21 લાખના બદલામાં વ્યાજખોરોએ જમીન વેંચી નાખી, દસ્તાવેજ માટે 1.10 કરોડ માગ્યા
એક ફાયનાન્સર સામે સવારે ગુનો નોંધાયા બાદ સાંજની ફરિયાદમાં પણ તેનો ઉલ્લેખ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે વધુ એક ખેડૂતે વ્યાજે લીધેલા 21 લાખના બદલામાં ત્રિપુટી જમીન બારોબાર વેચી નાખ્યા બાદ જો પરત જમીન જોઈતી હોય તો 1.10 કરોડ આપવા પડશે તેવી માંગણી કરી ધમકી આપતા તાલુકા પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટના મવડી વિસ્તારના યુવકને રૂ.50 લાખ વ્યાજે આપવાનું નક્કી કરી રૂ.21 લાખ જ આપી વ્યાજખોરોએ જમીન મોર્ગેજ કરવાના બહાને બારોબાર વેચી દીધી હતી. જમીન પરત કરવા વ્યાજખોરોએ રૂ.1.10 કરોડની માંગ કરી હતી વિઠ્ઠલભાઇ ખોડાભાઇ પટેલે ઉ.43એ જયેશ રામજી ભાલારા, ધર્મેશ મીઠા ઠેસિયા અને ચંદુ ભીખા સોરઠિયા સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, દોઢેક વર્ષ પહેલાં તેમને ઓફસેટ પ્રિન્ટિંગ મશીન ખરીદવું હોય નાણાંની જરૂરિયાત ઊભી થતાં પાડોશી જયેશ ભાલારાને વાત કરતાં તેણે પાતા મેઘપર ગામે આવેલી જમીનના અવેજમાં પોણા બે ટકા વ્યાજે રૂ.50 લાખ આપવાનું કહ્યું હતું
- Advertisement -
વિઠ્ઠલભાઇ એ બાબતે સહમત થઇ ગયા હતા અને જયેશ ભાલારા નાનામવા રોડ પર આવેલી અલ્પેશ દોંગાની મંડળી પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ ખાતે લઇ ગયો હતો ત્યાં જમીન મોર્ગેજની પ્રક્રિયા કરાવી હતી અને કાલાવડ સબ રજિસ્ટ્રાર કચેરીએ લઇ જઇ ધર્મેશ ઠેસિયા અને ચંદુ સોરઠિયાના નામના જમીનના દસ્તાવેજ કરાવી નાખ્યા હતા અને વિઠ્ઠલભાઇને માત્ર રૂ.21 લાખ ચૂકવ્યા હતા. વિઠ્ઠલભાઇએ છ માસ સુધી કુલ સાડા ત્રણ લાખ જેટલું વ્યાજ ચૂકવ્યું હતું. પોતાની જમીન બારોબાર વેચાઇ ગયાનું ધ્યાને આવતા વિઠ્ઠલભાઇએ જમીનના દસ્તાવેજ ફરીથી પોતાના નામે કરી આપવાનું કહેતા જેમના નામે દસ્તાવેજ કરાયા હતા તે ધર્મેશ ઠેસિયાએ રૂ.45 લાખ તેમજ ચંદુ સોરઠિયાએ રૂ.65 લાખની માંગ કરી હતી.