ રેલી શહેરના મુખ્યમાર્ગો પર નીકળી હતી. જ્યાં ઘણા લોકોએ આ રેલી નીહાળી હતી તે લોકો પર પણ ધ્વજ પ્રત્યે અલગ છાપ ઉભી થઈ શકે, જ્યારે વિદ્યાર્થીઓ પણ ખોટું શીખે કે, રાષ્ટ્રધ્વજમાં ફક્ત ત્રણ કલર જ છે. ત્રિરંગો જ્યાં પણ વેચાય ત્યારે તેમાં અશોક ચક્ર હોય જ છે. ક્યાંય એવું જોવા નથી મળતું કે, અશોક ચક્ર ન હોય. ત્યારે આવડી મોટી ભૂલ આવડી મોટી સંસ્થા કરે તે સમજમાં ન આવે. આ ધ્વજ તૈયાર થયા બાદ ઘણા લોકો સુધી પહોંચ્યો હશે તો તે દરમિયાન કોઈનું પણ ધ્યાન ન ગયું તે પણ આશ્ર્ચર્યજનક વાત લાગે. આ રેલીમાં સ્કૂલના શિક્ષકો પણ જોડાયા હતા તો શું તેનું પણ ધ્યાન ન ગયુ? કાયદા પ્રમાણે રાષ્ટ્રધ્વજ ફરકાવવા સહિતના ઘણા નિયમો છે જે ભારતીય ધ્વજ સંહિતા-2002 અંતર્ગત કામ કરે છે. રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવું દરેક ભારતીયની નૈતિક જવાબદારી છે ત્યારે ધોળકિયા જેવી સ્કૂલ આવડી ભૂલ કરે તે ખૂબ જ શરમજનક કહેવાય.
ભારતીય ધ્વજ સંહિતા-2002 મુજબ સજાની જોગવાઈ
રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ ઉંધો ફરકાવી કે પ્રદર્શિત કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી સ્થિતિમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે. આજ નિયમ ધ્વજદંડ અને દોરીને પણ લાગુ પડે છે, અને તેમનો પણ નિયમાનુસાર સાચવણી કરવાની હોય છે. સફેદ પટ્ટીમાં વચ્ચે નીલા રંગનું અશોક ચક્ર હોય છે જેમાં 24 આંકા છે જે આપણાં દેશને ગતિમાન બનાવી રાખવાની પ્રેરણા આપે છે.