કોલસાની આડમાં દારૂ લઇ અવાતો’તો, ચોરખાનું પોલીસે ખોલતાં જ દારૂનો જથ્થો મળી આવ્યો
ચોટીલા તરફથી આવી રહેલી ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતી મળતાં એરપોર્ટ પોલીસ સ્ટેશનના
PI એમ.એ.ઝણકાંત સહિતની ટીમે વોચ ગોઠવી હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ફરી એકવખત દારૂબંધીની ધજીયા ઉડી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતા કાયમી લાખોનો દારૂ ઝડપાઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરની ભાગોળે આવેલા બામણબોર નજીકથી વધુ એક દારૂ ભરેલી ટ્રક પોલીસે પકડી લીધી હતી, અમૃતસરથી નીકળેલી ટ્રક બૂટલેગર સુધી પહોંચે તે પહેલા એરપોર્ટ પોલીસે 385 પેટી દારૂ ભરેલી ટ્રક ઝડપી ચાલક રાજસ્થાની શખ્સની ધરપકડ કરી હતી, પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ રૂ.29.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ચોટીલા તરફથી આવી રહેલી ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતી મળતાં એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એ.ઝણકાંત સહિતની ટીમે વોચ ગોઠવી હતી, નિયત વર્ણન વાળી ટ્રક બામણબોર પહોંચતા જ પોલીસે તેને અટકાવી હતી, પોલીસે ટ્રકના ઠાઠામાં તપાસ કરતાં કોલસો જોવા મળ્યો હતો, દારૂની ચોક્કસ માહિતી હોવાથી પોલીસે કોલસો દૂર કરી તપાસ કરતાં જ એક ચોરખાનું જોવા મળ્યું હતું તે ખોલતાં જ અંદરથી રૂ.19,41,300ની કિંમતની 4620 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ રૂ.29,71,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રાજસ્થાની શખ્સની ધરપકડ કરતી એરપોર્ટ પોલીસ
પોલીસે ટ્રકચાલક રાજસ્થાનના કલજીકી બેરી ગામના જેઠારામ હિરારામ જાખડ (ઉ.વ.22)ની ધરપકડ કરી હતી. જેઠારામે પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, અમૃતસરથી દારૂ ભરેલી ટ્રક લઇને રવાના થયો હતો, સપ્લાયર લોકેશન આપતો હતો તેમ તે આગળ વધતો હતો, દારૂ કોને અને ક્યાં આપવાનો હતો તેનાથી તે અજાણ હતો, નવું લોકેશન મળે તે પહેલા બામણબોર નજીક પોલીસે ઝડપી લીધો હતો