વિવાદોના વમળમાં ફસાતું રાજકોટ એસ.ટી તંત્ર: રાત્રે બંધ રહેતી જીપીએસ સિસ્ટમ હવે દિવસના ચાર દિવસથી સદંતર બંધ
બમ્પર મૂકનાર ડેપો મેનેજર અને એજન્સી સામે દંડનીય કાર્યવાહી પણ થવી જોઈએ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટનું ઢેબર રોડ પરનું એસ.ટી બસપોર્ટએ ધણી ધોરી વગરનું અને બાવો રખોલીયો જેવી હાલત છે. કાયમ માટે વિવાદોનું ઘર બનેલું એસ.ટી બસપોર્ટ અનેક સુવિધાઓને બદલે દુવિધાઓ ઉભી કરવી અને મુસાફરોને કનડગત કરવા એ જ મુખ્ય ઉદ્દેશ હોય એવું જણાય છે. મુસાફરોને ડેપો મેનેજરના આદેશથી ફરિયાદ બુક આપવી નહીં અને ઘરની ધોરાજી ચલાવવામાં આવી રહી છે. ડેપો મેનેજરને ખબર નથી લશ્કર ક્યાં લડી રહ્યું છે. અગાઉ ફક્ત રાત્રે બંધ રહેતી જીપીએસ સિસ્ટમ ચાર દિવસથી દિવસના પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. એલઇડી સ્ક્રીન જ બંધ હોય ત્યારે મુસાફરોને બસ કઈ જગ્યાએ પહોંચે તેનું લોકેશન મળતું નથી અને કલાકો સુધી ટ્રાફિક કંટ્રોલરમાં પણ ખબર પડતી નથી કે બસ કેટલી મોડી છે કઈ જગ્યાએ છે.
રાજકોટ એસ.ટી બસપોર્ટના એક્ઝીટ ગેટ કે જ્યાંથી બસ બહાર નીકળે છે તે ગેટ પર લાંબા સમયથી મસમોટા ખાડાઓ હતા જેમાં ખીલાસરી પણ બહાર નીકળી ગઈ હતી. લાંબા સમયથી આ ખાડાઓ પ્રત્યે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી અને લાપરવાહીના પગલે મરામત કરવામાં આવતી નહોતી પણ તાજેતરમાં આ બહારના ગેટ પાસેના ખાડાઓની મરામત થઈ જતા વધુ એક વિવાદમાં ગેટ પાસે મસ મોટું અને તોતિંગ સ્પીડ બ્રેકર (બમ્પર) ખડકી દેવામાં આવ્યું. જે પગલે આ બમ્પરથી મુસાફરોના મણકા ભાંગી જાય અને હાડકા તૂટી જાય એ પ્રકારનું બમ્પર હતું અને બસની કમાનો પણ ધડાધડ તૂટી જાય એ પ્રકારનું બમ્પર અનઅધિકૃત રીતે અધિકારીઓની કોઈપણ મંજૂરી વગર બનાવી દેવામાં આવ્યું હતું. અધિકારીઓને મુસાફરો દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી અને ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા અધિકારીને સાથે રાખી સ્થળ ઉપર જઈ બમ્પર અંગેની માહિતી લીધા બાદ અધિકારીને પણ આ અંગે તાકીદ કરતા બમ્પર તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ આ સ્પીડ બ્રેકર તૂટે એ પહેલા બે ડ્રાઇવરના ટકા તોડી નાખવામાં આવ્યા ત્રણેક બસમાં કાચ ફૂટી ગયા અને મુસાફરોને સામાન્ય ઇજાઓ થઈ હતી તો આ બાબતે જવાબદારી એજન્સી સામે દંડનીય કાર્યવાહી થવી જોઈએ. બસ મુખ્ય રસ્તા ઢેબર રોડ પર બહાર નીકળી રહી છે એટલે બસ ની સ્પીડ પણ ઓછી હોય ત્યારે બમ્પર મૂકી અક્કલનું પ્રદર્શન કરનારા ડેપો મેનેજર અને એજન્સી સામે દંડનીય કાર્યવાહી પણ થવી જોઈએ. આ અંગે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને રાજકોટ વિભાગય નિયામક જે બી કરોતરા અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના એમડી ને લેખિત ફરિયાદ કરી સ્પીડ બ્રેકર મૂકનારા સામે કડક કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ કરવામાં આવી છે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, નાગજીભાઈ વિરાણી, દિલીપભાઈ આસવાણી, હબીબભાઈ કટારીયા, એસ.પી રાજાણી, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણએ આ અંગે માહિતી આપી હતી.