માલદીવમાં ભારત વિરુદ્ધ પ્રદર્શન ટૂંક સમયમાં જ અપરાધની શ્રેણીમાં આવશે. માલદીવની સરકાર એક બિલ લાવવાની છે, જેમાં આવા વિરોધને ગેરકાયદેસર ગણાવવામાં આવ્યો છે.
માલદીવમાં ભારત વિરોધી દેખાવોની હવેથી ભારે કિંમત ચૂકવવી પડશે. સત્તાધારી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી એક બિલ લઈને આવી રહી છે જે કાયદો બનતાની સાથે જ ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને પ્રદર્શનને ગુનાની શ્રેણીમાં નાખી દેશે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં માલદીવના લોકો ‘ઈન્ડિયા આઉટ’ ટી- શર્ટ પહેરીને ભારત સરકારનો વિરોધ કરતા જોવા મળે છે. સતાધારી પક્ષ માને છે કે, આવા પ્રદર્શનોથી દ્વિપક્ષીય સંબંધો પ્રભાવિત થાય છે. તેથી તેમના પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
- Advertisement -
માલદીવમાં પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન દ્વારા ભારત વિરુદ્ધ ‘ઈન્ડિયા આઉટ’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સરકાર આવા અભિયાનોને ગેરકાયદેસર જાહેર કરવા માટે નવું બિલ લાવવાનું વિચારી રહી છે. તેનો ઉદ્દેશ્ય સંતુલિત વિદેશ નીતિ અપનાવવાનો છે, જે અન્ય દેશો સાથે તેના સંબંધોને મજબૂત કરવામાં અસરકારક સાબિત થશે.
આવા નવા બિલ હેઠળ, ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરનારાઓ પાસેથી 20,000 માલદીવિયન રુપિયાનો દંડ વસૂલવામાં આવશે, અને 6 મહિનાની કેદ અથવા 1 વર્ષ સુધી અટકાયતની જોગવાઈ પણ છે. એક નેતાએ કહ્યું કે, ’87 સભ્યોની સંસદમાં અમારી પાસે સ્પષ્ટ બહુમતી છે. તેથી બિલનો કોણ વિરોધ કરી રહ્યું છે તેનાથી કોઈ ફરક પડતો નથી. અમને લાગે છે કે આવો કડક કાયદો ઘડવાની જરૂર છે, કારણ કે અમારી અને ભારતની સુરક્ષા એકબીજા સાથે જોડાયેલી છે.
જો કે, આ બિલ સામે પણ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. આ અંગે વિરોધીઓનું કહેવું છે કે, આ વિરોધ કરવાના લોકતાંત્રિક અધિકારોનું ઉલ્લંઘન છે. જેલમાંથી છૂટ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનના ‘ઈન્ડિયા આઉટ’ અભિયાને વધુ જોર પકડ્યું છે. યામીને ભારત પર દેશની આંતરિક રાજનીતિ અને માલદીવની વર્તમાન સરકાર પર ભારતની મિલીભગતમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો છે.
- Advertisement -
જો કે, આ પહેલીવાર નથી જ્યારે માલદીવમાં ભારતીય સેના અને ભારત સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થયા હોય. આવો જ વિરોધ વર્ષ 2012 માં થયો હતો, જે બાદ ભારતીય એરપોર્ટ ઓપરેટર જીએમઆરને તે વર્ષે માલદીવ છોડીને ભારત પરત આવવું પડ્યું હતું.