કોટડાસાંગણી તાલુકાના શાપર-વેરાવળ ગામમાં રહેતો અને ચાની લારી પર કામ કરીને પરિવારને આર્થિક મદદ કરતો મચ્છો ભૂડિયા નામનો યુવક 12 કોમર્સમાં અભ્યાસ પણ કરે છે. ગરીબ પરિવારનું આ રતન યુનાઇટેડ ઇન્ડિયા ગેમ્સ એસોશિયેશન દ્વારા નેપાળના કાઠમંડુ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રિય રમતોત્સવમાં 1500 મીટર દોડમાં ગોલ્ડમેડલ જીતીને આવ્યો છે.
મચ્છોના પિતા ચાની લારી ચલાવે છે અને એના માતા કારખાનામાં મજૂરી કરવા જાય છે. મચ્છોને નાનપણથી રમતમાં ખૂબ રસ પડતો પણ ગરીબ અને અભણ માતા-પિતા બીજી તો શું મદદ કરી શકે ! મચ્છો પહેલા કબડી રમતો પણ પછી એણે કબડી રમવાનું છોડી દીધું. એ માનતો હતો કે કબડી એ ટીમવર્કની રમત છે આથી તમારું સારું પરફોર્મન્સ ટીમના નબળા સભ્યોના કારણે બહાર ન આવી શકે એવું બને. મચ્છોએ દોડમાં આગળ વધવાનું નક્કી કર્યું અને જ્યાં તક મળે ત્યાં દોડની હરીફાઈમાં ભાગ લેવાનું શરૂ કર્યું.
યુનાઇટેડ ઇન્ડિયા ગેમ્સ એસોશિયેશન દ્વારા ગોવા ખાતે આયોજિત નેશનલ લેવલની દોડ સ્પર્ધામાં મચ્છો બીજા નંબર પર આવ્યો અને આંતરરાષ્ટ્રિય સ્તર પર રમવા પસંદગી પામ્યો. નેપાળ રમવા જવાનું હતું પણ એ માટેના નાણાની વ્યવસ્થા કેમ કરવી એ બાબતની પરિવારને ચિંતા હતી. મચ્છોના પિતા પાસે બીજી કોઈ મિલકત નહોતી પણ પરિવારના સભ્ય જેવી એક ગાય હતી. દીકરાનું સપનું પૂરું કરવા પિતાએ 30,000માં ગાય વેંચી નાંખી.
ગાયને ખરીદનાર ગાય લઈને એના ઘરે ગયો પણ બીજા દિવસે ગાય પરત આવી ગઈ. ગાય પણ આ પરિવારથી દૂર થવા નહીં માંગતી હોય એટલે ઘરે પાછી આવી અને વેંચાણની રકમ પરત કરવી પડી. મચ્છોનું આંતરરાષ્ટ્રિય કક્ષાએ રમવાનું સપનું તૂટતું હોય એવું લાગ્યું. મચ્છો જે કારખાનામાં ચા આપવા જતો એ કારખાનાના માલિકોને મદદ કરવા વિનંતી કરી. યશ એન્જિનિયરિંગ પ્રોડક્ટ નામના કારખાનાના માલિક શ્રી ભરતભાઇ મોદીને મચ્છોની વાતમાં રસ પડ્યો. એમને મચ્છોને તમામ પ્રકારની નાણાકીય મદદ કરવાની અને નેપાળ સાથે આવવાની તૈયારી બતાવી. મચ્છોની સાથે ભરતભાઇ પણ નેપાળના કાઠમંડુ પહોંચ્યા અને બંને ભારત માટે ગોલ્ડમેડલ લઈને પરત આવ્યા.
માણસનું મનોબળ દ્રઢ હોય અને ધ્યેય પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના હોય તો ભગવાન પણ કોઈને કોઈ રૂપે કે કોઈના દ્વારા અવશ્ય મદદ કરતા હોય છે.
ધનિક કે ગરીબ નહીં કેવળ દ્રઢ મનોબળ ધરવતો વ્યક્તિ જ સફળ થાય છે.
-સ્વેટ માર્ડન