મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ પ્રદૂષણને કારણે સૌથી વધુ મૃત્યુ ભારત, ચીન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઈન્ડોનેશિયા અને નાઈજીરિયામાં થાય છે. આગ પછી ફેલાતું વાયુ પ્રદૂષણ વિશ્વભરમાં દર વર્ષે 1.5 મિલિયન મૃત્યુનું કારણ બને છે. મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત એક અભ્યાસ દ્વારા આ વાત સામે આવી છે.
આશ્ચર્યની વાત એ છે કે, આવાં કિસ્સા મોટાભાગે વિકાસશીલ દેશોમાં નોંધાયાં છે.અધ્યયન મુજબ, હવામાન પરિવર્તન સાથે જંગલમાં આગની ઘટનાઓ વધુ, વારંવાર અને ગંભીર બનતી જાય છે જેનાથી મૃત્યુની સંખ્યામાં પણ વધારો થાય છે. હાલનાં ડેટાના આધારે સંશોધકોની આંતરરાષ્ટ્રીય ટીમે આનો અભ્યાસ કર્યો છે. એવું જાણવા મળ્યું હતું કે, 2000 અને 2019 ની વચ્ચે, આગનાં કારણે થતાં પ્રદૂષણને કારણે દર વર્ષે મોટાં પાયે હૃદય રોગ થાય છે અને 450000 લોકો મૃત્યુ પામે છે.
- Advertisement -
આ સિવાય દર વર્ષે આ આગથી થતાં પ્રદૂષણને કારણે લોકોમાં શ્વસન સંબંધી બીમારીઓનું જોખમ પણ વધે છે અને 220000 લોકોનાં મોત થાય છે. અગ્નિથી થતાં પ્રદૂષણ અને શરીર પર તેની વિવિધ અસરોને કારણે વિશ્વભરમાં દર વર્ષે 15.3 લાખ મૃત્યુઓ થાય છે. અભ્યાસ કહે છે કે, આવાં 90 ટકા મૃત્યુ ઓછી અથવા મધ્યમ આવક ધરાવતાં દેશોમાં થાય છે. તેમાંથી 40 ટકા એકલાં સહારા રણની નજીક આવેલાં આફ્રિકન દેશોમાં થાય છે. આગ પછી પ્રદૂષણને કારણે મૃત્યુંનો સૌથી વધુ રેકોર્ડ ધરાવતાં દેશોમાં ભારત પણ એક છે.
આ સિવાય ચીન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઈન્ડોનેશિયા અને નાઈજીરિયામાં પણ આ કારણે સૌથી વધુ મૃત્યુ નોંધાયાં છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતનાં ઉત્તરીય ક્ષેત્રમાં દર વર્ષે ખેતપેદાશોને ગેરકાયદેસર રીતે બાળવાની ઘટનાઓ નોંધાઈ છે. જેનાં કારણે ઝેરી ધુમાડો થાય છે અને તેનાં કારણે દિલ્હીની હવાની ગુણવત્તા પણ ખૂબ જ ખરાબ અને ગંભીર શ્રેણીમાં આવી ગઈ છે. લેન્સેટ અભ્યાસ આ પરિસ્થિતિનો સામનો કરવા અને મૃત્યુની વધતી સંખ્યાને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.