ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે. મહત્વનું છે કે, ગુજરાતમાં પ્રચાર માટે રાહુલ ગાંધીને આમંત્રણ અપાયું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો અંતે ગઇકાલે જાહેર કરી દેવાઇ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. ત્યારે હવે ગુજરાતમાં આચારસંહિતા તો લાગુ થઇ ગઇ છે. જેના લીધે રાજકીય પોસ્ટરો પણ રાજ્યમાં ઠેર-ઠેર જગ્યાએથી હટાવી દેવાયા છે. પરંતુ હવેથી રાજ્યમાં વિવિધ પક્ષના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે. આથી નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં હવે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં પ્રચાર માટે આવી શકે છે.
- Advertisement -
નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાહુલ ગાંધી આવી શકે ગુજરાત
મહત્વનું છે કે, ગુજરાતમાં પ્રચાર માટે રાહુલ ગાંધીને આમંત્રણ અપાયું છે. આથી, નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે. ગુજરાતમાં 4થી 6 જાહેરસભાને રાહુલ ગાંધી સંબોધી શકે છે. તમને જણાવી દઇએ કે, હાલમાં રાહુલ ગાંધી દક્ષિણ ભારતમાં ‘ભારત જોડો યાત્રા’માં સામેલ છે. રાહુલ ગાંધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારોમાં જાહેરસભા યોજી શકે છે.
વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર થયા બાદ આચારસંહિતા લાગુ
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ આચારસંહિતા લાગુ થઈ જતાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં રાજકીય પક્ષોએ લગાવેલા બેનરો હટાવી દેવાયા છે. ગઇકાલે અમદાવાદ સહિત વડોદરામાં પણ કોર્પોરેશને લગાવેલા રાજકીય પક્ષોના પોસ્ટરો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટમાં પણ રાજનેતાઓના પોસ્ટર અને બેનરો ઉતારવાની કામગીરી હાથ ધરાઇ હતી.
વડોદરામાં પદાધિકારીઓએ ગાડીઓ જમા કરાવી
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થતા તમામ શહેરોમાં તંત્ર એક્શનમાં આવ્યું છે. જેના અનુસંધાને વડોદરામાં પદાધિકારીઓએ પોતાની ગાડીઓ પણ જમા કરાવી દીધી છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓએ ગાડીઓ જમા કરાવી દીધી છે. આ સાથે નોડલ અધિકારીઓ દ્વારા શહેરમાં લગાવેલ રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ પણ ઉતારી દેવાયા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર
મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરે થશે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે.