શહેરમાં ઠેર-ઠેર અનેક આયોજનો, 1100 દીવડાથી જયશ્રી રામ લખાયું, સેન્ટ્રલ જેલમાં જય શ્રીરામનો નાદ ગુંજ્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં લોકો અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ નિહાળીને અભિતૂત થયા છે. શહેરના અનેક સ્થળ પર મનપા દ્વારા લાઈવ પ્રસારણ માટે આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મ રક્ષક સમિતિએ રાજકોટના વિરાણી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે મિનિ અયોધ્યા ઊભું કર્યું હતું. આ મિનિ અયોધ્યામાં ભગવાન રામ તેમજ હનુમાનજીનાં 28 ફૂટના કટઆઉટ મૂકવામાં આવ્યા હતાં. તેમજ 150 ફૂટનાં સ્ટેજ પર રામમંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી, ત્યારે આજે શહેરમાં રામમયીના મહોત્સવને લઈ બાળકોમાં વધુ ખુશી જોવા મળી હતી. નાના ભૂલકાઓ રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજી સહિતના વેશ ધારણ કરીને ઉત્સવ મનાવી રહ્યા હતા. તેમજ કથાકાર રમેશ ઓઝાએ કાલાવડ રોડ પર બ્રિજનું નામકરણ કરી રામ ઉત્સવને લઈ મહત્વની વાત કરી હતી. બીજી તરફ સમગ્ર રાજકોટમાં રામ મહોત્સવ શાંતિ પૂર્ણ પસાર થાય તે માટે પોલીસ જવાનો સવારથી બંદોબસ્તમાં આવી ગયા હતા.
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે કોઠારીયાના ગોવિંદ ગ્રીન સીટી સોસાયટીની વિવિધ શેરીમાં શ્રી રામ ભગવાનની રંગોળી કરવામાં આવી હતી અને સોસાયટી દ્વારા રથયાત્રા નીકળી હતી. રાજકોટના રામકૃષ્ણ આશ્રમમાં ભવ્ય શણગાર કરાયો, ભાવિકોએ રામભજનનો લાભ લીધો. રાજકોટના રામકૃષ્ણ આશ્રમમાં અયોધ્યા રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને રોશનીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આજે રાજકોટના ઇસ્કોન મંદિરમાં ભગવાન રામની રંગેચંગે પાલખીયાત્રા નીકળી હતી. આ દરમિયાન મહાપ્રસાદનો 15000થી વધુ લોકોએ લાભ લીધો હતો. રાજકોટના ઇસ્કોન મંદિરમાં રામોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામા આવી હતી.
રાજકોટ મુસ્લિમ સમાજે પણ કરી ભગવાન શ્રીરામનાં મંદિરમાં થયેલ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી. ભગવાન રામનાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને આ સોસાયટીમાંથી નીકળી હતી. ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને બંને સમાજના આગેવાનોએ ગળે મળી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનાં વિદ્યાર્થીઓએ અયોઘ્યા રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. જેમાં વિદ્યાર્થીઓએ આબેહૂબ રામ, લક્ષ્મણ અને જાનકીનો વેશ ધારણ કર્યો હતો. વિદ્યાર્થીઓએ રામ, લક્ષ્મણ, જાનકીનું સ્વરૂપ ધારણ કરી ગ્રંથાલય ચોકથી મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન તરફ પ્રયાણ કર્યુ હતું.
- Advertisement -
1100 દીવડાથી જયશ્રી રામ લખાયું
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના છાત્રો દ્વારા 1,111 દીવડા પ્રગટાવ્યા. આ સાથે જ મહાઆરતી અને રામધૂનનું સુંદર આયોજન રહ્યું જેમાં સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના કુલગુરુ ડો. નીલાંબરી દવે ઉપસ્થિત રહ્યા હતા તથા રાજકોટ મહાનગર મંત્રી યુવરાજસિંહ પણ હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા 1100 દીવડાથી જયશ્રી રામ લખાયું. મોટી સંખ્યામા યુવાનો નિહાળવા પહોંચ્યા. રાજકોટમાં ઘરે ઘરે લોકોએ રંગોળી કરી સાથે દીપ પ્રગટાવી ભગવાનની આરતી પણ ઉતારી. આજે દેશ અખાની સાથે સાથે રાજકોટ શહેરમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટની સેન્ટ્રલ જેલમાં જય શ્રીરામનો નાદ ગુંજ્યો
- Advertisement -
આજના પવિત્ર અવસરના ભાગીદાર થઇ કેદીઓ દ્વારા રામ ધુન, ભજન તેમજ જય શ્રીરામનાં નારા લગાવવમાં આવ્યા હતા. જેલ પ્રાંગણ ભક્તીમય બન્યું હતું. જેલના તમામ બંદીવાન ભાઇઓ તથા બહેનોએ શ્રીરામ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. આ તકે અયોધ્યા નગરીમાં ઉજવવામાં આવતા કાર્યક્રમનુ જેલના તમામ યાર્ડ-બેરેકમાં લાઇવ પ્રસારણ કરાયું હતું.