પોરબંદરમાં કેરી સહિત અન્ય ફળોનું વેંચાણ વધવાથી વેપારીઓ અને ખેડૂતો હરખાયા, ગયા વર્ષ કરતા કેરીનું ઉત્પાદન વધ્યુ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.26
- Advertisement -
હાલ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે પોરબંદરની માર્કેટમાં ફ્રુટની આવક સારા પ્રમાણમા થઈ રહી છે. અને સાથે જ ફળોના રાજા કેરીનું આગમન થયું છે. કેસર તથા હાફૂસ કેરીનું હોલસેલ માર્કેટમાં આગમન થતાં લોકો સારા પ્રમાણમા ખરીદી કરી રહ્યા છે. કેળાં, ચીકુ, દાળમ, મોસંબી, દ્રાક્ષ, તરબૂચ જેવા ફ્રૂટ બજારમાં આવી રહ્યા છે. મબલખ પાકની આવકને જોઈ વેપારીઓ અને ખેડુતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
પોરબંદરની સાથે સમગ્ર રાજયમાં ગરમીનો માહોલ જામ્યો છે ત્યારે લોકો ફ્રૂટનો વધુ સહારો લઈ રહ્યા છે કારણ કે ફ્રૂટમાં ભરપૂર માત્રામાં એંટીઓક્સિડંટ હોવાથી નબળાઈ, ચક્કર આવવા, ડિહાઈડ્રેશનમાં રક્ષણ આપે છે. આથી ભરપુર પ્રમાણમા પાકની આવકને લઈ વેપારી અને લોકોમાં ખુશીની લાગણી છવાઇ છે. હાલ ગરમીનો માહોલ છે તેમાં ફળોનો રાજા કેરીની બજારમાં ભરપૂર આવક થઈ રહી છે. ચૈત્ર મહિનો ચાલતો હોવાથી ઠેર-ઠેર ભાગવદ સપ્તાહ અને વિવિધ કથાઓ તેમજ ત્યોહારો ચાલી રહ્યા છે. તેમાં પ્રસાદી રૂપે લોકો ફળ અને ડ્રાઈફ્રૂટની ખરીદી વધુ પ્રમાણમા કરે છે.
જાણો શું છે કેરીનો ભાવ ?
- Advertisement -
બળબળતા તડકામાં જો કેરીનો રસ, મળી જાય તો લોકોને હાશ…. ની લાગણી થાય છે. ત્યારે પોરબંદર શહેરમાં દિવસે ને દિવસે વધતી જતી ગરમીમાં કેરીની સારી એવી આવક થતાં લોકોમાં અને વેપારીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં પોરબંદરમાં કેરી બરડા અને તલાલા પંથકમાથી આવે છે. દરરોજની કેરીની આવક 400 થી 500 મણની છે. બરડા પંથકની કેરીનો ભાવ 10 કિલોના રૂ.800 થી રૂ.1200 જોવા મળે છે અને તાલાલા ગીર પંથકની 10 કિલો કેરીનો ભાવ રૂ. 700 થી 1000 જોવા મળી રહ્યો છે. તેમજ પોરબંદરમાં ડ્રાઈફ્રૂટ્નુ દરરોજનું 200 થી 250 કિલોનું વહેચાણ થઈ રહ્યું છે.
ફળોના ફાયદા તો અનેક છે પરંતુ જો સવારના સમયમાં ફાળો ખાવામાં આવે તો વિશેષ ફાયદા જોવા મળે છે. ફળોમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે જેનાથી શરીરની સ્ટેમીના વધે છે સાથે જ નબળાઈ, ડિહાઈડ્રેશન, કબજિયાત, અપચો જેવી બીમારીમાં રાહત આપે છે. ફળ એ મૂળ સ્વિંગ્સ થતો રોકવામાં પણ મદદરૂપ છે. તેમજ ખાટા ફળોમાં વધુ પ્રમાણમા વિટામિન હોવાથી ત્વચા માટે પણ લાભકારી છે. અને મોસંબી, દ્રાક્ષ, સંતરા, કિવિ, જેવા ફ્રૂટ્સ ચરબી ઓગાળવામાં પણ મદદ કરે છે. અત્યારે ઉનાળો ચાલી રહ્યો હોવાથી ફળોનો રાજા કેરી એ બજારમાં આવી ગઈ છે કેરીમાં વધુ ફાઈબર, એંટીઓક્સિડંટ, વિટામીન્સ હોવાથી કેરી એ અનેક બીમારી થી બચવા અકસીર મનાય છે.