બાંગ્લાદેશને ધૂળ ચટાડ્યા બાદ હવે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આવતીકાલે ત્રણ ટેસ્ટ મેચની પ્રથમ ટેસ્ટ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શરુ થશે. મેચના એક દિવસ પહેલા જ ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે, ફાસ્ટ બોલર બેન સીર્સ ઈજાના કારણે ભારત સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.
ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા બેન સીઅર્સ અંગે જાહેર કરવામાં આવેલી અપડેટમાં જણાવવામાં આવ્યું કે શ્રીલંકામાં તાજેતરની ટેસ્ટ સીરીઝ દરમિયાન સીઅર્સને પ્રેક્ટીસ કરતા ડાબા ઘૂંટણમાં દુખાવો ઉપડ્યો હતો અને ગયા અઠવાડિયે ન્યુઝીલેન્ડમાં તેનું સ્કેન કરવામાં આવ્યું હતું. સ્કેનને કારણે તેનું ભારત આવવાનું મોડું થયું હતું.
- Advertisement -
નિવેદનમાં કહેવામાં આવ્યું કે સ્કેનમાં ઈજા થઇ હોવાનું જણાયા પછી, એવી આશા હતી કે પ્રાથમિક તબીબી સારવાર બાદ તે સ્વસ્થ થઈ જશે, જો કે, આવું ન થયું. તબીબી સલાહ બાદ તેને સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો.
બેન સીઅર્સ ઈજાગ્રસ્ત થયા બાદ તેના સ્થાને જેકબ ડફી(Jacob Duffy)નો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેકબ ન્યૂઝીલેન્ડ માટે ODI અને T20 ઈન્ટરનેશનલ રમી ચૂક્યો છે, પરંતુ તેણે હજુ સુધી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું નથી. તેને ભારત પ્રવાસ દરમિયાન ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.