અરરિયા બાદ સિવાનનો પુલ ધ્વસ્ત
બિહારમાં ફરી એક પુલ ધરાશાયી થયો છે. આ ઘટના સિવાન જિલ્લામાં બની હતી જ્યાં ગંડક નદી ઉપર બનેલો પુલ તૂટી ગયો અને બધો કાટમાળ પાણીમાં વહી ગયો હતો. આ ઘટના કેનાલમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જવાથી બની હતી. જો કે સદભાગ્યે પુલ તૂટવાથી કોઈનું મૃત્યુ નથી થયું. પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન જરૂર થયું છે.
પુલ તૂટવાથી ડઝનબંધ ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા. સિવાનમાં પુલ તૂટી પડવાનું કારણ માટીનું ધોવાણ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા બિહારના અરરિયામાં પણ નવનિર્મિત પુલ ધરાશાયી થયો હતો જેના કારણે વિપક્ષોએ નીતિશ સરકાર પર પ્રહારો કર્યા હતા.
- Advertisement -
પુલ તૂટવાથી આસપાસના વિસ્તારો સંપર્કવિહોણા થયા
સદભાગ્યે પુલ તૂટ્યો ત્યારે કોઈ તેના ઉપરથી પસાર થઇ રહ્યું ન હતું. પુલના ધરાશાયી થવાથી આસપાસના વિસ્તારોમાં વીજળી જતી રહી હતી. આ પુલ સિવાન જિલ્લાના દારોંદા શહેર હેઠળના રામગઢ ગામમાં ગંડક નદીની કેનાલ પર બનાવવામાં આવ્યો હતો. આ પુલ પટેઢી બજાર અને દારોંદા શહેરને એકબીજા સાથે જોડતો હતો, પરંતુ હવે આ વિસ્તારોનો એકબીજા સાથે સંપર્ક તૂટી ગયો છે. જેથી હવે લોકોને બજાર જવા માટે મુશ્કેલી પડશે. કેનાલ પણ ભારે વરસાદને કારણે બેફામ વહી રહી છે.