ભારત સરકારે વર્ષ 2020માં TikTok પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે અમેરિકન ધારાશાસ્ત્રીઓએ પણ ભારતનું ઉદાહરણ ટાંકીને બિલની તરફેણમાં મતદાન કર્યું છે. અમેરિકન ધારાશાસ્ત્રીઓએ બુધવારે ચીનની એપ TikTokને અમેરિકામાં પ્રતિબંધિત કરવાના પક્ષમાં મતદાન કર્યું હતું. મોટાભાગના સાંસદોએ TikTok પર પ્રતિબંધ મૂકવા માટે ભારતનું ઉદાહરણ આપ્યું.
કહ્યું કે, ભારતે તેની રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને TikTok પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. બુધવારે, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ, યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ, પ્રોટેકટીંગ અમેરિક્ધસ ફ્રોમ ફોરેન એડવાઇઝરી કંટ્રોલ્ડ એપ્લિકેશન એક્ટ નામના બિલ પર મતદાન કર્યું. આ બિલ અમેરિકામાં TikTok વગેરે જેવી વિદેશી એપને પ્રતિબંધિત કરે છે.
- Advertisement -
અમેરિકન ધારાશાસ્ત્રીઓએ કહ્યું કે, TikTokમાં પારદર્શિતાનો અભાવ છે અને તેના એક્ઝિક્યુટિવ યુઝર્સની ગોપનીયતાનું રક્ષણ કરવા પણ તૈયાર નથી. આ જ કારણ છે કે યુરોપિયન યુનિયન અને કેનેડામાં પણ આ એપના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યુએસ કોંગ્રેસમેન ગ્રેગ મર્ફીએ કહ્યું કે ચીન દ્વારા ટિકટોકનો ઉપયોગ અમેરિકન નાગરિકોની વિચારસરણી પર દેખરેખ રાખવા અને પ્રભાવિત કરવાના હેતુથી કરવામાં આવી રહ્યો છે.
મર્ફીએ કહ્યું કે, આ એપ યુઝરનો સંવેદનશીલ ડેટા કલેક્ટ કરે છે અને પછી તે ડેટા શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાની અને તેની ઈન્ટેલિજન્સ શાખા સાથે શેર કરે છે. તેનાથી દેશની સુરક્ષા સામે ખતરો છે.
યુએસ કોંગ્રેસના નીચલા ગૃહમાં આ બિલની તરફેણમાં 352 વોટ પડ્યા જ્યારે આ બિલની વિરુદ્ધમાં 65 વોટ પડ્યા. હવે આ બિલ અમેરિકાના ઉપલા ગૃહ સેનેટમાં જશે, જ્યાં ચર્ચા બાદ તેના પર વોટિંગ થશે અને તેને સેનેટ દ્વારા પાસ થયેલ પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ બિલ કાયદો બની જશે.
- Advertisement -
આ બિલ ભારતીય મૂળના અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ અન્ય સાંસદ માઈક ગલાગ સાથે રજૂ કર્યું છે. બિલમાં માંગ કરવામાં આવી છે કે TikTok ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથેના સંબંધો તોડી નાખે, ખાસ કરીને તેના બાળકોના ડેટા વિશે અને ડેટાને યુએસમાં જ સાચવે, જેથી લાખો અમેરિકન નાગરિકોને સુરક્ષિત કરી શકાય.