ચીન સાથે સરહદી વિવાદ વચ્ચે અમેરિકા ભારતની પડખે આવ્યુ છે અને અરૂણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ હોવાનું સર્ટિફિકેટ આપી દીધું છે. અમેરિકી સંસદીય સમીતીએ આ અંગેનો પ્રસ્તાવ પાસ કર્યો હોવાનું સેનેટર જેફ મર્કેલે જાહેર કર્યુ હતું. સંસદીય સમીતી સમક્ષ જેફ મર્કલે, બિલ હોગર્ટી, ટીમ કાઈન તથા ક્રિસવાન હોલેને અરૂણાચલ ભારતનુ અભિન્ન અંગ હોવાનો પ્રસ્તાવ પેશ કર્યો હતો જેને પાસ કરવામાં આવ્યો હતો.
ચીન સાથે ભારતનો સરહદી વિવાદ ચાલી રહ્યો છે. અરૂણાચલ પર ચીન દાવો કરી રહ્યું છે અને તેને લઈને વખતોવખત સંઘર્ષ પણ થાય છે ત્યારે અમેરિકાએ ભારતનું સમર્થન કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસના એક જ મહિનામાં અમેરિકી સંસદીય સમીતીએ આ પ્રસ્તાવ પાસ કર્યાનું ઉલ્લેખનીય છે. પ્રસ્તાવમાં એવું સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે ભારત-ચીન વચ્ચેની મૈકમોહન સરહદને જ અમેરિકા આંતરરાષ્ટ્રીય સરહદ ગણે છે.
- Advertisement -
સંસદના કાર્યવાહી આયોગના સહ-અધ્યક્ષ સેનેટર જેફ મર્કલે કહ્યું કે અમેરિકા સમગ્ર દુનિયામાં સ્વતંત્રતા તથા કાયદાના શાસનનું સમર્થન કરે છે. સંસદીય સમીતીમાં પસાર પ્રસ્તાવથી અરૂણાચલને અમેરિકા ભારતનું અભિન્ન અંગ માને છે. ચીન સ્વતંત્ર તથા ખુલ્લા હિંદ તથા પ્રશાંત ક્ષેત્ર માટે ગંભીર ખતરો સર્જી રહ્યું છે. આ તકે અમેરિકાએ ભારતના સમર્થનમાં રહેવાનુ જરૂરી છે. ચીન તનાવ વધારી રહ્યું છે એટલે અમેરિકા લોકતંત્રની રક્ષા કરવા મજબૂત રીતે ઉભુ રહેશે.