પારાપેટ તુટી ગઇ: કલર પણ ઉડી ગયો છતાં હજુ ઉદઘાટન કરાયુ નહીં: બાંધકામ સામે સવાલો ઉઠયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
લખતરમાં સરકારી સર્કિટ હાઉસના નવા બિલ્ડિંગના કામે પોત પ્રકાશ્ર્યું હોવાનું સામે આવ્યું છે. જ્યાં અનેક જગ્યાએ બિલ્ડિંગ ખંડેર થઈ ગયું હોવાના દ્રશ્ર્યો સામે આવ્યા હતા. ત્યારે આ પરિસ્થિતિને કારણે સરકારી કામો આવા જ થતા હશે તે સવાલો લોકોમાં ઊઠે છે. સરકાર દ્વારા વિકાસની મસમોટી વાતો કરવામાં આવે છે. લોકોની સુવિધાને પ્રાથમિકતા દર્શાવીને મોટા બણગા ફૂંકવામાં આવે છે.
પરંતુ હકીકત કંઈક જુદી જ હોય તેવો ઘાટ લખતરમાં સર્જાયો છે. લખતરખાતે સરકારી સર્કિટ હાઉસનું નવું બિલ્ડિંગ લગભગ એકાદ વર્ષ કરતા વધુ સમયથી નવું બનેલું પડ્યું છે. જે ઉદ્ઘાટનની રાહમાં હોય તેવો ઘાટ છે. તેવામાં આ બિલ્ડિંગનું ઉદ્ઘાટન તો થાય ત્યારે સાચું પરંતુ તે પહેલા આ બિલ્ડિંગની હાલત ખંડેર થઈ ગઈ છે. લખતર સર્કિટ હાઉસમાં જૂના બિલ્ડિંગ પાછળ જ નવું બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે.
પરંતુ નવું બિલ્ડિંગ જ જૂનું હોય તેવું જોવા મળે છે. આ બિલ્ડિંગના પગથિયા પણ તૂટી ગયા છે. બિલ્ડિંગ પરનો કલર પણ ઉખડી ગયો છે. તો પેરાફીટ પણ તૂટી ગયેલી છે. આવી હાલત થયેલી બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ હજુ સુધી થયું નથી. આમ ઉદ્ઘાટન પહેલા જ આ બિલ્ડિંગ ખંડેર થઈ જતા સરકારના વિકાસની વરવી વાસ્તવિકતા છતી થઈ છે. તેવામાં તંત્રના અધિકારીઓ આવા કામ સામે પગલા લેશે કે કેમ તેવા સવાલો ઊઠ્યા છે.