શ્રમિક ગર્ભવતી મહિલાને પણ માર મારી અણછાજતું વર્તન કર્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
એક તરફ સુરેન્દ્રનગર જિલ્લાના કોલસાનું ગેરકાયદેસર ખનન કરતા ખનિજ માફીયાઓ કોઈના ડર વગર ખનન પ્રક્રિયા ચલાવી રહ્યા છે ત્યારે બીજી તરફ આવા ખનિજ માફિયાઓને ડામવાનો બદલે પોતાની કડકાઈ દેખાડતા અધિકારીઓ મજૂરો પર દમન ગુજારતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મૂળી તાલુકાના ધોળિયા ગામે કોલસાની ખાણોમાં કામ કરતા મજૂરોને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. પીડિત શ્રમિકો દ્વારા જણાવ્યું હતું કે તેઓ પરપ્રાંતીય છે અને પોતાનું પેટીયું રળવા માટે કોલસાની ખાણોમાં કોલસો કાઢવાનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ મજૂરો અશિક્ષિત હોવાથી ખાણો કાયદેસર છે કે ગેરકાયદેસર તે અંગે કોઈ જાણ નથી પરંતુ તેઓને માત્ર પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મળતી મજૂરી કરી રહ્યા છે તેવામાં ગત બે દિવસ પૂર્વે 29 જુલાઈના રોજ ધોળિયા ગામે કોલસાની ખાણો પર પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો જે દરોડામાં 7 જેટલી કોલસાની ખાણો પરથી 36 લાખ રૂપિયાનોઇડમલ પણ ઝડપી પાડ્યો હતો આ કોલસાની ખાણમાં કામ કરતા આશરે 38 શ્રમિકોને ખાણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા જે બાદ મજૂરોને માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે ખાણોમાંથી મજૂરોને બહાર કાઢી દરોડો કરનાર બે લોકોએ માર માર્યો હતો જેમાંથી એક પ્રાંત અધિકારી અને બીજા કોઈ સ્ટાફની કર્મચારી હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઘટનામાં એક ગર્ભવતી શ્રમિક મહિલાને પણ લાતથી માર માર્યો હોવાનું મહિલાના પતિ દ્વારા જણાવ્યું હતું. જે બાદ તમામ શ્રમિકોને છોડી મૂકી માર મારેલ શ્રમિકોને એની શ્રમિકો દ્વારા ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે પોતાને જાંબાઝ માનતા અધિકારીઓ આ પ્રકારે શ્રમિકોને માર મારી પોતાની મર્દાનગી દર્શાવવા કરતા ખનિજ માફીયાઓ પર આટલી કડકાઈ રાખે તો કદાચ માફીયાઓ ખનીજનો ધંધો ફરીથી શરૂ કરવામાં વિચાર કરે. ત્યારે પર પ્રાંતીય મજૂરો દ્વારા સ્પષ્ટપણે પ્રાંત અધિકારી અને તેના સ્ટાફના એક કર્મચારી પર માર માર્યા હોવાનો આક્ષેપનો ચો તરફ ચર્ચા ચાલી રહી છે.