એ જે પ્રમાણિત કરે છે, મનુષ્ય સમુદાય એ અનુસાર કાર્ય કરે છે.
કથામૃત :
9મી ડિસેમ્બર 1971નો એ ગોઝારો દિવસ હતો. ભારત અને પકિસ્તાન વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું હતું. ભારતીય નૌસેનાનું કુકરી જહાજ કેપ્ટન મહેદ્રનાથ મુલાની આગેવાની હેઠળ ઉત્તમ કામગીરી કરી રહ્યું હતું. દુશ્મનોની નજર આ જહાજ પર હતી. રાત્રીના પોણા નવ વાગ્યાની આસપાસ દુશ્મન દેશની સબમરીને કુકરી પર બોમ્બ ફેંક્યો. દુશ્મનોનો હુમલો સફળ રહ્યો. જહાજનો મહત્ત્વનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો અને જહાજ ડૂબવા લાગ્યું. હવે કુકરીને કોઈ રીતે બચાવી શકાય તેમ નથી, એવું લાગતા જ કેપ્ટન મહેદ્રનાથે જહાજ પરની તમામ વ્યક્તિઓને લાઇફ જેકેટ પહેરીને સમુદ્રમાં કૂદી પડવાની અને પોતાનો જીવ બચાવવા માટેની સૂચના આપી. દરેક કેપ્ટનના આદેશ મુજબ લાઇફ જેકેટ પહેરીને સમુદ્રમાં કૂદી રહ્યા હતાં. કેપ્ટનનું ધ્યાન ગયું કે એક નાવિક આમથી તેમ આંટા મારી રહ્યો છે, એટલે એની પાસે જઈને પૂછ્યું, ભાઈ, કોની રાહ જુવો છો. આ જહાજ હવે બચે એમ નથી. તમે સમુદ્રમાં કૂદી પડો. નાવિકે વળતો ઉત્તર આપતા કહ્યું, સાહેબ, મારી પાસે લાઇફ જેકેટ નથી. મહેદ્રનાથે તુરંત જ પોતાનું લાઇફ જેકેટ નાવિકને આપી દીધું અને સમુદ્રમાં કૂદી પડવા હુકમ કર્યો. નાવિકે મનાઈ કરતા કહ્યું, સર, મારા કરતા આ દેશને આપની વધુ જરૂર છે. આ જેકેટ આપ રાખો. મહેદ્રનાથે નાવિકને પરાણે જેકેટ પહેરાવ્યું અને કહ્યું, હું આ ટીમનો લીડર છું. જ્યાં સુધી મારી ટીમનો પ્રત્યેક સભ્ય સુરક્ષિત ન હોય, ત્યાં સુધી હું મારી સુરક્ષાનો વિચાર ન કરી શકું. હું કેપ્ટન તરીકે તમને આદેશ આપું છું. પાણીમાં કૂદી પડો. થોડા જ સમયમાં પાણીમાં ગરક થયેલા કુકરીની સાથે મહેદ્રનાથ પણ ગરક થઈ ગયા અને શહાદત પામ્યા.
- Advertisement -
બોધામૃત
ટીમના લીડરનું કામ માત્ર હુકમો આપવાનું જ નથી. જરૂર પડે ત્યારે પોતાના જીવના જોખમે પણ ટીમના સામાન્યમાં સામાન્ય માણસની રક્ષા કરવી એ ટીમ લીડરની ફરજ છે. સમાજમાં પણ જે નેતૃત્વ કરે છે એવા સજ્જનોએ હંમેશા એ વિચારવું જોઈએ કે એ જેમ કરશે; સમાજ પણ એમ જ કરશે.
અનુભવામૃત
બીજાને પણ નેતા બનાવે એ સાચો નેતા!
-બિલ ગેટ્સ