એક વિવાદ શાંત નથી થયો ત્યાં બીજો વિવાદ: મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
શેરનાથ બાપુએ બ્રહ્મસ્વરૂપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સાળંગપુરમાં હનુમાનજીને દાસ ગણાવતા ભીંતચિંત્રના વિવાદને શાંત પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે જ વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ નાથ સંપ્રદાયના સિદ્ધપુરૂષની અસૂર સાથે સરખામણી કરી ટીપ્પણી કરતા વિવાદ છેડાયો છે. જૂનાગઢ ગૌરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ દ્વારા આ મામલે પોલીસને અરજી આપી આ મામલે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ એક સત્સંગના કાર્યક્રમમાં ગેબીનાથ પર ટીપ્પણી કરતા સાંભળવા મળી રહ્યા છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, ગેબી કાનફટો ગઢડામાં આવ્યો ત્યારે મહારાજે તેને અસૂર કહ્યો છે. આપણા નંદ સંતોએ એ પ્રસંગ લખ્યો એટલે અસૂર કીધો. એક અસૂર આવ્યો 500ની સેના લઈને, શિંગડા વાળો હતો. આ બાવો ગેબી કાનફટો. કાન તૂટલા હોયને કડી પહેરી હોય. ગેબી કાનફટાના વંશજો સમાજમાં વધી રહ્યા છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીના ગેબીનાથ પરના નિવેદન બાદ નાથ સંપ્રદાયમાં રોષ ફેલાયો છે. જૂનાગઢના ગૌરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથબાપુએ કહ્યું હતું કે, સાળંગપુર હનુમાનજીનું ચિત્ર નીચું દર્શાવવામા આવ્યું તેવી જ રીતે વડતાલના બ્રહ્મસ્વરૂપજીએ નાથ સંપ્રદાયના સિદ્ધપુરુષ ગેબીનાથજીને અસૂર કહી અભદ્ર ટીપ્પણી કરી છે. વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા ગેબીનાથને લઈ કરવામાં આવેલી ટીપ્પણીને લઈ નાથ સંપ્રદાય દ્વારા જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે અને આ મામલે સરકાર દ્વારા કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.