સમગ્ર વિશ્વ માટે 2024નું વર્ષ વિશાળ પરિવર્તનો આણનારું સાબિત થવાનું છે. આ વર્ષે જે લિપ વર્ષ છે તે દુનિયાની અડધી વસતીનું ભાગ્ય બદલશે, 2024નું વર્ષ વૈશ્વિક સ્તરે રાજકીય ઉથલપાથલ અને ચૂંટણીઓનું વર્ષ રહેવાનું છે.
દુનિયાના 70થી વધુ દેશોમાં યોજાશે ચૂંટણી
- Advertisement -
આ વર્ષે દુનિયાના 70થી વધારે દેશોમાં ચૂંટણી યોજાવાની છે. જાણકારોના મતે આ વર્ષે 78 દેશોમાં 83 જેટલી ચૂંટણીઓ થશે જેમાં દેશની નવી સરકારો રચાશે. તેમાં પૂનરાવર્તન અને પરિવર્તનના અવિસ્મરણીય પરિણામો જોવા મળી શકે છે. આ વર્ષે ભારત, અમેરિકા અને બ્રિટન જેવી મોટી લોકશાહીમાં ચૂંટણીઓ યોજાવાની છે. તો બીજી તરફ રશિયા, યુક્રેન, બાંગ્લાદેશ, પાકિસ્તાન જેવા દેશોમાં પણ ચૂંટણી થવાની છે. વસતીની દ્રષ્ટીએ જોઈએ તો દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતમાં ચૂંટણી થવાની છે તો બીજી તરફ માત્ર 11,396ની વસતી ધરાવતા નાનકડા દેશ તુવાલુમાં પણ નવી કેન્દ્ર સરકાર રચાશે.
વિશ્વની અડધી વસતી કરશે મતદાન
નવાઈની વાત એવી છે કે, રાજકીય વિશ્લેષકો જણાવે છે કે, 2024ના વર્ષમાં વૈશ્વિક સ્તરે જે ચૂંટણીઓ યોજાશે તે વર્લ્ડ રેકોર્ડ બની રહેવાનો છે. વિશ્વની અડધી વસતી એટલે કે અંદાજે 4.3 અબજ લોકો મતદાન કરશે. આ વખતે અમેરિકા અને ભારત જેવા મોટા દેશોમાં ચૂંટણી છે. તે ઉપરાંત એશિયા, આફ્રિકા અને યુરોપના ઘણા દેશોમાં નવી સરકાર રચાવાની છે. તે સિવાય યુરોપીયન યુનિયનના સભ્ય 27 દેશોની પણ પોતાની ચૂંટણી થવાની છે. જી-20અને જી-7માં સ્થાન ધરાવતા મહત્ત્વના અને મોટા દેશોમાં આ વર્ષે ચૂંટણી થવાની છે. આ વર્ષે ચૂંટણીઓ અને મતદાનના રેકોર્ડ સર્જાવાના અને તૂટવાના છે. ત્યારપછી વિશ્વમાં આટલા મોટાપાયે ચૂંટણીઓ કે રાજકીય પરિવર્તનનો દોર આવશે નહીં. ત્યારબાદ 24 વર્ષ સુધી આટલી મોટી સંખ્યામાં ચૂંટણીઓ યોજાશે નહીં. હવે 2048માં ફરીથી વૈશ્વિક સ્તરે આટલા મોટાપાયે ચૂંટણીઓ યોજાશે. જે સમગ્ર વિશ્વને અસર કરનાર સાબિત થશે.
- Advertisement -
વિશ્વની સૌથી વધુ વસતી ધરાવતા સાત દેશોમાં ચૂંટણી
બ્રાઝીલ અને તુર્કીની વાત કરીએ તો ત્યાં સામાન્ય ચૂંટણીઓ નથી. છતાં ત્યાં તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. તેના કારણે સમગ્ર દેશના મતદારો તેમાં ભાગ લેશે તે સ્વાભાવિક છે. આ વર્ષની ચૂંટણીઓ એટલા માટે મોટી અને મહત્ત્વની સાબિત થવાની છે કારણ કે તેમાં મોટા દેશો જોડાયેલા છે.
રશિયામાં પુતિનની ફરીથી સત્તાની સુકાની તરીકે નિયુક્તિ થઈ ગઈ. આગામી સમયમાં યુકેનમાં પણ ચૂંટણી થવાની જ છે. તેવી જ રીતે ભારત અને અમેરિકા તથા બ્રિટન જેવા દુનિયાના મોટા લોકશાહી દેશોમાં કેન્દ્ર સરકારે માટેની ચૂંટણી થવાની છે. આ સિવાય એશિયા અને આફ્રિકાના બીજા મોટા દેશોમાં ચૂંટણી થશે. આ તમામ ચૂંટણીઓ માત્ર જે-તે દેશ ઉપર જ નહીં પણ વૈશ્વિક સ્તરે અસર ઉપજાવે તેવા છે. તેના કારણે જ આ ચૂંટણીઓ મોટી અને મહત્ત્વની સાબિત થવાની છે.
પાડોશી દેશોમાં ચૂંટણી પૂરી થઇ ગઈ છે
પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે. પાકિસ્તાનમાં ઈમરાનની ધરપકડ બાદ સર્જાયેલી રાજકીય કટોકટીમાં ચૂંટણીઓ પૂરી થઈ છે. ચૂંટણી પછી પણ સત્તા માટે અનેક સાંઠમારી થયા બાદ શાહબાઝ શરીફની વડા પ્રધાન પદે નિયુક્તિ કરવામાં આવી છે. બીજી તરફ બાંગ્લાદેશમાં પૂરી થયેલી ચૂંટણીમાં શેખ હસીનાની પાસે જ સત્તાનું સુકાન રહ્યું છે. તેઓ સતત પાંચમી વખત દેશના વડા પ્રધાન તરીકે ચૂંટાયા છે.
અમેરિકા, બ્રિટન અને યુક્રેનમાં વર્તમાન વડાઓને સત્તા બચાવવાનો સંઘર્ષ
અમેરિકામાં બાઈડેન પાસે સત્તા ટકાવવી અઘરી બની રહી છે. મોટી ઉંમર અને યોગ્ય પરિણામો ન મળવાના કારણે અમેરિકાની વૈશ્વિક પકડ ઢીલી પડી ગઈ હોવાનું છતું થઈ ગયું છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ અને બાઈડેન વચ્ચે અમેરિકામાં આ વખતે સત્તા માટે સીધો સંઘર્ષ થાય તે દેખાઈ રહ્યું છે. અમેરિકાની ચૂંટણી નવેમ્બરમાં થવાની છે. તેનું જે પણ પરિણામ આવશે તેની વિશ્વ ઉપર દૂરોગામી અસરો થવાની છે. બીજી તરફ બ્રેક્ઝિટ થયા બાદ બ્રિટનની આર્થિક સ્થિતિ ને સતત કથળતી જાય છે. તેના કારણે બ્રિટનમાં થનારી ચૂંટણી પણ ખૂબ જ મહત્ત્વની સાબિત થવાની છે. હાલમાં ઋષિ સુનકની આગેવાનીમાં કન્ઝર્વેટિવ પાર્ટી સત્તામાં છે પણ આગામી સમયમાં સત્તા મેળવવી ઘણી કપરી સાબિત થવાની છે. ખાસ કરીને આર્થિક પરિબળો બ્રિટન માટે મહત્ત્વના સાબિત થવાના છે.
યુરોપના 10 દેશો તથા યુરોપીય યુનિયનમાં સત્તાની સાઠમારી દેખાશે
બ્રેક્ઝિટની બાદ યુરોપના દેશો અને યુનિયનનું આર્થિક અને જિયોપોલિટિકલ પાસું પણા મોટાપાયે બદલાયું છે. તેમાં હવે આ વર્ષે યુરોપના 10થી વધુ દેશોમાં ચૂંટણી થવાની છે. આ તમામ દેશોના પરિણામો જે-તે દેશોનો અસર કરવા ઉપરાંત યુરોપને પણ અસર કરશે. ફિનલેન્ડ, પોર્ટુલગ, બેલારુસ, યુકેન , સ્લોવાકિયા, લિથુઆનિયા, આઈસલેન્ડ, બેલ્જિયમ, ક્રોએશિયા, ઓસ્ટ્રિયા, જ્યોર્જિયા, માલ્ડોવ, રોમાનિયામાં ચૂંટણી યોજાવાની છે. તેમાં સમગ્ર દેશના લોકો ભાગ લેશે. ત્યારબાદ યુરોપિયન યુનિયનના 27 સભ્યોની સંસદની પણ ચૂંટણી થવાની છે. તેમાં આ દેશો ઉપરાંત ફ્રાન્સ, જર્મની અને સ્વીડન જેવા દેશો પણ જોડાવાના છે.




