ઉગ્ર સુત્રોચ્ચાર સાથે આશાવર્કર બહેનોનો વિરોધ : હડતાળનો આજે સતત ત્રીજો દિવસ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ફરી આશાવર્કર બહેનો આંદોલનના માર્ગે ઉતરી છે. છેલ્લા 3 દિવસથી અલગ અલગ માગણીઓને લઈ બહેનો હડતાળ પર ઉતરી છે. આજે જ્યબેલી ગાર્ડનમાં મોટી સંખ્યામાં આશવર્કર બહેનો એકત્ર થઈ હતી અને વેતન વધારાની માગ સાથે ‘ભાજપ તેરા ક્યા ભરોસા’, ‘નારી શોષણ બંધ કરો’ના સુત્રોચ્ચાર કર્યા હતા. સરકાર અને ભાજપ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.
- Advertisement -
વિલાસબેન મકવાણાએ જણાવ્યું હતું કે, હું આંબેડકરનગર આરોગ્ય કેન્દ્રમાં આશાવર્કર છું. અમારું માનદવેતન છે એ બંધ કરવામાં આવે અને ઉત્તમ વેતન આપવામાં આવે તેવી માગ છે. જેટલું વેતન અપાઇ છે તેના કરતા વધારે વેતન લેવામાં આવે છે. અમે કોરોનાની મહામારીમાં અમારા પરિવારની પણ ચિંતા કરી નથી અને કામ કર્યું હતું. છતાં એ પ્રમાણે અમને કોઈ વળતર આપવામાં આવતું નથી. અત્યારે અમારી એવી માગણી છે કે, અમને લઘુત્તમ વેતન આપવામાં આવે. અમારી માગ પૂરી નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. અમે 3 દિવસથી હડતાળ પર છીએ.
આશાવર્કર બહેનોએ જણાવ્યું છે કે, આશા વર્કર તથા ફેસિલીએટર બહેનોના પ્રશ્નો બાબતે અગાઉ અનેક વખત રજૂઆત કરાઈ છે. પરંતુ પ્રશ્નો સમજ્યા વગર સરકાર દ્વારા અશા વર્કર બાબતે જાહેરાત કરાઈ છે. જેમાં રૂ.5000 આપવાની જાહેરાત કરાઈ છે. પરંતુ આ વધારો ઈન્સેન્ટીવ છે કે પગાર છે? તેમજ જો પગાર હોય તો પગાર ઉપરાંત હાલમા મળતા ઈન્સેન્ટીવ ચાલુ રહેશે કે કેમ? તેવી કોઈ જ સ્પષ્ટતા નથી. હજુ લઘુત્તમ વેતન કરતા આ વધારો ખૂબ જ ઓછો છે. સરકારે કોઈ નેતા સાથે કોઈ સમાધાન કર્યુ હોય તો ગુજરાતની એક પણ આશા વર્કર અને ફેસિલીએટર બહેનોને આવુ કોઈ પણ સમાધાન માન્ય નથી. ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયન અમારું ખૂબ જ જવાબદાર યુનિયન છે. આથી તાત્કાલિક અસરથી યુનિયન સાથે બેઠક યોજી પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવી અમારી માગણી છે.