- શૈલેષ સગપરિયા
જોવેલ નામનો એક બાળક એની માતા સાથે ચેન્નાઈની શેરીઓમાં ભીખ માંગવાનું કામ કરતો હતો અને ફૂટપાથ પર જ માતા સાથે રહેતો હતો. પિતા નાનપણમાં જ અવસાન પામેલા અને માતાને દારૂનું વ્યસન એટલે આખો દિવસ માંગેલી ભીખની રકમ માતાના દારૂમાં જતી રહે. ઘણી વખત તો ભૂખ્યા સૂવાનો વારો આવે. પહેરવા માટે એક જ શર્ટ અને પેન્ટ હતું અને એ પણ ગંદાં. ચોમાસાની ઋતુમાં કોઈની દુકાનના છાપરા નીચે સહારો લેવાનો અને એમાં પણ જો પોલીસના ધ્યાનમાં આવે તો આખી રાત વરસતા વરસાદમાં પલળતા-પલળતા કાઢવી પડે. આવી દારુણ ગરીબીમાં પણ છોકરો કંઈક કરવાનાં સપનાંઓ જોતો. સિગ્નલ પર ભીખ માંગતી વખતે નવી નવી ગાડીઓની અંદર નીરખીને જોયા કરે અને આવી ગાડીમાં બેસવા મળે તો કેવી મજા પડે એની કલ્પના કર્યા કરે. એક દિવસ આ છોકરાનો ભેટો એક સમાજસેવી દંપતી સાથે થયો. ઉમા અને મુથ્થુરામન રસ્તે ભટકતાં અને ભીખ માંગતાં બાળકોના શિક્ષણ માટે કાર્ય કરતાં હતાં. જોવેલનાં સપનાંઓ જાણી આ દંપતીએ જોવેલને ભણાવવાનું નક્કી કર્યું.
ભીખ માંગનારો જોવેલ હવે ભણવા બેઠો. સપનાંઓને પૂરાં કરવા માટે એ દિલ દઈને અભ્યાસ કરતો. 12 સાયન્સ પાસ કર્યા પછી ઓટોમોબાઇલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે જોવેલને ઇંગ્લેન્ડ મોકલવાનું નક્કી થયું. દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ પૈકીની એક એવી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષા જોવેલે પાસ કરી અને પોતાને જે કારમાં રસ પડતો હતો એ કારના અભ્યાસ માટે કેમ્બ્રિજમાં એડમિશન લીધું.
કેમ્બ્રિજમાંથી અભ્યાસ પૂરો કરીને આગળના અભ્યાસ માટે જોવેલ ઇટાલી ગયો. રેસ માટેની કાર તૈયાર કરવાનો એણે વિશિષ્ટ અભ્યાસ કર્યો. ચેન્નાઈની શેરીઓમાં ભીખ માંગતો જોવેલ આજે દુનિયાની ઝડપી ગાડીઓ બનાવવાના કામમાં લાગી ગયો છે. જોવેલનું એક જ સપનું છે કે ઉમા અને મુથ્થુરામન સાથે જોડાઈને ગરીબ બાળકોના અભ્યાસ માટે કામ કરવું છે. જેવી રીતે પોતે એક આદરપાત્ર સ્થાન પ્રાપ્ત કરી શક્યો, એવું સ્થાન અન્ય બાળકોને પણ અપાવવું છે. જીવનમાં કંઈક કરવાનો મનસૂબો હોય તો પરમાત્મા કોઈ ને કોઈ રીતે મદદ કરે જ છે. પરિસ્થિતિ સામે ગોઠણિયે પડવાને બદલે હિંમતભેર સામનો કરતાં શીખીએ.