શહેરના જાણીતા બિલ્ડર સ્મિત કનેરીયા સાથે અનિલ ગાંધીએ કરી ઠગાઈ
સ્મિત કનેરીયાએ ગાંધી હાઉસ ખરીદવા માટે 2 કરોડની રકમ અનિલ ગાંધીને આપી હતી
- Advertisement -
રાજકોટમાં મિલકત મુદ્દે વધુ એક છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં દિવસેને દિવસે છેતરપીંડીના બનાવોમાં વધારો થતો જાય છે. શહેરમાં અવારનવાર વ્યાજખોરી અને ભૂમાફિયાઓનાં કારસ્તાન સામે આવી રહ્યા છે ત્યારે શહેરમાં વધુ એક મિલ્કતના મામલે છેતરપીંડીની ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના જાણીતા બિઝનેસ સ્મિત પટેલ સાથે અનિલ ગાંધીએ છેતરપીંડી કરી છે. ગાંધી હાઉસ બંગલો ખરીદવા સ્મિત પટેલે અનીલ ગાંધીને 2 કરોડની માતબર રકમ આપ્યા બાદ અનિલ ગાંધીએ ગાંધી હાઉસ બંગલો સ્મિત પટેલને આપવાની જગ્યાએ અન્યને વેચી દેતા સ્મિત પટેલે અનિલ ગાંધી અને અન્ય વિરુદ્ધ રાજકોટ પોલીસ કમિશનરને છેતરપીંડી થયાની ફરિયાદ નોંધાવી છે.
સ્મિત પટેલે અનિલ ગાંધી અને અન્ય વિરુદ્ધ કરેલી ફરિયાદ મુજબ કાલાવાડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે અર્પણ કોમ્પ્લેક્ષમાં રહેતા સ્મિત કનેરીયા નામના વેપારીએ શાંતિનિકેતન સોસાયટીમાં આવેલું 316-40 ચોરસ વાર ગાંધી હાઉસ બંગલો અનિલ ગાંધી પાસેથી એક ચોરસ વારની કિંમત 2,16,000ના ભાવથી લીધો હતો. અને જ્યારે મકાન લેવાનું નક્કી થયું ત્યારે રોકડા એક કરોડ રોકડા ચુકવ્યા હતા. ત્યારબાદ 28-3-2019ના રોજ અનિલ ગાંધીએ કબજા વગરનો સાટાખત કરાર સ્મિત કનેરીયાના નામે કરી આપ્યો હતો. તા. 10-4-2019ના રોજ અનિલ ગાંધીની માંગણી મુજબ સ્મિત પટેલે ફરીથી 50 લાખ રોકડા અને 50 લાખ આરટીજીએસ કરી એક કરોડ રોકડા આપ્યા હતા. આમ અત્યાર સુધી સ્મિત પટેલે મિલ્કત માટે કુલ 2 કરોડ રોકડા આપ્યા હતા. આમ બદલામાં અનિલ ગાંધીએ મિલ્કતનું ટાઈટલ આપ્યું પરંતુ મિલ્કતનો કબજો સ્મિત પટેલને સોંપ્યો ન હતો. ત્યારપછી અનિલ ગાંધીએ પ્રોપર્ટી કાર્ડમાં પણ સુધારો કરાવી ફરી ગાંધી હાઉસ બજારમાં વેચવા મુક્યું હતું. અને આ રીતે હાલ સ્મિત કનેરીયાના નામે હાલ ગાંધી હાઉસ બગલાના સાટાખત થયેલા છે ત્યારે તે જ મકાનનું ફરીથી સાટાખત કે વેચાણ થાય નહીં.
- Advertisement -
આ રીતે અનિલ ગાંધીએ એક જ મિલ્કતના બે દસ્તાવેજો કર્યા ને 19-1-2022ના રોજ અન્ય લોકોને ગાંધી હાઉસ નામની મિલ્કત વેચી દીધી હતી. આમ આ ઘટનામાં અનિલ ગાંધીએ સ્મિત પટેલ સાથે સ્પષ્ટપણે વિશ્વાસઘાત કરી છેતરપીંડી થયાનું દેખાય છે. સ્મિત પટેલના આરોપો મુજબ અનિલ ગાંધીએ આ મિલ્કતના ખોટા દસ્તાવેજો ઉભા કરીને પોતે આર્થિક લાભ મેળવ્યો. અનિલ ગાંધીએ પૂર્વનિયોજીત કાવતરૂં યોજી એકબીજાના મદદના સ્થાને વચન, વિશ્વાસ અને ખાતરીનો ભંગ કરી અમારી સોદાવાળી મિલકત હડપ કરી અમારી સાથે ગુનો આચરેલો છે એવું સ્મિત પટેલે ફરિયાદમાં નોંધાવ્યું છે.
વર્ષ 2019માં જ્યારે 2 કરોડની રકમ અનિલ ગાંધીને આપી તે જ સમયે ગાંધી હાઉસના સાટાખતવાળી મિલ્કતના દસ્તાવેજો સ્મિત કનેરીયાના નામે કરવાના થાય પરંતુ અનિલ ગાંધીએ બદઈરાદા સાથે મિલ્કતની બજાર કિંમત કરતા 25 ટકા જ અન્યને વેચી દીધી. આમ મિલ્કત ખરીદનાર અને મિલ્કત વેચનારે મિલીભગતથી સ્મિત કનેરીયા સાથે છેતરપિંડી આચરી છે. તો આ મુદ્દે સ્મિત પટેલે અનિલ ગાંધી અને મિલ્કત લેનાર શખ્સો સામે પોલીસ કમિશનરને ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવા અને મિલ્કતની આપેલી રોકડ રકમ પાછી મેળવવા સ્મિત પટેલે રજૂઆત કરી છે.
આ કલમ મુજબ ગુનો દાખલ કરવા કમિશનરમાં અરજી કરાઈ
રાજકોટના કોટેચા ચોક નજીક આવેલા ગાંધી હાઉસનો સાટાખત કરી 2 કરોડ લઈ લીધા બાદ મિલ્કત અન્યને વેચી દીધી છે જેથી છેતરપિંડી, વિશ્વાસઘાત, બદઈરાદો, કાવતરૂં કરવા મુદ્દે આરોપી અનિલ ગાંધી અને અન્યો ઉપર ભારતીય દંડ સંહિતા કલમ 406, 420, 465, 467, 468, 471, 34, 120(બી), 114 મુજબ ગુનો દાખલ કરવા નોંધવા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.