ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના કિડી ગામના રણમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતાં અગરિયાઓની હાલત ભારે કફોડી બની જવા પામી છે ત્યારે આ મુદ્દે અગરિયાઓએ મામલતદારને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલિક પાણી બંધ કરવાની માંગ કરી હતી. કચ્છના નાના રણમાં હળવદ તાલુકાના કીડીના રણમાં ધાંગધ્રા હળવદ માળીયા નર્મદા કેનાલનું પાણી ફરી વળતા અગરિયાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નર્મદાના પાણી ફરી વળતા અગરિયાઓને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. દિન રાત કાળી મજૂરી કરેલી અગરીયાઓની મહેનત પર નર્મદાના પાણીએ પાણી ફેરવી દીધું છે. નર્મદા કેનાલમાંથી પાણીનો વેડફાટ થઈ રણમાં પહોંચતા અગરિયાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રણમાં નર્મદાના પાણીની સતત આવક થતા અગરીયા ચિંતાતુર બન્યા છે. નર્મદાના પાણીથી થયેલા નુકશાનનું વળતર નર્મદા નિગમ આપે તેવી અગરીયાઓની માંગ ઉઠવા પામી છે.