એક વખત કેટલાક સસલાઓ પોતાના સમાજની સમસ્યાઓ માટે ચર્ચા કરવા એક જગ્યાએ ભેગા થયા. એક સસલાએ કહ્યું, બ્રહ્માજીએ આપણી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. આપણને નાના અને દુર્બળ બનાવ્યા છે.
આપણા શત્રુઓથી બચવા માટે આપણે સતત ભાગતા રહેવું પડે છે. જગતકર્તાએ બધાં જ સંકટો આપણા પર નાખ્યાં છે.
બીજા સસલાએ કહ્યું, હું તો હવે આ દુ:ખ અને આફતોથી ભરેલા જીવનથી કંટાળી ગયો છું. મારાથી હવે વધારે દુ:ખ સહન થઈ શકે એવું લાગતું નથી. મને માફ કરજો પણ મારે તો તળાવમાં ડૂબીને મરી જવું છે.
ત્રીજા સસલાએ કહ્યું, અરે ભાઈ ! અમારા બધાંની દશા પણ તારા જેવી જ છે.
આમ ડરી ડરીને જીવવા કરતા મરી જવું વધારે સારું અમારે પણ એ જ કરવું છે.
આત્મહત્યા કરવા માટે બધાં જ સસલાઓ તળાવ તરફ ચાલવા લાગ્યા. તળાવના પાણીમાંથી બહાર નીકળીને કેટલાક દેડકાં કિનારા પર બેઠા હતાં. સસલાના આવવાનો અવાજ દેડકાંના કાને પડ્યો એટલે તેઓ ડરીને ફટાફટ પાણીમાં કૂદવા લાગ્યા.
એક સસલાએ બાકીના બધાં સસલાઓને ઊભા રાખીને કૂદી રહેલા દેડકાંને બતાવીને કહ્યું, ભાઈઓ, આપણે આત્મહત્યા કરવાની જરૂર નથી. ભગવાને આ સૃષ્ટિમાં આપણા કરતા પણ વધુ મુશ્કેલીમાં જીવતા અને આપણાથી ડરતા જીવો બનાવ્યા છે. તેઓ પણ આ દુનિયામાં રહે છે અને મોજથી જીવે છે. તો પછી આપણે મરવાની શી જરૂર ? બધાં જ સસલાઓ આનંદથી નાચતા-કૂદતા પાછા ફર્યા.
આપણા પર આફત આવે ત્યારે આ સસલાની જેમ વિચારતા થઈએ કે, આપણાથી પણ વધુ દુ:ખી, ગરીબ, રોગી અને ઘણી બધી મુશ્કેલીમાં પણ લોકો મસ્તીથી જીવન જીવે જ છે તો પછી આપણે તો તેના કરતા વધુ સારી સ્થિતિમાં છીએ !
ફરિયાદ કરવાનું બંધ કરીને જીવનને
જીવવાની શરૂઆત કરીએ.
સર્વ દિશાઓમાંથી અમને શુભ
અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ.
– ઋગ્વેદ
શું માત્ર આપણે જ તકલીફમાં છીએ? જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલો



