હાથમાં LEGBTQના ઝંડા સાથે સિગારેટ પી રહેલા ‘કાલી’ માતાને જોઈને ભડક્યાં લોકો
લોકોનો સવાલ, શું અન્ય ધર્મના ભગવાનને આ રીતે સ્મોક કરતા બતાવી શકાય છે?
- Advertisement -
દેશમાં વિવિધ ધાર્મિક મુદ્દે તંગદિલીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. ઈન્ડિયન ફિલ્મમેકર લીના મણિમેકલઈની ડોક્યુમેન્ટ્રીના પોસ્ટર અંગેનો વિવાદ સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યો છે. હકીકતે ’કાલી’ નામની આ ડોક્યુમેન્ટ્રીના પોસ્ટરમાં હિંદુઓના આરાધ્ય દેવી કાળકા માતા, મા કાલીને સિગારેટ પીતા દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મના પોસ્ટરમાં આર્ટિસ્ટ કાલી માની વેશભૂષામાં એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં એલજીબીટીક્યુ સમુદાયના પ્રાઈડ ફ્લેગ સાથે જોવા મળે છે. આ પોસ્ટર જોઈને લોકોમાં ખૂબ જ રોષ વ્યાપ્યો છે. ફિલ્મમેકર, એક્ટર, પોએટ અને ડાયરેક્ટર લીનાએ ગત તા. 2 જુલાઈના રોજ ટ્વિટર પર પોતાની ડોક્યુમેન્ટ્રીનું પોસ્ટર શેર કર્યું હતું. સાથે જ તેણે પોતે ખૂબ જ ઉત્સાહિત હોવાની લાગણી વ્યક્ત કરી હતી કારણ કે, તેની ડોક્યુમેન્ટ્રી કેનેડા ફિલ્મ ફેસ્ટિવમાં લોન્ચ થઈ હતી. લીનાની આ પોસ્ટના કારણે હિંદુ સમુદાયના લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે અને સોશિયલ મીડિયામાં તેનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. સાથે જ ટ્વિટર પર ‘અરેસ્ટ લીના મણિમેકલઈ’ હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યું છે. યુઝર્સે અમિત શાહથી લઈને વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ને ટેગ કરીને આ પોસ્ટર અને ફિલ્મ સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે.
ઈશનિંદા ગણાવાઈ
કેટલાક યુઝર્સે જણાવ્યું કે, શું અન્ય ધર્મના ભગવાનને આ રીતે સ્મોક કરતા બતાવી શકાય છે? અન્ય એક યુઝરે આને ઈશનિંદા ગણાવીને હિંદુઓની લાગણીને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રના ટ્રેલર અંગે પણ વિવાદ જાગ્યો હતો. તેમાં એક્ટર મંદિરમાં જૂતા પહેરીને દર્શાવાયાનો આરોપ લગાવાયો હતો. ત્યાર બાદ દર્શકોએ મેકર્સને ટ્રોલ કરીને ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લગાવ્યો હતો.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ
-આ ઈશનિંદા છે અને તેનાથી હિંદુ ધર્મની લાગણી દુભાય છે.
-શું તમે અન્ય ધર્મ સાથે આવું કરવાની હિંમત કરશો. ફક્ત પ્રયત્ન કરી જુઓ. એ સ્થળ માટે પણ શરમ અનુભવાય છે જ્યાં આ પ્રકારે હિંદુ દેવીને આ પ્રકારે દર્શાવવામાં આવે છે.
-દરરોજ હિંદુ ધર્મની મશ્કરી થાય છે. શું સરકાર આપણાં ધૈર્યની પરીક્ષા લઈ રહી છે?
-અસુરા, જો દમ હોય તો કશુંક બીજા ધર્મ વિશે કરીને બતાવ?
-આનાથી મારી લાગણીનું અપમાન થાય છે. મહેરબાની કરીને કાયદા વ્યવસ્થાનું પાલન કરીને આના સામે યોગ્ય પગલાં લેવામાં આવે.
-શરમ કરો, કાલી માતાનું જે સ્વરૂપ બતાવ્યું છે તે તારૂં પોતાનું છે, કાલી માતાનું નહીં. કાલી માતા તને આ વાતની
સજા આપશે.