ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક વિચારધારા ધરાવતા ખેડૂત નાથાભાઇ ભાટુ વર્ષ 2005માં જૂનાગઢ જિલ્લાના ચોકલી ગામમાં સ્થિત વૃંદાવન ફાર્મમાં આંબાના વૃક્ષોની આધુનિક પદ્ધતિથી ઉછેર કરી અભૂતપૂર્વ સફળતા મેળવી છે. આ નોંધપાત્ર યોગદાન માટે તેમને અમિત ઉડ્ડયન રત્ન એવોર્ડ-2024 એનાયત થયો છે.
વૃંદાવન ફાર્મમાં 10 ફૂટ ડ્ઢ 10 ફૂટના અંતરે આંબાનું વાવેતર કરવામા આવેલુ છે. દરેક વર્ષે આ આંબાનુ કાપણી (પ્રોનિંગ) કરવામાં આવે છે અને તેઓ પોતાની ગૌશાળામાંથી મળતા ગોમૂત્ર અને છાણનો ઉપયોગ કરીને વર્મીકમ્પોસ્ટ અને જીવામૃત જેવા પ્રાકૃતિક ખાતરોથી આંબાના વૃક્ષોની કાયમી માવજત કરે છે.
આંબાના વૃક્ષોને ડ્રિપ ઇરીગેશન દ્વારા નિયંત્રિત પ્રમાણમાં પાણી આપવામાં આવે છે, જેનાથી મીઠાશ ભરેલા કેરીનું ઉત્પાદન થાય છે અને આર્થિક દ્રષ્ટિએ સારું ઉત્પાદન મળે છે. શ્રી નાથાભાઈ ભાટુની ખંત અને મહેનતના લીધે, વૃંદાવન ફાર્મની કેસર કેરીને વિશેષ પ્રસિદ્ધિ મળી છે. નાથાભાઇ ભાટુના મતે ઘનિષ્ટ વાવેતર (હાઇ ડેન્સીટી પ્લાન્ટેશન) પદ્ધતિથી આંબાનું વાવેતર એ ખેડૂતો માટે વધુ ફાયદા કારક છે.