ગુજરાતમાં શિયાળાની જમાવટ, અમદાવાદમાં 16.5 ડિગ્રી
સાથે ઠંડીનો અહેસાસ, આવતા સપ્તાહથી ઠંડી વધવાની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતમાં શિયાળો ધીમે-ધીમે જામી રહ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, ગત રોજ સૌથી ઠંડું શહેર અમરેલી નોંઘાયું છે. અહીં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 13.2 ડિગ્રીએ પહોંચ્યો છે. આ સાથે નલિયા 13.5 ડિગ્રી સાથે બીજા નંબરનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આવતા સપ્તાહથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.
- Advertisement -
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 32.0 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા 1.2 ડિગ્રી ઓછું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાઈ સામાન્ય કરતા 1.2 ડિગ્રી ઓછું રહ્યું. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સમાન સ્થિતિ જોવા મળી છે. અમરેલી, વડોદરા, ભાવનગર, પોરબંદર અને ભુજ સહિતના અનેક સ્થાનોમાં મહત્તમ તાપમાન સામાન્યથી 1થી 3 ડિગ્રી સુધી ઓછું નોંધાયું છે. રાજકોટમાં લઘુત્તમ તાપમાન 14.6 ડિગ્રી નોંધાયું, જે સામાન્ય કરતા 4.5 ડિગ્રી ઓછું છે, જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ 14.5 ડિગ્રી, જે સામાન્યથી 4.6 ડિગ્રી ઓછું નોંધાયું. દમણ, દીવ અને દ્વારકા જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 31થી 32 ડિગ્રીની આસપાસ રહ્યું, જ્યારે લઘુત્તમ તાપમાન 17થી 21 ડિગ્રી વચ્ચે નોંધાયું.



