સંસદીય સ્થાયી સમિતિએ કરી ભલામણ : આનાથી સિસ્ટમમાં લોકોનો વિશ્ર્વાસ વધશે : પેન્ડિંગ કેસો અંગે પણ સમિતિએ ચિંતા દર્શાવી
ખાસ-ખબર સંવાદદાતા
કાયદા અને ન્યાય અંગેની સંસદીય સ્થાયી સમિતિએ ન્યાયિક પ્રણાલીને લઈને અનેક ભલામણો કરી છે. સમિતિએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો માટે તેમની સંપત્તિની માહિતી આપવી ફરજિયાત હોવી જોઈએ. જેમ સૈનિકો અને અધિકારીઓએ તેમની સંપત્તિની માહિતી આપવાની હોય છે તેમ ન્યાયાધીશોએ પણ આપવી જોઈએ. તેનાથી લોકોનો સિસ્ટમમાં વિશ્વાસ વધશે. બીજેપી સાંસદ અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદીની આગેવાની હેઠળની પેનલે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે પ્રસ્તાવ મૂકયો હતો કે તમામ ન્યાયાધીશો સ્વેચ્છાએ સંપત્તિની વિગતો આપે. જો કે આ યોગ્ય નથી. સરકારે આ અંગે કાયદો લાવીને જજો માટે ફરજિયાત બનાવવો જોઈએ. દર વર્ષે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોએ ફરજિયાતપણે સંપત્તિ અને જવાબદારીઓ વિશે માહિતી આપવી જોઈએ.
સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતા સમિતિએ નોંધ્યું છે કે જનતાને લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં ઊભા થનારા લોકોની સંપત્તિ વિશે જાણવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જો કે, મને એ તર્ક સમજાતો નથી કે ન્યાયાધીશો માટે સંપત્તિની માહિતી આપવી શા માટે ફરજિયાત નથી. જો કોઈ સરકારી પોસ્ટ પર હોય અને પબ્લિક ટેક્સમાંથી પગાર લેતો હોય તો તેણે પોતાની પ્રોપર્ટીનું વાર્ષિક રિટર્ન ફાઈલ કરવું જોઈએ.
- Advertisement -
પેન્ડિંગ કેસ અંગે પણ ચિંતા વ્યક્ત કરતાં પેનલે કોર્ટમાં પેન્ડિંગ કેસોની મોટી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ન્યાયાધીશોની રજા કાપવા પર પણ વિચાર કરવો જોઈએ. ન્યાયતંત્રમાં રજાઓની વ્યવસ્થા અંગ્રેજોના સમયથી આજ રીતે ચાલી રહી છે. જ્યારે સમગ્ર કોર્ટ એકસાથે રજા પર જાય છે, ત્યારે તે ખૂબ જ અસુવિધાજનક છે અને તમામ કામ અટકી જાય છે. તેથી જ સલાહ આપવામાં આવે છે કે તમામ ન્યાયાધીશો એકસાથે રજા પર ન જાય અને વૈકલ્પિક રીતે જાય. અને જો ન્યાયાધીશો અલગ-અલગ સમયે રજા લે તો કોર્ટ ચાલુ રહેશે અને ન્યાયમાં વિલંબ થશે નહીં.
મહિલાઓ, લઘુમતીઓ અને પછાત વર્ગો માટે અનામત યોજનામાં એવી પણ ભલામણ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં મહિલાઓ, લઘુમતીઓ અને પછાત વર્ગો માટે અનામત હોવી જોઈએ જેથી દરેક વર્ગનું પ્રતિનિધિત્વ કરી શકાય. દેશની બંધારણીય અદાલતમાં દેશની વિવિધતા દેખાવા જોઈએ. તે જ સમયે, પેનલે કહ્યું કે ઉચ્ચ ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નિવળત્તિ વય વધારવી જોઈએ. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટની પ્રાદેશિક શાખાઓ પણ શરૂ કરવી જોઈએ જેથી કરીને ગરીબોને ન્યાય મેળવવામાં સરળતા રહે.